રાજકોટમાં પ્રેમલગ્ન મામલે યુવક પર સાસરિયાનો છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ: પત્નીનું અપહરણ
રાજકોટમાં જામનગર રોડ પર આવેલ મનહરપુરમાં પ્રેમલગ્ન મામલે પિયુષ કોરિયા નામના યુવક પર તેના સાસુ-સસરા, સાળા સહિતના સાત શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરી તેની પત્નીનું કારમાં અપહરણ કરી નાસી છૂટ્યા હતાં. બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. મોડી રાતે પોલીસે બે શખ્સોને સકંજામાં લઈ તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટ-જામનગર રોડ પર આવેલ મનહરપુર-1 માં રહેતાં પિયુષ યોગેશભાઈ કોરીયા (ઉ.વ.27) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજવીર રવુભા ધાંધલ, રવુભા ધાંધલ, રમજુબેન રવુભા ધાંધલ, ઓમદેવસીંહ અને ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપતાં યુનિવર્સિટી પોલીસે આરોપી વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ, અપહરણ, રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે તેમની માતા અને મોટા ભાઈ સાથે રહે છે અને તે ફર્નિચરની મજુરી કામ કરે છે અને તેના પિતાનું છ વર્ષ પહેલાં મોત થયેલ છે. ગઈ તા. 31/03/2023 ના રાજકોટમાં મોરબી રોડ ઉપર ગવરીદડમાં રહેતા રવુભા ધાંધલની પુત્રી રાજેશ્વરી ઉર્ફે આરતી સાથે પ્રેમ લગ્ન કરેલ બાદ યુવતીને ભગાડી ચારેક માસ બહારગામ રહ્યા બાદ તેના ઘરે રાખેલી અને કાયેદસર કોર્ટમાં લગ્ન કરેલ હતાં. બાદમાં તેણીને પત્ની તરીકે ઘરે પરીવાર સાથે રાખતો હતો.
દરમિયાન છ માસ પહેલાં તેમની માતા વતન જેતપુરમાં આવેલ તેમના મકાનનું ભાડુ લેવા ગયેલ ત્યારે યુવકના સાળા રાજવીર તથા તેના મિત્રએ તેમની માતાને માર મારતા તે મામલે જેતપુર પોલીસ મથકમાં ફરીયાદ કરેલ હતી. થોડા સમય બાદ રાજવીર તથા તેના પિતા રવુભા અને અન્ય શખ્સોએ તેના મોટાભાઈ મયુરભાઈને રાજકોટમાં રામાપીર ચોકડી પાસે માર મારતા તે બાબતની યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરીયાદ કરેલ હતી. હુમલો કરનાર રવુભા અગાઉ ગવરીદડ રહેતા અને મુળ થાનગઢ ઝાલાવાડ વિસ્તારના વતની છે.
ગઈકાલે રાત્રીના સાડા દસેક વાગ્યે તે તેના માતા અને પત્ની ઘરે હતા ત્યારે તેના સસરા રવુભા તેની પત્ની રમજુબેન તેમના ઘરે સમાધાનના બહાને આવી ઘરમાં બેઠેલા અને રવુભા કહેવા લાગેલ કે, મારી દિકરી આરતીને મને સોપી દે કહેતા તેની પુત્રીએ ના કહેતા રવુભા તથા તેની પત્ની બોલાચાલી કરી એકાદ કલાક રકજક ચાલેલી તે દરમ્યાન રવુભાનો પુત્ર રાજવીર તથા તેનો મિત્ર ઓમદેવસિંહ તથા તેની સાથે ત્રણ અજાણ્યા શખ્સો ભેગા મળી ઘરમાં ઘસી આવેલા અને તેની બહેનને સોપી દેવા દબાણ કરી ઝગડો કરવા લાગેલા.
જેમા રાજવીરએ છરી કાઢીને હાથે કોણીના ભાગ ઘા ઝીંકી દીધેલ અને ઓમદેવે પણ છરીના ઘા માથાના ભાગે અને છાતીમાં ઝીંકી દિધા હતાં. તેમજ હુમલાખોરોએ તેમની પત્નીને પકડી ઢસડીને અપહરણ કરી તેની સાથે લઈ ગયેલા અને ફરિયાદી મારના ભયથી ઘરમાંથી નીકળી બહાર દોડી ગયેલ હતો. બાદમાં તેમને તેના સબંધીને ફોન કરી બોલાવ્યા બાદ તેને લોહીલુહાણ હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ફરિયાદી પર હુમલો કરી તેની પત્નીનું અપહરણ કરી નાસી છૂટનાર એક મહિલા સહિત સાત શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.