રાજકોટ પંથકમાં સંભવિત ભારે વરસાદની પરિસ્‍થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ - At This Time

રાજકોટ પંથકમાં સંભવિત ભારે વરસાદની પરિસ્‍થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ


રાજકોટ તા. ૧૨ : હવામાન વિભાગ દ્વારા રાજયમાં ભારે વરસાદની આગાહી અનુસંધાને મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની નિશ્રામાં બચાવ રાહત વ્‍યસ્‍થાપનની કામગીરીની સમીક્ષા અર્થે તમામ જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે.

જેના અનુસંધાને રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જિલ્લા પ્રસાશન સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી તૈયારી અંગે સમીક્ષા કરી હતી.
મંત્રીશ્રી વાઘાણીએ ગ્રામ્‍ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ પૂર બચાવ, કંટ્રોલ રૂમ, નદી તેમજ ડેમ વિસ્‍તારમાં લોકોની અવરજવર પર નિયંત્રણ સાહિતિની સૂચના આપી હતી. વધારે વરસાદની પરિસ્‍થિતિમાં શાળામાં રજા રાખવા સ્‍થાનિક સ્‍તરે નિર્ણય લેવા મંત્રીશ્રી જીતુભાઇએ અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ પ્રવર્તમાન ડેમની પરિસ્‍થિતિ જાણી, આવનારા સમયમાં જરૂર પડ્‍યે આસપાસના ગામોને સચેત કરવા તેમજ જરૂર પડ્‍યે સ્‍થળાન્‍તર કરવા માટે પ્રસાશનને તૈયાર રહેવા સૂચના આપી હતી. આ તકે મંત્રીશ્રીએ લોકોને ભયભીત ન થવા પરંતુ સાવચેત રહેવા ખાસ અપીલ કરી હતી.
જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં તંત્ર દ્વારા ઉભી કરાયેલી વ્‍યવસ્‍થાની માહિતી પુરી પાડી જણાવ્‍યું હતું કે, ડેમ તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરુ કરી દેવામાં આવ્‍યા છે. એમ્‍બ્‍યુલન્‍સ, ફાયર ફાઈટર, લાઈફ જેકેટ, ટ્રેકટર, પાણીના પંપ સહિતની સુવિધા ઉપલબ્‍ધ રાખવામાં આવી છે.
કલેક્‍ટરશ્રીએ વધુ વિગત આપતા જણાવ્‍યું હતું કે, એન.ડી.આર.એફ. એસ.ડી.આર.એફ., તરવૈયા સહીત બચાવ રાહત ટુકડીઓ સ્‍ટેન્‍ડ ટુ રાખવામાં આવી છે. ફૂડ પેકેટ્‍સ તેમજ સ્‍થળાંતર માટે શેલ્‍ટર્સની વ્‍યવસ્‍થા તેમજ રાશનની દુકાન અને આંગણવાડીઓમાં પર્યાપ્ત માત્રામાં રાસનનો જથ્‍થો ઉપલબ્‍ધ કરાયાનું પણ મંત્રીશ્રીને જણાવ્‍યું હતું.
મ્‍યુનિસિપલ કમિશ્નરશ્રી અમિત અરોરાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી પુરી પાડી તમામ વોર્ડમાં જરૂરી સાધન સુવિધા, દવાનો જથ્‍થો, ઝાડ કાપવા મશીનરી સાહિતિની વ્‍યવસ્‍થા કરી હોવાનું જણાવાયું હતું.
પોલીસ વિભાગ દ્વારા શહેર તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારમાં જરૂરી બંદોબસ્‍ત, બચાવ ટુકડી તેમજ રસ્‍તા પરના ઝાડપાન દૂર કરવા કુહાડી અને મશીનરી વગેરે સાધનો વિભાગ દ્વારા તૈયાર રાખવામાં આવ્‍યા હોવાનું પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોરે જણાવાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.