10 મહિના પહેલાં 88 પાનાંના રિપોર્ટમાં લખ્યું હતું કે ફાયર સિસ્ટમ ફેલ છે, મોટી દુર્ઘટના રોકી નહીં શકાય
તક્ષશિલા અને મોરબી કરતાંય ખરાબ અને ભયાનક બનાવ બનવાનો પત્રમાં ઉલ્લેખ
સરકાર, પોતાની જ પાર્ટીના કાર્યકર્તાનું સાંભળી લેતી તો 30 લોકો જીવતાં સળગતા બચી જાત
અમદાવાદમાં રહેતા મિલિન્દ શાહ ભાજપના કાર્યકર છે અને સાથેસાથે વ્હિસલ બ્લોઅર તેમજ ફાયર પ્રિવેન્શન એક્ટિવિસ્ટ છે. 10 મહિના પહેલા એટલે કે, 11 જુલાઈ-2023ના રોજ મિલિન્દ શાહે રાજ્ય સરકાર તેમજ ગાંધીનગર સ્થિત ડિયરેક્ટોરેટ ઓફ સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસને 88 પાનાનો પત્ર લખી રાજ્યમાં કથળી રહેલી ફાયર સર્વિસ અંગે ચેતવ્યા હતા. તેમણે પત્રમાં ગંભીરતાપૂર્વક ઉલ્લેખ કર્યો હતો કે, આખા રાજ્યમાં આગથી થનારા અકસ્માત રોકવા માટે કોઈ એક્શન પ્લાન ના હોવાને કારણે ગમે ત્યારે તક્ષશિલા અને મોરબી કરતાય ખરાબ અને ભયાવહ બનાવ બની શકે છે. જોકે આ વાતને સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધ્યાને લેવામાં આવી નહોંતી.
મિલિન્દ શાહે ભાજપ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારને પણ ગુજરાત સ્ટેટ ફાયર વિભાગમાં ચાલતી ગેરરીતિઓ અને વિસંગતતાથી વાકેફ કરવા રૂબરૂ તેમજ લેખિતમાં અહેવાલ આપીને ચેતવ્યા હતા, કે જેનાથી ફાયરની બેદરકારી અને ભ્રષ્ટાચારી નીતિના કારણે ગુજરાતની પ્રજાની સલામતી જોખમાય નહીં. મિલિન્દ શાહે કહ્યું કે, ફાયરમાં વધી રહેલા ભ્રષ્ટાચારના કારણે નિર્દોષ લોકો મૃત્યુ પામે છે. જો સરકારે પહેલેથી આગમચેતી પગલા લીધા હોત તો કદાચ રાજકોટની ઘટનામાં 30 નિર્દોષ જીવ બચી શક્યા હોત.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.