દારૂની બાતમી આપ્યાનો ખાર રાખી મામા-ભાણેજ પર મહિલા સહિત પાંચ શખ્સોનો હુમલો
આંબેડકરનગરમાં પડેલા દારૂના દરોડાની બાતમી આપ્યોનો જેનો ખાર રાખી યુવાન પર મહિલા સહિત પાંચ શખ્સોએ ટોળકી રચી લાકડી અને છરીથી હુમલો કરતા ઘવાયેલા યુવાન અને તેના ભાણેજને સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગે માલવીયાનગર પોલીસમાં ગુનો નોંધાયો છે.
બનાવ અંગે ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાસે રહેતા મોહીતભાઈ જેન્તીભાઈ ડાંગર (ઉ.26)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભારત ચમન ચૌહાણ, પુનમ મનીષ ડાંગર, અશોક સીંઘવ અને ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે જે ડ્રાઈવીંગ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રીના દસેક વાગ્યાની આસપાસ તે તેમના સસરા રમેશભાઈ ચંદ્રપાલના ઘરેથી નજીકમાં આવેલ પાનની દુકાને ફાકી ખાવા ગયેલ હતો. ત્યાંથી પરત ફરતી વખતે આંબેડકરનગર શેરી નં.9માં પહોંચતા ત્યાં આગળ શેરી નં.5માં રહેતા ભારત ચૌહાણ, પુનમ ડાંગર, અશોક સીંઘવ અને તેની સાથેના ત્રણેક અજાણ્યા શખ્સોએ ધસી આવી ભારત ચૌહાણે કહેલ કે કેમ તમે મારો દારૂ પોલીસમાં પકડાવેલ છે? તેમ કહી ગાળો આપી તેમની સાથેના અશોક સીંઘવે કહેલ કે આજ આ લોકોને મુકવાના નથી મારી નાખવાના છે કારણ કે તેઓએ તમારો દારૂ પકડાવેલ છે.
દરમ્યાન ભારત ચૌહાણ પોતાની પાસે રહેલ લાકડીથી તેઓને માર મારવા લાગેલ અને ફરીયાદી પાસે હાથમાં નાનું છોકરૂ હોય તેને બચાવવાનો પ્રયાસ કરતા પુનમ ડાંગરે છરીનો ઘા ઝીંકી દીધો હતો. અને લોહી નીકળવા લાગ્યું હતું. દરમ્યાન તેમનો ભાણેજ આશીષે દોડી આવી બચાવવા વચ્ચે પડતા પુનમે તેમને હાથમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો તેમજ અન્ય શખ્સોએ ઢીકાપાટુનો માર મારતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આરોપીઓ નાસી છુટયા હતા.
બાદમાં બન્ને ઈજાગ્રસ્ત મામા ભાણેજને સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુમાં ઈજાગ્રસ્તે જણાવ્યું હતું કે આંબેડકરનગર શેરી નં.5માં રહેતા ભારતભાઈ ચૌહાણના ઘરે ગઈ તા.17ના દારૂનો કેસ થયેલ હોય જે દારૂની બાતમી તેમને આપેલી હોય તેવા શંકા રાખી હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે રાયોટીંગ અંગેની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.