નવી મુંબઇ એરપોર્ટ:નવી ઉડાન; રન-વે તૈયાર, એપ્રિલથી ફ્લાઇટ શરૂ થશે - At This Time

નવી મુંબઇ એરપોર્ટ:નવી ઉડાન; રન-વે તૈયાર, એપ્રિલથી ફ્લાઇટ શરૂ થશે


નવા વર્ષમાં યાત્રીઓને ગ્રેટર નોઇડાના ઝેવર એરપોર્ટની સાથે જ નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની પણ ભેટ મળવા જઇ રહી છે. અહીં પ્રથમ તબક્કાનું કામ 80% પૂર્ણ થઇ ચૂક્યું છે. 31 ડિસેમ્બરે કોમર્શિયલ ફ્લાઇટની ટ્રાયલ થશે. એપ્રિલ 2025માં પહેલા જ દિવસે 20 ફ્લાઇટ્સથી શરૂઆત થશે. જૂનથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થશે. અત્યારે અમે NMIAમાં જ હાજર છીએ, જ્યાં 12 હજાર લોકો યુદ્ધસ્તરે કામ કરી રહ્યા છે. કમળના આકારનું ટર્મિલન આ એરપોર્ટની મોટી સુંદરતા છે. આ એરપોર્ટ પર 350 વિમાન એક સાથે ઊભા રહી શકવાની ક્ષમતા છે. અંદાજે 76 પ્રાઇવેટ જેટ માટે પણ વ્યવસ્થા કરાઇ છે. 3.7 કિમી લાંબો રન-વે ફ્લાઇટ્સ માટે સંપૂર્ણપણે તૈયાર છે. આગામી તબક્કામાં અહીં વધુ એક રન-વે તૈયાર કરાશે. દેશની આર્થિક રાજધાની ઉપરાંત મુંબઇ એરપોર્ટ પર યાત્રીઓના વધતા ધસારાને કારણે આ એરપોર્ટનું મહત્ત્વ વધ્યું છે. સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થયા બાદ અહીં વાર્ષિક અંદાજે 9.5 કરોડ યાત્રીઓ અવરજવર કરશે. પ્રારંભમાં આ આંકડો અંદાજે 2 કરોડ હશે. વર્ષ 2029માં યાત્રીઓની સંખ્યાની દૃષ્ટિએ તે મુંબઇ એરપોર્ટને પાછળ રાખી શકે છે. અહીં દેશની સૌથી મોટી કાર્ગો સિસ્ટમ પણ વર્ટિકલ રીતે તૈયાર કરાઇ રહી છે. સિનિયર એન્જિનિયરો અનુસાર આ દેશનું એકમાત્ર એરપોર્ટ છે જેને અંદાજે 9 મીટરના ઊંડાણને ભરીને તૈયાર કરાઇ રહ્યું છે. અહીં પહેલાં નદી-પહાડો હતાં. પહાડોને કાપવામાં આવ્યા હતાં. કાર્યપ્રગતિ પર...ટર્મિનલ 80%, હોટલનું નિર્માણ કાર્ય 70% પૂર્ણ
ટર્મિનલ બિલ્ડિંગ: 2 મહિનામાં પૂર્ણ થઇ જશે. 80% કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. તેને કમળના આકારમાં તૈયાર કરાઇ રહ્યું છે. શૉપિંગ મોલ બનાવાય છે.
રન-વે: 350 મીટર વિઝિબિલિટી પર પણ લેન્ડિંગ
100% તૈયાર છે. 31 ડિસેમ્બરથી કોમર્શિયલ ફ્લાઇટ પ્રસ્તાવિત. 350 મી. વિઝિબિલિટી પર પણ ફ્લાઇટ્સ ઑપરેટ થશે.
કાર્ગો: સંપૂર્ણપણે ઑટોમેટેડ સિસ્ટમથી સજ્જ છે
80% તૈયાર છે. દેશમાં સૌથી શ્રેષ્ઠ કાર્ગો સુવિધા. વર્ટિકલ કાર્ગો હોવાને કારણે સંપૂર્ણપણે ઑટોમેટેડ બનાવાશે. એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પરથી સામાન ઉપરના માળ સુધી ઑટોમેટેડ સિસ્ટમથી પહોંચાડાશે. 7 ફ્રેટર સ્ટેન્ડ બનાવાઇ રહ્યા છે.
પાર્કિંગ: પહેલા બે તબક્કામાં 2400 વાહન પાર્ક થશે
70% કામ પૂર્ણ થયું છે. પહેલા બે તબક્કામાં 2,400 વાહન પાર્ક થઇ શકશે. બાદમાં તેની ક્ષમતા વધારીને 10 હજાર કરાશે.
હોટલ: ટર્મિનલમાં 100 રૂમની હોટલ છે
70% કામ પૂર્ણ. ટર્મિનલમાં 100 રૂમની ડે-હોટલ તૈયાર છે. તે ઉપરાંત પ્રોજેક્ટના અલગ અલગ તબક્કામાં વધુ એક ડઝન હોટલ તૈયાર કરાશે.
ફ્યૂઅલ ફાર્મ: 24 હજાર લિટરની સ્ટોરેજ ક્ષમતા
90% પૂર્ણ. 24 હજાર લિટર ફ્યૂઅલ સ્ટોરેજ ક્ષમતા હશે. એ બધું જ જે તમારા માટે જાણવું જરૂરી છે: ફ્લાઇટમાંથી ઉતરતા જ સામાન ક્યારે મળશે તેવો સંદેશ મળશે, ટેક્સી શરૂ થવા પર મુંબઇમાં ક્યાંયથી પણ 17 મિનિટમાં પહોંચી શકાશે 17 એપ્રિલથી નિયમિત ફ્લાઇટ્સ શરૂ કરવાની તૈયારી છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા અને અકાસા એરલાઇન્સ સાથે વાતચીત થઇ રહી છે. અહીંથી દેશનાં તમામ પ્રમુખ ટિયર-1 અને ટિયર-2 શહેરો માટે ફ્લાઇટની તૈયારી છે. મુંબઇ એરપોર્ટથી નવી મુંબઇ એરપોર્ટ અંદાજે 35 કિમી દૂર હશે. પિક અવર્સમાં મુંબઇ એરપોર્ટ વ્યસ્ત રહે છે. નવા એરપોર્ટથી સુવિધા મળશે. મુંબઇ એરપોર્ટથી સમુદ્ર પર બનેલા અટલ સેતુના રસ્તે અહીં પોણા કલાકમાં પહોંચી શકાય છે. મુંબઇ-હૈદરાબાદ હાઇસ્પીડ કૉરિડોરને પણ એરપોર્ટ સાથે જોડાઇ રહ્યો છે. આગામી સમયમાં બુલેટ ટ્રેનને પણ કનેક્ટ કરાશે. તે 22 કિમી લાંબી મુંબઇ ટ્રાન્સ હાર્બર લિન્ક સાથે જોડાશે. મુંબઇ એરપોર્ટથી સીધી મેટ્રો સેવા શરૂ કરાશે. હાલમાં જ માર્ગપરિવહન મંત્રી ગડકરીએ કહ્યું હતું કે પ્રસ્તાવિત જળ ટેક્સી સેવા શરૂ થવા પર યાત્રીઓને મુંબઇના કોઇ પણ વિસ્તારમાંથી અહીં પહોંચવામાં માત્ર 17 મિનિટ લાગશે. તે સમગ્ર રીતે ડિજિટલ હશે. યાત્રીઓને ફ્લાઇટમાંથી લેન્ડ થતાં જ સામાન ક્યારે મળશે તેનો સંદેશ મળી જશે. એરપોર્ટ આવતા પહેલાં ઑનલાઇન પાર્કિંગ સ્લોટ બુક કરાવી શકાશે. એર ટ્રાફિક તેજીથી વધી રહ્યો છે. આશા છે કે 2040 સુધી મુંબઇમાં 18 કરોડ યાત્રીઓ હશે. કારણ કે મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હવે વિસ્તરણની સંભાવના ઓછી છે. અત્યારે 5.5 કરોડ પેસેન્જર ટ્રાફિકની સાથે વર્તમાન એરપોર્ટ કાર્યરત છે. નવી મુંબઇ એરપોર્ટ એપ્રિલથી 2 કરોડ યાત્રીઓના ફૂટફૉલ સાથે શરૂ થશે. તેનું કામ 2018માં શરૂ થયું હતું. પ્રોજેક્ટમાં વિલંબનું કારણ એ હતું કે જે જગ્યાએ એરપોર્ટ છે, જ્યાં ભૌગોલિક સ્થિતિ સૌથી મોટો પડકાર હતી. ફ્લાઇટ્સના વધુ વિકલ્પ હોવાથી સસ્તા દરે ટિકિટ મળશે. અહીં મેરિયટ તાજ, ફૉર્ચ્યૂન, શેરેટોન, ધ પાર્ક સહિત અનેક ફોર-ફાઇવ સ્ટાર હોટલ છે. આગામી સમયમાં વધુ હોટલો બનશે. અહીં દેશની મોટી MNC કંપનીઓ પોતાની ઑફિસ ખોલી રહી છે. તે ઉપરાંત ખારગર-2, ઉલ્વે-2 રેસિડેન્શિયલ ઝોન વિકસિત થઇ રહ્યો છે. LT અને રાહેજા ગ્રૂપ અહીં ફાઇવ સ્ટાર હોટલ્સ અને શૉપિંગ મોલ બનાવશે. પ્રમુખ આઇટી કંપનીઓ પણ ઓફિસ બનાવી રહી છે. નવી મુંબઇ એરપોર્ટ પર કામ કુલ 4 તબક્કામાં થશે. પહેલો તબક્કો એપ્રિલ 2025 સુધી પૂરો થશે. બીજો 2029, ત્રીજો 2032 અને ચોથો 2036 સુધી થશે. પહેલા તબક્કામાં ટર્મિનલથી વાર્ષિક 2 કરોડ યાત્રીઓ મુસાફરી કરી શકશે. બીજા તબક્કામાં 3.5 કરોડ, ત્રીજા અને ચોથામાં 2-2 કરોડ એટલે કે 2036 સુધી એરપોર્ટ 9.5 કરોડ યાત્રીઓ સાથે ઑપરેટ કરશે. નવી મુંબઇ 3 હજાર એકરમાં બનશે. ઝેવર એરપોર્ટ અંદાજે 5 હજાર એકરમાં હશે. હૈદરાબાદનું રાજીવ ગાંધી એરપોર્ટ અત્યારે દેશનું સૌથી મોટું (5500 એકર) છે. દિલ્હી એરપોર્ટ બીજા (5220 એકર) ક્રમાંકે છે. લાભ: મુંબઇમાં બંને એરપોર્ટ ચાલુ થવાથી દૈનિક 1500થી વધુ ફ્લાઇટ્સ સંચાલિત થશે
અત્યારે મુંબઇમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ એક રનવે ઑપરેશન અને બે પેસેન્જર ટર્મિનલની સાથે મુંબઇનું એકમાત્ર એરપોર્ટ છે. જ્યારે બંને એરપોર્ટ ચાલુ થશે ત્યારે મુંબઇને પ્રતિદિન 1500 ફ્લાઇટ્સ મળશે. દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઇની માફક અહીં પણ સમાંતર રીતે રનવેની સુવિધા હશે. અસર; જમીનોની કિંમત 40% વધી, અહીં 8-10 લાખ રોજગારીનું સર્જન થશે
બિલ્ડર એસોસિયેશન ઑફ ઇન્ડિયાના આનંદ ગુપ્તા અને રિયલ એસ્ટેટ નિષ્ણાત અનુજ પુરી અનુસાર નવી મુંબઇ એરપોર્ટથી આ વિસ્તારમાં પ્રોપર્ટીની કિંમતોમાં 30-40%ની વૃદ્ધિ થઇ છે. યુનિવર્સિટી, કોલેજ, સ્કૂલ તેમજ રેસિડેન્શિયલ ઝોન વિકસિત થશે. 8-10 લાખ લોકોને રોજગારી મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.