દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગનું કારણ સામે આવ્યું:ટ્રેન માટેની જાહેરાત થતાં જ મુસાફરો ભાગવા લાગ્યા, પ્લેટફોર્મ બદલવાના રસ્તાઓ બ્લોક થયા: RPFનો રિપોર્ટ
15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના અંગે RPFનો એક રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં જણાવાયું છે કે પ્રયાગરાજ જતી કુંભ સ્પેશિયલ ટ્રેનના પ્લેટફોર્મ બદલવાની જાહેરાતને કારણે આ અકસ્માત થયો હતો. ઘટનાના એક દિવસ પછી 16 ફેબ્રુઆરીએ RPFએ દિલ્હી ઝોનને રિપોર્ટ સુપરત કર્યો. એમાં કહેવામાં આવ્યું છે કે 15 ફેબ્રુઆરીના રોજ રાત્રે લગભગ 8.45 વાગ્યે જાહેરાત કરવામાં આવી હતી કે પ્રયાગરાજ જતી કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 12 પરથી ઊપડશે. થોડા સમય પછી બીજી જાહેરાત કરવામાં આવી કે કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 પરથી ઊપડશે. આ પછી નાસભાગની સ્થિતિ સર્જાઈ. રિપોર્ટ અનુસાર, આ સમયે મગધ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 14 પર ઊભી હતી, ઉત્તર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 15 પર ઊભી હતી. પ્રયાગરાજ એક્સપ્રેસમાં ચઢવા માટે મુસાફરોની ભીડ પણ પ્લેટફોર્મ નંબર 14 પર હાજર હતી, એટલે ત્રણેય ટ્રેનમાં આવનાર-જનારની ભીડ પ્લેટફોર્મ પર પહેલાંથી જ હાજર હતી. જાહેરાત સાંભળીને મુસાફરો પ્લેટફોર્મ 12-13 અને 14-15 પરથી ફૂટઓવર બ્રિજ 2 અને 3 દ્વારા સીડી ચઢવાનો પ્રયાસ કરવા લાગ્યા. આ સમય દરમિયાન મગધ એક્સપ્રેસ, ઉત્તર સંપર્ક ક્રાંતિ અને પ્રયાગરાજ એક્સપ્રેસના મુસાફરો સીડી પરથી નીચે ઊતરી રહ્યા હતા. ધક્કામુક્કી વચ્ચે કેટલાક મુસાફરો લપસી ગયા અને સીડી પર પડી ગયા, જેના કારણે નાસભાગ મચી ગઈ. ઇવેન્ટના બે કલાક પહેલાં 2600 જનરલ ટિકિટ વેચાઈ ગઈ હતી
ભાગદોડની તપાસમાં જાણવા મળ્યું કે રેલવેએ નવી દિલ્હી સ્ટેશન પર દર કલાકે 1,500 જનરલ ટિકિટ વેચી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કર્મચારીઓની તહેનાતી સંતુલિત નહોતી, જેના કારણે ભીડને નિયંત્રિત કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ અને પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ઘટના પહેલાં (15 ફેબ્રુઆરીના રોજ) બે કલાકમાં રેલવેએ 2600 જનરલ ટિકિટ વેચી દીધી હતી. સામાન્ય રીતે એક દિવસમાં 7 હજાર ટિકિટ વેચાતી હતી, પરંતુ આ દિવસે 9600 ટિકિટ વેચાઈ હતી. ત્રણ પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનો... પોલીસે કહ્યું- જો તમારે તમારો જીવ બચાવવો હોય તો પાછા જાઓ: પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે સ્ટેશન પર એટલી ભીડ હતી કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી. ટ્રેન લોકોથી ખીચોખીચ ભરેલી હતી. અમુક પોલીસકર્મીઓ દેખાતા હતા. પોલીસકર્મીઓ લોકોને કહી રહ્યા હતા કે જો તેઓ પોતાનો જીવ બચાવવા માગતા હોય તો તેમણે પાછા જવું જોઈએ. તમારા રૂપિયા નથી ગયા, તમારો જીવ બચી ગયો છે. કન્ફર્મ ટિકિટવાળા લોકો પણ ડબ્બામાં પ્રવેશી શક્યા નહીં: પ્રયાગરાજ જઈ રહેલા પ્રમોદ ચૌરસિયાએ કહ્યું હતું કે મારી પાસે પુરુષોત્તમ એક્સપ્રેસની સ્લીપર ટિકિટ હતી, પરંતુ એટલી બધી ભીડ હતી કે કન્ફર્મ ટિકિટવાળા લોકો પણ ડબ્બામાં પ્રવેશી શક્યા નહીં. એટલી બધી ધક્કામુક્કી થઈ કે અમે કોઈક રીતે ભીડમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા. ટ્રેનો રદ થવા અને મોડી પડવાથી ભીડ વધી: પ્રત્યક્ષદર્શી ધર્મેન્દ્ર સિંહે કહ્યું હતું કે હું પણ પ્રયાગરાજ જઈ રહ્યો હતો. બે ટ્રેન પહેલેથી જ મોડી ચાલી રહી હતી, કેટલીક રદ કરવામાં આવી હતી. તેથી સ્ટેશન પર ભારે ભીડ હતી. મારા જીવનમાં પહેલીવાર મેં આ સ્ટેશન પર આટલી ભીડ જોઈ. મેં પોતે છ-સાત મહિલાને સ્ટ્રેચર પર લઈ જતી જોઈ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
