કષ્ટભંજન હનુમાનજી મંદિર,સાળંગપુર ખાતે તા.૨૨થી ૨૮ જૂન સુધી સખી મેળો-વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન - At This Time

કષ્ટભંજન હનુમાનજી મંદિર,સાળંગપુર ખાતે તા.૨૨થી ૨૮ જૂન સુધી સખી મેળો-વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન


કષ્ટભંજન હનુમાનજી મંદિર,સાળંગપુર ખાતે તા.૨૨થી ૨૮ જૂન સુધી સખી મેળો-વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન
*****
૨૨ જૂનના સાંજે ૫ કલાકે પ્રભારીમંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા દ્વારા કાર્યક્રમનું ઉદ્ધાટન થશે
****
મેળામાં હસ્તકલા, હેન્ડલુમ, વાંસની બનાવટની વસ્તુઓ, મરી-મસાલા, અન્ય ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ થશે
માહિતી બ્યુરો,બોટાદ-
બોટાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગ્રામિણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ,ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન તારીખ ૨૨-૦૬-૨૦૨૨થી ૨૮-૦૬-૨૦૨૨ સુધી કષ્ટભંજન હનુમાનજી મંદિર,સાળંગપુર ખાતે કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ધાટન રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાના હસ્તે તારીખ ૨૨ જૂનના સાંજે પાંચ કલાકે કરવામાં આવશે.
કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બોટાદ જીલ્લા અને નજીકના જીલ્લાના સ્વ સહાય જુથો અને વ્યક્તિગત કારીગરો દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની વિવિધ વસ્તુઓ જેવી કે, હસ્તકલા, હેન્ડલુમ, વાંસની બનાવટની વસ્તુઓ, મરી-મસાલા, અન્ય ખાદ્ય ઉત્પાદનો તેમજ ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખાદ્ય વસ્તુઓનું વેચાણ આ મેળામાં થશે. કાયમી આજીવિકા મળી રહે અને પગભર થાય તેવા હેતુથી સ્વ સહાય જુથો, કારીગરો, ખેડૂતો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર વ્યવસ્થા પૂરી પાડવા માટે વેચાણ-સહ પ્રદર્શનનું આયોજન જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદ દ્વારા કષ્ટભંજનદેવ,સાળંગપુર ખાતેના વાઈટહાઉસની બાજુના મેદાનમાં કરવામાં આવ્યું છે. આ મેળો તારીખ ૨૨-૦૬-૨૦૨૨થી ૨૮-૦૬-૨૦૨૨ સુધી કુલ સાત દિવસ સુધી યોજાશે.

તા.૨૨ જૂનના રોજ યોજાનારા ઉદ્ધાટન કાર્યક્રમમાં ભાવનગરના સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, ગઢડાના ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમાર, બોટાદના ધારાસભ્યશ્રી સૌરભભાઈ પટેલ, ધંધુકાના ધારાસભ્યશ્રી રાજેશભાઈ ગોહિલ સહિતના હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
0000000000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.