હૈદરાબાદમાં હત્યા, કર્ણાટકમાં લાશ ફેંકી:8 કરોડ ના આપ્યા તો પત્નીએ પ્રેમી સાથે મળીને વેપારી પતિને પતાવી દીધો, લાલ મર્સિડીઝે ખોલ્યું રહસ્ય
ત્રણ અઠવાડિયાં પહેલાં (8 ઓક્ટોબર) કર્ણાટકના કોડાગુ જિલ્લામાં એક કોફીના બગીચામાંથી એક વ્યક્તિની ભડથું થયેલી લાશ મળી આવી હતી. પોલીસને લાશની ઓળખ કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. લાંબી તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું કે આ મૃતદેહ 54 વર્ષીય વેપારી રમેશનો છે, જે થોડાં અઠવાડિયાં પહેલાં ગુમ થયો હતો. પોલીસે વધુ તપાસ કરતાં રમેશની પત્ની નિહારિકાએ આ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. નિહારિકાએ તેના પ્રેમી નિખિલ અને અન્ય આરોપી અંકુર સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન લાલ રંગની મર્સિડીઝ બેન્ઝે તેમનું ધ્યાન ખેંચ્યું. આ કાર રમેશના નામે રજિસ્ટર્ડ મળી આવી હતી, જેની પત્નીએ તાજેતરમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમ જેમ પોલીસ તપાસ આગળ વધી રહી હતી પોલીસને રમેશની પત્ની નિહારિકા પી (29)ની ભૂમિકા પર શંકા હતી. પોલીસે શંકાના આધારે નિહારિકાની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો અને કહ્યું હતું કે તેણે તેના પ્રેમી નિખિલ અને અંકુર સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી. પોલીસને જાણવા મળ્યું કે નિહારિકાનું બાળપણ મુશ્કેલીમાં હતું. જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું અને તેની માતાએ બીજા લગ્ન કર્યા. નિહારિકા અભ્યાસમાં હોશિયાર હતી, તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરીને જોબ પણ કરી હતી. નાની ઉંમરે તેના લગ્ન થઈ ગયા. આ લગ્નથી તેને એક સંતાન પણ હતું, જોકે પાછળથી તેના લગ્ન તૂટી ગયા હતા. હરિયાણામાં રહેતા નિહારિકાને નાણાકીય છેતરપિંડીના કેસમાં જેલમાં જવું પડ્યું હતું. અંકુરને તે જેલમાં મળી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ નિહારિકાએ રમેશ સાથે લગ્ન કર્યા. આ તેના બીજા લગ્ન હતા. રમેશ સાથે લગ્ન પછી નિહારિકાનું નસીબ ચમક્યું. અધિકારીઓએ ઘટસ્ફોટ કર્યો કે આ હત્યા હૈદરાબાદ નજીક થઈ હતી, જ્યાં રમેશની દોરડા વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ગુનો આચર્યા પછી શકમંદો તેને કારમાં તેના એપાર્ટમેન્ટમાં પાછા લઈ ગયા અને રોકડ સહિત મૂલ્યવાન સંપત્તિના દસ્તાવેજોની ચોરી કરી. ત્યાર બાદ શંકાસ્પદો બેંગલુરુ ગયા, પેટ્રોલ ખરીદ્યું અને 800 કિલોમીટર દૂર કર્ણાટકના કોડાગુ ગયા, જ્યાં તેમણે પુરાવાનો નાશ કરવાના પ્રયાસમાં લાશને સળગાવી દીધી હતી. પતિ પાસેથી 8 કરોડ રૂપિયા માગ્યા
એક દિવસ તેણે તેના પતિ પાસેથી 8 કરોડ રૂપિયા માગ્યા. રમેશે પૈસા આપવાની ના પાડી. એના કારણે નિહારિકા ગુસ્સે થઈ ગઈ હતી. નિહારિકાનું નિખિલ સાથે અફેર હતું. તેની મિલકત હડપ કરવા માટે તેણે રમેશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. 1 ઓક્ટોબરે હૈદરાબાદના ઉપ્પલમાં વેપારીની ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. તેઓ ઉપ્પલથી 800 કિલોમીટરથી દૂર કોડાગુ ગયા અને કોફી એસ્ટેટમાં લાશને ફેંકી દીધી. 500 સીસીટીવીથી સર્ચ-ઓપરેશન
કોડાગુ પોલીસવડા રામરાજને કહ્યું હતું કે આ એક પડકારજનક કેસ છે, કારણ કે બધું સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. ફરિયાદ દાખલ થયાના 3-4 દિવસ પહેલાં લાશને સળગાવી દેવામાં આવી હતી. અમારી ક્રાઈમ ટીમે આ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓની તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ વિસ્તારમાં 12 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે એક વાહન શંકાસ્પદ રીતે ફરતું હતું. અમે સીસીટીવી ફૂટેજ તપાસ્યા, પરંતુ રાત હોવાથી ચિત્રો સ્પષ્ટ નહોતાં. અમે 500 સીસીટીવી કેમેરાથી લઈને તુમકુર સુધીના ફૂટેજની તપાસ કરી. અમે તેલંગાણાના એક વાહનને શોધી શક્યા, જે રમેશ નામના વેપારીનું હતું. અમારી તપાસના આધારે અમે ઘણા શંકાસ્પદોની ધરપકડ કરી છે, જેમની ઓળખ 29 વર્ષીય નિહારિકા અને 28 વર્ષીય વેટરિનરી ડૉક્ટર નિખિલ તરીકે થઈ છે. નિહારિકા મુખ્ય શંકાસ્પદ હતી. પોલીસ કસ્ટડીમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.