EDITOR’S VIEW: મોદી સરકાર 3.0:નીતિશ ને નાયડુએ નાક દબાવવાની કરી શરૂઆત, સત્તાના શંભુમેળામાં મોદીએ મન અને મંત્રી મંડળ મોટું રાખવું પડશે
મોદીએ મન અને મંત્રીમંડળ બંને મોટા રાખવા પડશે કારણ કે નીતિશ અને નાયડુએ નાક દબાવવાની શરૂઆત કરી દીધી છે
હોમ, ફાઇનાન્સ, ડિફેન્સ, આઇટી, રેલવે, વિદેશ અને લો મિનિસ્ટ્રી મોદી કોઇ સાથી પક્ષને નહિ આપે. આ બધી સ્ટ્રેટેજિક મિનિસ્ટ્રી છે. આ બધા લોકો સીધા જ વડાપ્રધાન સાથે કામ કરે છે. સ્પીકર પદ પણ ભાજપ કોઇ સાથી પક્ષને નહિ આપે. ડે સ્પીકર પદ કદાચ આપી શકે. રાજયસભાના ચેરમેનનું પદ ઓલરેડી જેડીયુ પાસે હતું જ. મંત્રીમંડળ માટે કોઇ ફોર્મ્યુલા બનાવવી પડશે. પાંચ સાંસદવાળા ચિરાગ પાસવાન જો ત્રણને મંત્રી બનાવવાની માગ કરે તો મંત્રીઓનો આંકડો ક્યાં પહોંચે? નમસ્કાર, નરેન્દ્ર મોદી મંત્રીઓનો 'શંભુ મેળો' કરવામાં માનતા નથી. ઓછા મંત્રીઓથી સરકાર ચલાવવી એ એમનો સ્વભાવ છે. ગુજરાતમાં પહેલીવાર 2002માં મુખ્યમંત્રી બન્યા ત્યારે માત્ર 17 મંત્રીઓ હતા. પહેલીવાર કેન્દ્રમાં વડાપ્રધાન બન્યા ત્યારે પૂરા 50 મંત્રીઓ પણ નહોતા. એ વાત જુદી છે કે સાંસદોને તક આપવા મંત્રી મંડળનું વિસ્તરણ કરતા ગયા પણ આ વખતે મોદી સરકાર 3.0માં તેમણે મંત્રીઓની સંખ્યા વધારી દેવી પડશે. તેણે પોતાનાને સાચવવાના છે ને બહારનાને પણ જગ્યા આપવાની છે. ગુજરાતમાં મોદીએ વધુમાં વધુ 21 મંત્રી રાખ્યા હતા, રૂપાણી અને ભૂપેન્દ્રભાઈ સરકારમાં 24 મંત્રીઓ
ઓછા મંત્રીઓ સાથે કામ કરનારા નરેન્દ્ર મોદી જ્યારે 2002માં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે માત્ર 17 મંત્રીઓ હતા. ગુજરાતમાં બીજીવાર મોદી સરકાર 2007માં બની. ત્યારે મોદી સરકારમાં 19 મંત્રીઓનો સમાવેશ કરાયો. ત્રીજીવાર જ્યારે 2012માં નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારે મોદીના મંત્રીમંડળમાં 21 મંત્રીઓ હતા. એ પછી જો સૌથી વધારે મંત્રીઓ હોય તો એ વિજય રૂપાણી સરકારમાં 24 મંત્રી હતા અને ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકારમાં પણ 24 મંત્રી હતા. જો કે, ભૂપેન્દ્ર પટેલની બીજી સરકારમાં મંત્રીઓની સંખ્યા ઘટીને 18 થઈ ગઈ છે. આવનારા નજીકના સમયમાં ભૂપેન્દ્રભાઈએ મંત્રી મંડળનો વિસ્તાર કરવો પડશે અને તેની સંખ્યા 30 આસપાસ પહોંચે તો નવાઈ નહીં. કારણ કે, વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા હવે 161 થઈ ગઈ છે. 2014માં મોદી સરકારનું મંત્રી મંડળ મનમોહનસિંહ કરતાં અડધું હતું!
2014માં પહેલીવાર બહુમતી સાથે ભાજપ સરકાર બની ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રી મંડળમાં માત્ર 45 મંત્રીઓ સામેલ કરાયા હતા. ત્યારે કોંગ્રેસના 44 સાસંદો હતા. એટલે કોંગ્રેસના સાંસદો કરતાં મોદીનું મંત્રી મંડળ મોટું હતું. એ વખતે 24 કેબિનેટ મંત્રી, 11 રાજ્યમંત્રી અને 10 સ્વતંત્ર્ય પ્રભારના મંત્રી હતા. એ પહેલાંની 2009ની મનમોહન સરકારમાં 70 મંત્રીઓ હતા. કેન્દ્ર સરકારમાં 81 મંત્રીઓ રાખી શકાય છે પણ મોદીએ માત્ર 45 મંત્રીઓ રાખ્યા હતા. એ વાત અલગ છે કે પહેલી ટર્મ પૂરી થવામાં હતી ત્યારે 2019માં મોદી સરકારમાં મંત્રીઓની સંખ્યા 75ની થઈ ગઈ હતી. મોદીએ પહેલી સરકારમાં માત્ર ત્રણ જ વાર મંત્રમંડળનું વિસ્તરણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી સરકારમાં ત્રણ જ વાર મંત્રીમંડળમાં ફેરબદલ કરવામાં આવ્યા હતા. જેમાં, પહેલીવાર 9 નવેમ્બર 2014 : મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને 21 નેતાને સરકારમાં સામેલ કરવામાં આવ્યા હતા. એ સમયે સરકારમાં 4 નવા કેબિનેટ મંત્રી, 3 સ્વતંત્ર પ્રભારી રાજ્યમંત્રી અને 14 રાજ્યમંત્રી સહિત કુલ 21 નવા મંત્રીઓને સરકારમાં સામેલ કરવામાં આવ્યા હતા. બીજીવાર 5 જુલાઈ 2016: 19 નવા મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા હતા અને પાંચ રાજ્યોના મંત્રી જેમના કામથી મોદી સરકારને સંતોષ નહતો તેમને મંત્રીમંડળમાંથી બહારનો રસ્તો પણ બતાવવામાં આવ્યો હતો. કેબિનેટમાં 10 રાજ્યમાંથી 19 નવા ચહેરાની એન્ટ્રી કરવામાં આવી હતી. તેમાં રાજ્યમંત્રી પ્રકાશ જાવડેકરને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. મોદી સરકારને પહેલી ટર્મના કાર્યકાળને બે વર્ષ પૂરા થતાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તેમાં છ મંત્રીઓને બહારનો રસ્તો પણ બતાવી દેવાયો હતો. ત્રીજીવાર 3 સપ્ટેમ્બર 2017: મોદી સરકારનું ફરી વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં 9 નવા ચહેરાને સામેલ કરવામાં આવ્યા હતા. આ સિવાય 4 મંત્રીને તેમના કામના આધારે પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ કેબિનેટમાં ધર્મેન્દ્ર પ્રધાન, પીયૂષ ગોયલ, નિર્મલા સીતારમણ અને નકવીને પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેમનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. મોદી સરકાર 2.0માં જાતિ આધારિત મંત્રી મંડળ બનાવવામાં આવ્યું
કેન્દ્રમાં ફરી વખત ભાજપની સરકાર બનતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 58 મંત્રીએ શપથ લીધા હતા. આ મંત્રીઓમાં 24 કેબિનેટ, 9 સ્વતંત્ર પ્રભાર અને 24 રાજ્ય મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પૂરા 60 મંત્રીઓ પણ નહોતા. 2014 કરતાં 2019માં 13 મંત્રીઓ વધારે હતા. આ મંત્રીમંડળ જાતીય અને ધાર્મિક આધાર પર પણ બનાવવામાં આવ્યું હોય એવું માનવામાં આવતું હતું. આ કેબિનેટમાં પણ 'સૌનો સાથ સૌનો વિકાસ' મંત્ર સાકાર કરવાનો પ્રયત્ન દેખાતો હતો. આ મંત્રીમંડળમાં ઉચ્ચ જાતિના 32 અને પછાત જાતિના 13 મંત્રીને સ્થાન આપવામાં આવ્યું હતું. 9 મંત્રી બ્રાહ્મણ સમુદાયના હતા, 3 નેતા ઠાકુર સમાજના હતા અને ઓબીસી સમાજમાંથી ધર્મેન્દ્ર પ્રધાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. એ ઉપરાંત 6 મંત્રીઓ અનુસૂચિત જાતિ અને 4 મંત્રીને અનુસૂચિત જનજાતિમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. મોદીના પહેલા મંત્રીમંડળમાં એક માત્ર ગુજરાતી મંત્રી, બીજીવારની સરકારમાં ત્રણ ગુજરાતી!
2014માં પહેલીવાર મોદી સરકારનું સૌથી નાનું મંત્રીમંડળ બન્યું ત્યારે ગુજરાતના એકમાત્ર મંત્રી મનસુખ વસાવા હતા. તેમને ટ્રાઈબલ અફેર્સનું ખાતું આપવામાં આવ્યું હતું. મોદી સરકાર 2.0માં વડાપ્રધાન સિવાયના ત્રણ ગુજરાતી મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું. 2019માં મોદી સરકાર 2.0 બની ત્યારે અમિત શાહને મહત્વનું એવું ગૃહમંત્રાલય આપવામાં આવ્યું. ગુજરાતનું પાટીદાર ફેક્ટર સાચવવા એક લઉવા પાટીદાર મનસુખ માંડવિયા અને બીજા કડવા પાટીદાર પરસોત્તમ રૂપાલાને મંત્રી બનાવાયા. મનસુખ માંડવિયાને શિપિંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સનો સ્વતંત્ર્ય હવાલો અપાયો હતો. જ્યારે પરસોત્તમ રૂપાલાને એગ્રીકલ્ચર અને ફાર્મર્સ વેલ્ફેર મંત્રાલયના રાજ્યમંત્રી બનાવાયા હતા. આ વખતે ગઠબંધન સરકાર છે. ગુજરાતમાં એક સીટનું ગાબડું પડ્યું છે. આ બધું જોતાં અમિત શાહ સિવાય માંડ એક ગુજરાતી સાંસદને મંત્રી બનવાની તક મળે તેવું લાગે છે. તેમાં ય ભાજપના આંતરિક સૂત્રો એવું કહે છે કે બિનહરીફ બનેલી સીટના ઉમેદવાર તરફ ભાજપની નજર છે. મોદીએ છ મહિનામાં 5 મુખ્યમંત્રીઓ બદલી નાખ્યા
મોદીનો સ્વભાવ એવો પણ ખરો કે, કામ કરો તો સમય જોયા વગર કરો. પરફોર્મ કરો ને પરિણામ આપો. જો એવું નથી કરતા તો તમને રવાના કરી દેવામાં આવશે. મોદીએ છ જ મહિનામાં ભાજપ શાસિત 5 રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ બદલી નાંખ્યા હતા.ગુજરાતની જ વાત લઈ લો. પાટીદાર આંદોલનથી પક્ષને નુકસાન થાય તેમ હતું એટલે આનંદીબેન પટેલે રાજીનામું આપી દીધું. રૂપાણી સરકાર બીજી ટર્મ પૂરી ન કરી શકી અને વિજયભાઈએ પણ રાજીનામું આપી દેવું પડ્યું. આસામમાં સર્વાનંદ સોનોવાલને બદલીને હેમંત બિસવા સરમાને કમાન આપી. ઉત્તરાખંડમાં તો એક મુખ્યમંત્રીને ચાર વર્ષ પછી અને બીજાને ચાર મહિના પછી બદલી નાંખ્યા. ત્રિવેન્દ્રસિંહ રાવતની જગ્યાએ તિરથસિંહ રાવતને મુખ્યમંત્રી બનાવ્યા પણ તિરથસિંહને ચાર જ મહિનામાં ફરી બદલીને પુષ્કરસિંહ ધામીને મુખ્યમંત્રી બનાવ્યા. કર્ણાટકમાં યેદીયુરપ્પાને હટાવી બસવરાજ બમ્મઈને મુખ્યમંત્રી બનાવી દીધા હતા. મહારાષ્ટ્રમાં પણ રાતોરાત શિવસેનાનો ખેલ પાડીને સવારે 5 વાગ્યે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા. મહારાષ્ટ્રના રાજકારણમાં ફડણવીસ એકલા હાથે પાછા પડ્યા એટલે શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેનું ભાજપ સાથે જોડાણ કરાવી મુખ્યમંત્રી બનાવી દીધા. સરકારિયા કમિશન પ્રમાણે મંત્રીમંડળની સંખ્યા નક્કી થાય છે મોદીએ સરકારિયા કમિશનનો નિયમ તોડ્યો નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાં ઓછા મંત્રીઓ સાથે સરસ સરકાર ચલાવવાના મતમાં રહ્યા છે, તેથી તેમણે ક્યારેય સરકારિયા કમિશનનો નિયમ પણ તોડ્યો નથી. સરકારિયા કમિશનનો નિયમ એવો છે કે, લોકસભા અને રાજ્યસભાના કુલ સભ્યોના 15 ટકા સભ્યો મંત્રીમંડળમાં રાખી શકાય છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અને વડાપ્રધાન બન્યા પછી પણ તેમણે હંમેશાં ઓછામાં ઓછા મંત્રીઓ સાથે સારામાં સારી સરકાર ચલાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે જ્યારે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે ત્યારે ત્યારે નવા યુવા ચહેરાઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે અને જેમણે મંત્રી તરીકે સારું પરફોર્મ નથી કર્યું અને વિવાદમાં રહ્યા હોય તેમને રસ્તો બતાવી દીધો છે. પછી ભલે કેમ એ મુખ્યમંત્રી પણ કેમ ન હોય. છેલ્લે, મોદીની ત્રીજી ગઠબંધન સરકારનું મંત્રી મંડળ મોટું જ હોવાનું. ભાજપના 16 મંત્રી ચૂંટણી હારી ચૂક્યા છે અને નવા 40 ચહેરાનો સમાવેશ થાય તેવું કહેવાઈ રહ્યું છે. એટલે મંત્રીઓની સંખ્યા 80 પાર જઈ શકે છે. જો એવું થાય તો મોદીના સત્તાકારણનું આ સૌથી મોટું મંત્રીમંડળ હશે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિસર્ચ: યશપાલ બક્ષી )
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.