ઉદયપુર જેવા હત્યાકાંડનો મુસ્લિમોએ મોટાપાયે વિરોધ કરવો જોઇએ : સંઘ
- રાજસ્થાનમાં બેઠક બાદ સંઘની કોમીએક્તાની અપીલ- હિન્દૂઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્હીમાં રેલી કઢાઇ, જય શ્રી રામ અને વંદે માતરમના નારા લાગ્યાનવી દિલ્હી : ભાજપના સસ્પેન્ડ કરાયેલા નેતા નૂપુર શર્માને સોશિયલ મીડિયા પર સમર્થન કરવા બદલ ઉદયપુરમાં કન્હૈયાલાલની ગળુ કાપીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાકાંડને વખોડતા રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘે કહ્યું છે કે આ પ્રકારના હત્યાકાંડ કે અપરાધનો મુસ્લિમ સમાજે વિરોધ કરવો જોઇએ. સંઘના પ્રવક્તા સુનિલ આમ્બેકરે કહ્યું હતું કે આ પ્રકારના અપરાધનો વિરોધ બધાએ સાથે મળીને કરવો અત્યંત જરુરી છે.રાજસ્થાનના જુન્જુમાં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘની અખિલ ભારતીય પ્રાંત પ્રચારકની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ સંઘના પ્રવક્તાએ કહ્યું હતું કે હાલ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘની દેશભરમાં ૫૬,૮૨૪ શાખાઓ છે જેને ૨૦૨૪ સુધીમાં વધારીને એક લાખ સુધી લઇ જવામાં આવશે જેનો ટાર્ગેટ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યો છે. આ બેઠકમાં સંગઠનની આગામી બે વર્ષની કામગીરી શુ રહેશે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. એક સવાલના જવાબમાં સંઘના પ્રવક્તાએ કહ્યું હતું કે અભિવ્યક્તિની આઝાદીને ધ્યાનમાં રાખીને કોઇ નિવેદન આપીએ ત્યારે એ પણ ધ્યાન રાખવું જોઇએ કે તેનાથી સમાજની લાગણી ન દુભાઇ. સાથે જ આ દેશમાં લોકશાહી છે અને જે પણ લોકોને કોઇના નિવેદનથી તકલીફ હોય તો તેનો જવાબ લોકશાહી ઢબે જ આપવો જોઇએ. જોકે ઉદયપુરની ઘટનાને ટાંકીને તેઓએ કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાથી સમાજમાં ખોટો સંદેશો જાય છે. મુસ્લિમો અને હિન્દૂ બન્નેએ મળીને આ પ્રકારની ઘટનાઓની ટીકા અને વિરોધ કરવો જોઇએ. હિન્દૂઓ શાંતિ પૂર્વક આ પ્રકારની ઘટનાઓનો વિરોધ કરે છે અને તેવી જ રીતે મુસ્લિમ સમાજ પણ કરે તેવી અપેક્ષા છે. બીજી તરફ હિન્દૂઓ પર હુમલાના વિરોધમાં દિલ્હીમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા, હાથમાં ભગવા સાથે પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને ઉદયપુર હત્યાકાંડ બાદ આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જંતર મંતર પર એકઠા થયેલા લોકોએ જય શ્રી રામ, વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા, દરમિયાન રેલીને સંબોધતી વેળાએ ઉત્તર દિલ્હીના પૂર્વ મેયર અવતારસિંહે કહ્યંુ હતું કે જે પણ લોકો હિન્દૂઓને ટાર્ગેટ કરશે તેમને બક્ષ્વામાં નહીં આવે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે આપણો દેશ બંધારણ મુજબ જ ચાલશે. તેઓએ નૂપુર શર્માનું પણ સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે નૂપુર શર્માને કોર્ટે દોષી નથી ઠેરવ્યા તેથી ત્યાં સુધી તેઓ નિર્દોશ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.