NEETનું પેપર એકંદરે સરળ : કટ ઓફ સ્કોર ઊંચો જવાની શક્યતા - At This Time

NEETનું પેપર એકંદરે સરળ : કટ ઓફ સ્કોર ઊંચો જવાની શક્યતા


અમદાવાદ,ધો.૧૨ સાયન્સ
પછીના યુજી મેડિકલ,ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથી પ્રવેશ માટે આજે દેશભરમાં નીટ લેવામા આવી
હતી. આ વર્ષનું નીટનું પેપર એકંદરે સરળ રહ્યુ છે. ગત વર્ષની સરખામણીએ પેપર સરળ
રહેતા વિદ્યાર્થીઓ-વાલીઓએ રાહત અનુભવી હતી. આ વર્ષે વિદ્યાર્થીઓ વધવા સાથે પેપર પણ
સરળ રહેતા કટ ઓફ સ્કોર ઊંચો જવાની શક્યતા છે.  દેશના ૫૪૩ અને વિદેશના ૧૪ સહિત ૫૫૭ શહેરોમાં આજે
નીટ લેવાઈ હતી. સમગ્ર દેશમાં બપોરે ૨થી સાંજના ૫ઃ૨૦ સુધી પરીક્ષા લેવાઈ હતી.
ગુજરાતમાં અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર,
હિમ્મતનગર, પાટણ, મહેસાણા,
વાપી,વેરાવળ, ભુજ,
ગોધરા સહિતના ૩૦ શહેરોમાં પરીક્ષા લેવાઈ હતી.અમદાવાદમાં ૧૮
કેન્દ્રોમાં પરીક્ષા થઈ હતી. આ વર્ષે રેકોર્ડબ્રેક ૧૮.૩૨ લાખથી વધુ વિદ્યાર્થી નીટ
માટે નોંધાયા હતા અને ગુજરાતમાં ૭૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ નીટ માટે નોંધાયા હતા.
વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે પેપર એકંદરે સરળ રહ્યુ હતું.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષનું નીટ પેપર સરળ કહી
શકાય તેવુ હતું. ફીઝિક્સ, કેમિસ્ટ્રી, બોટની અને ઝૂલોજી સહિતના ચાર વિષયમાં ૫૦-૫૦ પ્રશ્નો સાથે ૨૦૦ પ્રશ્નોનું કુલ
૭૨૦ માર્કસનું પેપર હતું. ફીઝિક્સનો પાર્ટ અન્ય સેકશન કરતા સરળ હતો. જ્યારે બાયોલોજીના
પ્રશ્નો થોડા ટ્રીકી હતા. પેપર એકંદરે થોડુ લાંબુ હતુ અને બાયોલોજીના પ્રશ્નોમાં વિદ્યાર્થીઓને
ઘણો સમય લાગ્યો હતો.એનટીએ દ્વારા ૨૦ મીનિટ વધુ અપાતા વિદ્યાર્થીઓને ઘણી રાહત થઈ હતી.
આ વખતે વિદ્યાર્થીઓનું ફેસ સ્ક્રિનિંગ પણ કરાયુ હતું અને એન્ટ્રી સમયે કડક ચેકિંગ કરાયુ
હતું. વિદ્યાર્થીઓને ઘડીયાળ,  ટોપી, બેલ્ટ પહેરીને જવા પર પણ પ્રતિબંધ હતો અને પેન,પેન્સિલ, બેગ કે પાણીની બોટલ પણ સેન્ટર લઈ જવાની મનાઈ
હતી. પરિણામ જુલાઈના અંત સુધીમા કે ઓગસ્ટના પ્રથમ સપ્તમા આવશે. આ વર્ષે ૨.૫ લાખ જેટલા
વિદ્યાર્થીઓ વધારે હોવાથી અને પેપર સરળ રહેતા કટ ઓફ સ્કોર ઊંચો જઈ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.