કિટીપાર્ટી” એન્જોય કરવાનો સોર્ટકટ -  રેખા પટેલ (ડેલાવર) યુએસએ - At This Time

કિટીપાર્ટી” એન્જોય કરવાનો સોર્ટકટ –  રેખા પટેલ (ડેલાવર) યુએસએ


“કિટીપાર્ટી” એન્જોય કરવાનો સોર્ટકટ -  રેખા પટેલ (ડેલાવર) યુએસએ
 
છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ બધાજ કિટીપાર્ટી શબ્દથી પરિચિત બની ગયા છે.
ભારતમાં કિટીપાર્ટીની શરૂઆત ૧૯૫૦માં ભાગલા પછી થઇ હતી. જ્યાં મધ્યમવર્ગની મહિલાઓ માટે આ બચત યોજના હતી. ઘરમાં રહેતી, ના કમાતી સ્ત્રીઓ તેમની જરૂરીયાત પૂરી કરવા આનંદ સાથે પૈસા બચાવવાના ઉદ્દેશથી જોડાતી હતી. જ્યાં બહુ બધી સ્ત્રીઓ દર મહીને એકત્રિત થઇ અમુક રકમ જમા કરાવે અને ચિઠ્ઠીમાં જેનું પણ નામ આવે તે એકત્રિત રકમ એક સાથે લઇ શકે અને એક સાથે મોટી રકમ થી તેમની જરૂરતને સહેલાઈથી જરૂરત પૂરી કરી શકે એજ ઉદ્દેશ હતો.
 
ત્યાર બાદ ૧૯૮૦નાં દાયકામાં કિટીપાર્ટીઓ શ્રીમંત મહિલાઓમાં બહુ લોકપ્રિય બની ફેશન અને આનંદપ્રમોદનું સ્થાન લેવા લાગી. ભારતમાંથી ભારતીઓ સાથે આ થીમ ડાયાસ્પોરા જગત સાથે બહારના દેશોમાં પણ પ્રચલિત થઇ.
 
ઘર અને બાળકોમાં વ્યસ્ત રહેતી સ્ત્રીઓ માટે દેશ હોય કે પરદેશ પણ મિત્રોને મોકળાશે મળવા માટે, મરજી મુજબ થોડી પળોને જીવી લેવા માટે આનું મહત્વ ઘણું છે. આવી હળવાશની પળો તેમને નવયુવાન અને આનંદિત રાખે છે. આ ટોનિક એકધાર્યા જીવનમાં બદલાવ લાવે છે.
 
વર્ષો પહેલા સ્ત્રીઓ શાક સાફ કરવાના બહાને ઓટલે એકઠી થતી, એ ઓટલા પરિષદ તેમની માટે આખા દિવસનો થાક ઉતારવાની જગ્યા હતી. ત્યારે ટીવી જેવા મનોરંજનના કોઈ સાધનો નહોતા ત્યારે આસપાસની સ્ત્રીઓ એજ તેમનું સર્વશ્વ બની જતું. જ રીતે પુરુષો ચોતરે કે બજારમાં ભેગા થતા, અવનવી વાતો દ્વાર મનોરંજન કે જ્ઞાન મેળવતા. ત્યારે રોજીંદી આ સિવાય કોઈ પ્રવૃત્તિઓ નહોતી. આટલો આનંદ તેમનો દિવસભરનો થાક અને તણાવ ઓછું કરતા હતા.
 
આજે સુખ સુવિધાઓ વધુ મળતી ગઈ ત્યારે સમસ્યાઓ પણ વધારે વધી. સાથે કુટુંબપ્રથા અને પાડોશના વહેવારો ઘટતા ચાલ્યા. પરદેશની માફક પ્રાઈવેસીના નામે બાજુના ફ્લેટમાં કોણ રહે છે તે જાણવાની કે તેમની કામગીરીમાં દાખલ કરવાની જરૂર નથી એવું માનનારો વર્ગ વધવા લાગ્યો છે. આમ રોજીંદા સુખ દુઃખના સાથી તરીકે માત્ર ફોન અને સોશ્યલ મીડિયા રહી ગયા છે. આવા સમયમાં સાચુકલા મિત્રોનું મહત્વ વધવા લાગ્યું છે.
 
કિટીપાર્ટીમાં સામાન્ય રીતે ફેશન, કપડાં, રસોઈની વાતો પછી દુનિયાભરના ગપાટા શરુ થાય. કિટીપાર્ટી એ માત્ર ભેગા થઈને એકબીજાની વાતો કરવા માટે નથી. કિટીપાર્ટી એટલે મેળાવડો નહિ પણ નિશ્ચિત મિત્રોનું એક સાથે ભેગા થવું. સામાન્ય રીતે અહી થોડા નિયમો રાખતા હોય છે. તેના પ્રમાણે દરેકે વર્તવાનું રહે છે. આમ થતા એકબીજા સાથેનું બોન્ડીંગ મજબુત બને છે. જેમ કે સુખ દુઃખમાં દરેકે એકબીજાની સાથે ઉભા રહેવું, કે અહી થતી વાતો અહી પુરતીજ રહેવી જોઈએ. બીજાઓની વાતોમાં સમય બગાડ્યા કરતા અલગ શીખવા, જાણવાનો પ્રયત્ન થાય એ રીતે આયોજન કરવું... પદ્ધતિસરનું આયોજન વર્ષો સુધીની અખંડિત દોસ્તી અપાવી જાય છે.
 
ફ્રેન્ડસ, ફૂડ, ફોટા અને ફન સાથે જ્યારે નોલેજ પણ પીરસવામાં આવે ત્યારે મજા સાથે જ્ઞાન બેવડો ફાયદો થાય છે. મળેલા નિરાંતના સમયનો સદુપયોગ કેમ કરવો એ ભેગા મળેલા મેમ્બર્સના હાથમાં હોય છે. આવી પાર્ટીઓમાં જુદાજુદા વર્કશોપની થીમ પણ રખાય છે, પેઈન્ટીંગ, કુકિંગ, યોગા સાથે આગળ વધીને હરણફાળ ભરતા ઈન્ટરનેટ સાથે કેવી રીતે તાલમેલ મેળવવો એ પણ શીખવી કે શીખી શકાય છે. નવરાત્રી જેવા તહેવારોમાં ગરબાના સ્ટેપ, મેકઅપ વગેરેની પ્રેક્ટીસ કરાતી હોય છે. ટૂંકમાં માત્ર મળવા અને જમવા ભેગા થવું એ નિયમ ના રાખતા ઘણું વધારે શીખી, જાણી શકાય છે.
 
વરસોથી પરદેશમાં રહીને પણ અમે દેશની સંસ્કૃતિ મજા કીટીમાં માણીએ છીએ. દરેક વખત કીટીની અલગ અલગ થીમ રાખવામાં આવે તો મજા બેવડાઈ જાય છે. હોસ્ટ થીમ નક્કી કરે છે પછી દરેક સભ્યો એ પ્રમાણે તૈયાર થાય છે. અલગ ડ્રેસિંગ કરવાનો આનંદ પણ વધારે હોય છે. જેમકે દિવાળી, હોળી જેવા તહેવારોને અનુરૂપ દરેક તૈયાર થવું, ભારતના અલગ અલગ રાજ્યોનું ડ્રેસિંગ, અલગ વ્યવસાયિક ડ્રેસિંગ, કે પછી બોલીવુડ થીમ પ્રમાણે ગેટ અપ. આમ અનેક રીતે થીમ નક્કી કરાય છે. તેને અનુરૂપ ફૂડ અને રમતો પણ રખાય છે. દરેકના હાથમાં લેટેસ્ટ ફોન તો ફોટા પાડવા એ કિટીપાર્ટીનો મહત્વનો ભાગ બની જાય છે.
 
અમેરિકા જેવા દેશમાં જ્યાં દુર દુર રહેતા મિત્રોને અવારનવાર મળવાનું ના બનતું હોય ત્યાં આવી પાર્ટીઓ ભેગા થઇ એન્જોય કરવા માટે ખાસ બની જાય છે. એમાય તહેવારોની વધારે મઝા માણવા કીટીમાં તેને અનુરૂપ તૈયાર થઇ ઘરમાં ઉત્સવ ઉજવવો કે બહાર રેસ્ટોરન્ટમાં ભેગા થવું એ સામાન્ય બની ગયું છે.
 
કાયમી દોડધામ પછી નિરાંતે સરખેસરખા મિત્રો સાથે સમય પસાર કરવો એ દરેકની ઈચ્છા હોય છે. અહી કોઈ પણ કામનો બોજો નથી હોતો કે ના પરિવારની ચિંતા. આવા સમયને દરેક સ્ત્રીઓ આનંદ, હળવાશથી મજાક મશ્કરી કરી ખુબ એન્જોય કરે છે.
 
જે કીટીમાં સંપ હોય એકબીજાની માટે કઈ પણ કરી છુટવાની ચાહ હોય ત્યાં પરિવાર કરતા પણ વધારે હુંફ અને સપોર્ટ મળે છે. અહીના સભ્યો ગમેતેવા પ્રસંગમાં જોડે ઉભા રહી સાથ આપે છે. ઘર કે જીવનમાં અચાનક આવેલી બીમારી કે શુભ અશુભ પ્રસંગમાં આ મિત્રોનો સાથ તમને અડીખમ રાખે છે.
મિત્રો ઘણા હોય પરંતુ કીટીમાં એકત્રિત મિત્રો પરિવાર ગણી એકબીજાને વધુ સમજે છે મદદ કરવી એ ફરજ માને છે.
"મિત્રો વિના જીવન અધૂરું છે, દુનિયાના કોઈ પણ છેડે સાચા અને સારા મિત્રો એકલતાને પાસે આવવા દેતા નથી."


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.