શિશુવિહાર – ભાવનગર દ્વારા શ્રી રાજેશ ધામેલિયાને શ્રી અનિલભાઈ શ્રીધરાણી ‘માતૃભાષા સંવર્ધન પારિતોષિક’ શ્રી લતાબહેન હિરાણીને ‘શ્રી ભાગીરથી મહેતા સન્માન’ અને શ્રી પ્રણવભાઈ પંડ્યાને ‘શ્રી કિસ્મત કુરેશી સન્માન’થી નવાજવામાં આવ્યાં. - At This Time

શિશુવિહાર – ભાવનગર દ્વારા શ્રી રાજેશ ધામેલિયાને શ્રી અનિલભાઈ શ્રીધરાણી ‘માતૃભાષા સંવર્ધન પારિતોષિક’ શ્રી લતાબહેન હિરાણીને ‘શ્રી ભાગીરથી મહેતા સન્માન’ અને શ્રી પ્રણવભાઈ પંડ્યાને ‘શ્રી કિસ્મત કુરેશી સન્માન’થી નવાજવામાં આવ્યાં.


શિશુવિહાર – ભાવનગર દ્વારા શ્રી રાજેશ ધામેલિયાને શ્રી અનિલભાઈ શ્રીધરાણી ‘માતૃભાષા સંવર્ધન પારિતોષિક’

શ્રી લતાબહેન હિરાણીને ‘શ્રી ભાગીરથી મહેતા સન્માન’ અને

શ્રી પ્રણવભાઈ પંડ્યાને ‘શ્રી કિસ્મત કુરેશી સન્માન’થી નવાજવામાં આવ્યાં.

ભાવનગરમાં છેલ્લા ૮૫ વર્ષથી સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક એમ અનેકવિધ લોકોપયોગી પ્રવૃત્તિ કરતી સંસ્થા ‘શિશુવિહાર’ છે. આ સંસ્થા દ્વારા વિવિધ ક્ષેત્રે અનોખું પ્રદાન કરનાર લોકોને વિવિધ સન્માન એનાયત કરીને બિરદાવવામાં આવે છે. ‘શિશુવિહાર’ દ્વારા આજે માતૃભાષા સંવર્ધન ક્ષેત્રે પ્રદાન કરનાર શ્રી રાજેશકુમાર ધામેલિયા (સુરત)ને શ્રી અનિલભાઈ શ્રીધરાણી ‘માતૃભાષા સંવર્ધન ઍવૉર્ડ’, કવયિત્રી શ્રી લતાબહેન હિરાણી (અમદાવાદ)ને શ્રી ભાગીરથીબહેન મહેતા જાહનવી સ્મૃતિ ઍવૉર્ડ તેમજ શ્રી પ્રણવભાઈ પંડ્યા (અમરેલી)ને શ્રી કિસ્મતભાઈ કુરેશી ગઝલ ઍવૉર્ડથી પોંખવામાં આવ્યાં. અવસરે અધ્યક્ષસ્થાન પદ્મશ્રી મુનીભાઈ મહેતાએ શોભાવ્યું હતું. જાણીતા કવિ શ્રી વિનોદભાઈ જોશી તેમજ શિશુવિહાર સંસ્થાના મંત્રીશ્રી નાનકભાઈ ભટ્ટ, કવિ શ્રી મનોહર ત્રિવેદી, ડૉ. નલિનભાઈ પંડિત (પૂર્વ નિયામક, જી.સી.ઈ.આર.ટી.) જેમની સ્મૃતિમાં પારિતોષિક એનાયત કરવામાં આવે છે તે શ્રીધરાણી-મહેતા-કુરેશી પરિવારના સભ્યો, બુધસભાના મિત્રો, પ્રબુદ્ધ નાગરિકો વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમનો શુભારંભ સુમધુર પ્રાર્થનાથી કરવામાં આવ્યો. માનવંતા મહેમાનોનું શબ્દપુષ્પથી સ્વાગત શિશુવિહાર સંસ્થાના મંત્રીશ્રી નાનકભાઈ ભટ્ટે કર્યું હતું અને શિશુવિહાર સંસ્થાનો આછેરો પરિયચ આપ્યો હતો, ત્યારબાદ મહેમાનોનું સ્મૃતિભેથી અભિવાદન કરવામાં આવ્યું. આ અવસરે શ્રી વિનોદભાઈ જોશી મનનીય વક્તવ્ય રજૂ કર્યું હતું. શ્રી અનિલભાઈ શ્રીધરાણી, શ્રી ભાગીરથીબહેન મહેતા જાહ્નવી અને શ્રી કિસ્મતભાઈ કુરેશીએ સાહિત્ય ક્ષેત્રે તેમજ ‘શિશુવિહાર’ સંસ્થામાં કરેલ પ્રદાન વિશે માહિતી આપી હતી. આજે સન્માન માટે પસંદગી પામેલ ત્રણેય સાહિત્યકારોના પ્રદાન વિશે પણ ટૂંકી વાત કરી હતી. મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે ખેસ, સન્માનપત્ર, પુસ્તકો, પુરસ્કાર વગેરે અર્પણ કરીને કવયિત્રી શ્રી લતાબહેન હિરાણી, શ્રી પ્રણવભાઈ પંડ્યા અને શ્રી રાજેશકુમાર ધામેલિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે પ્રતિભાવ અને આનંદ ઉદ્ગાર વ્યક્ત કરતાં શ્રી રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “શિશુવિહાર સંસ્થા દ્વારા મારું સન્માન કરવામાં આવી રહ્યું છે, તે મારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે; આ મારા જીવનનો અવિસ્મરણીય અવસર છે. ખરેખર, આ મારું નહીં પરંતુ માતૃભાષા સજ્જતા અને સંવર્ધન ક્ષેત્રે અત્યાર સુધીમાં થયેલ કાર્યમાં સાથ-સહકાર આપનાર સૌ માતૃભાષાપ્રેમીઓનું સન્માન છે. ‘સાચી જોડણી લાગે વહાલી’ અને ‘ભાષાસજ્જતા’ પુસ્તિકાઓ ૩,૦૦,૦૦૦થી વધારે લોકોએ વસાવીને અદ્ભુત પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ગુજરાતી-અંગ્રેજી માધ્યમની શાળાઓ તેમજ કૉલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ૬૫૦થી વધારે સેમિનાર યોજાયા છે. કોઈ પણ જિજ્ઞાસુ શિક્ષક માત્ર ૧૦ કલાક ભાષાસજ્જતા માટે ફાળવે તો ૮૦-૯૦ % શુદ્ધલેખન શીખી શકે. આપણી ઇચ્છાશક્તિ હોય તો આધુનિક ટૅક્નૉલોજીની મદદથી માતૃભાષાનું સંવર્ધન ખૂબ સહેલાઈથી થઈ શકે તેમ છે.” શ્રી પ્રણવભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, “ગઝલ ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન કરનાર કિસ્મત કુરેશીની સ્મૃતિમાં, શિશુવિહાર સંસ્થા દ્વારા મારું સન્માન થયું તે મારા જીવનનો અણમોલ અવસર છે.” શ્રી પ્રણવભાઈએ પોતાનાં કાવ્યો રજૂ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. કવયિત્રી શ્રી લતાબહેન હિરાણીએ જણાવ્યું હતું કે, “આ પૂર્વે મને રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો પ્રાપ્ત થયાં છે; પણ શિશુવિહાર સંસ્થા દ્વારા પ્રાપ્ત થયેલ ઍવૉર્ડનું મારે મને અનોખું સ્થાન છે. મારા જીવનમાં પિસ્તાળીસ વર્ષ પછી મેં લેખનયાત્રાનો પ્રારંભ કર્યો. બીમારીમાંથી બહાર આવવા માટે આરંભાયેલી આ સાહિત્યિક યાત્રા દ્વારા મને આનંદમય જીવનની પ્રાપ્તિ થઈ છે. આજ સુધીમાં અનેક સંસ્થાઓ અને લોકોનો મને સહયોગ સાંપડ્યો છે, તે સૌનો આભાર વ્યક્ત કરું છું.સમારોહના અધ્યક્ષ પદ્મશ્રી ડૉ. એમ. એમ. મહેતાસાહેબે જણાવ્યું હતું કે, “સાહિત્ય, સમાજ, શિક્ષણ, આરોગ્ય એમ અનેકવિધ ક્ષેત્રે અવિરતપણે કાર્ય સંસ્થા મારી જાણ મુજબ માત્ર ‘શિશુવિહાર’ છે. વર્ષોથી સાતત્યપૂર્ણ રીતે અહીં જે કાર્ય થઈ રહ્યું છે, તે બદલ સંસ્થાના મંત્રી શ્રી નાનકભાઈ અને સંસ્થાના સૌ હોદ્દેદારો તેમજ સૌ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન. ઍવૉર્ડ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવી તે ખૂબ અઘરું કાર્ય હોય છે, આ અઘરું કાર્ય સારી રીતે પાર પાડવા બદલ પણ સૌને ધન્યવાદ. આજે સન્માતિત થયેલ ત્રણેય વ્યક્તિઓ દ્વારા જે કાર્યો થઈ રહ્યાં છે, તે જાણીને ખૂબ આનંદ થાય છે. આજે માતૃભાષા સંવર્ધનની ખૂબ જરૂર છે, ત્યારે આ દિશામાં પણ સરસ કાર્ય થઈ રહ્યું છે તે જાણીને ઘણો હર્ષ થયો.”આ અવસરે વગેરે હૃદયના ભાવથી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ શ્રી હિમલભાઈ પંડ્યાએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. માનસીબહેન ત્રિવેદીએ કર્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.