મુંબઈ બસ અકસ્માત- પોલીસને ડ્રાઈવર પર શંકા:તેણે જાણીજોઈને લોકોને કચડી નાખ્યા, બસનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો; તે એંગલથી પણ તપાસ - At This Time

મુંબઈ બસ અકસ્માત- પોલીસને ડ્રાઈવર પર શંકા:તેણે જાણીજોઈને લોકોને કચડી નાખ્યા, બસનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો; તે એંગલથી પણ તપાસ


​​​​​​મુંબઈના કુર્લામાં 9 ડિસેમ્બરે થયેલા બસ અકસ્માતમાં એક નવો ખુલાસો થયો છે. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી મંગળવારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે કોર્ટને કહ્યું કે તેઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે શું ડ્રાઈવરે આ અકસ્માત જાણી જોઈને કર્યો છે. પોલીસને શંકા છે કે ડ્રાઈવરે બસનો હથિયાર તરીકે ઉપયોગ તો કર્યો નથી. કોર્ટે બસ ડ્રાઈવર સંજય મોરેને 21 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં ધકેલ્યો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. 49 ઘાયલોની સારવાર ચાલી રહી છે. તેમને સાયન અને કુર્લા ભાભામાં દાખલ કરવામાં આવ્યા છે. દાવો- ડ્રાઈવર પહેલીવાર બસ ચલાવી રહ્યો હતો
આ અકસ્માત કુર્લા વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં થયો હતો. બસ કુર્લા સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી. આ બેસ્ટ બસોનું સંચાલન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા કરવામાં આવે છે. આરોપી ડ્રાઈવર સંજય મોરે (54) સોમવારે પ્રથમ વખત બસ ચલાવી રહ્યો હતો. તે 1 ડિસેમ્બરે જ બેસ્ટમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે જોડાયો હતો. પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. સંજય વિરુદ્ધ અપરાધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસને આપેલા નિવેદનમાં તેણે કબૂલાત કરી હતી કે તે બસના ઓટોમેટિક ટ્રાન્સમિશન અંગે કનફ્યુઝ થઈ ગયો હતો. અહીં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કુર્લા બેસ્ટ બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. અકસ્માત સાથે જોડાયેલી 5 તસવીરો... પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું - બસ અથડાતા પહેલા પૂરપાટ ઝડપે દોડી રહી હતી દુર્ઘટનાને નજરે જોનાર ઝૈદ અહેમદે જણાવ્યું હતું કે તે પોતાના ઘરેથી રેલવે સ્ટેશન જવા માટે નીકળી રહ્યો હતો. તેણે જોયું કે બસ પૂરપાટ ઝડપે દોડી રહી હતી. ઝૈદ ત્યાં દોડી ગયો અને જોયું કે બેસ્ટની બસે રાહદારીઓ, એક ઓટોરિક્ષા અને ત્રણ કાર સહિત અનેક વાહનોને ટક્કર મારી હતી. તેણે કેટલાક મૃતદેહો પણ જોયા. આ પછી તેણે ઓટોરિક્ષામાં મુસાફરી કરી રહેલા લોકોને બચાવ્યા અને ભાભા હોસ્પિટલ લઈ ગયા. તેમના મિત્રોએ પણ ઘાયલોને મદદ કરી હતી. બસ ત્રણ મહિના જૂની છે, BMCએ તેને લીઝ પર લીધી હતી બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે આ બસ 12 મીટર લાંબી ઈલેક્ટ્રિક બસ છે, જેને ઓલેક્ટ્રા દ્વારા બનાવવામાં આવી હતી અને BESTએ એને વેટ લીઝ પર લીધી હતી. તેમણે માહિતી આપી હતી કે આવી બસોના ડ્રાઇવરો ખાનગી ઓપરેટરો દ્વારા રાખવામાં આવે છે. આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે બસ માત્ર ત્રણ મહિના જૂની છે. એ આ વર્ષે 20 ઓગસ્ટના રોજ EVEY ટ્રાન્સ નામની કંપનીના નામે નોંધાયેલી છે. આરટીઓની ટીમે બસમાં ટેકનિકલ ખામીની તપાસ કરી હતી
અકસ્માત બાદ બસને ક્રેન અને અર્થ મૂવર મશીનની મદદથી 12.30 વાગ્યે સ્થળ પરથી હટાવીને 1.15 વાગ્યે કુર્લા ડેપોમાં લાવવામાં આવી હતી. પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આરટીઓ) ના સૂત્રોએ જણાવ્યું હતું કે એક ટીમે બસમાં કોઈ ટેકનિકલ ખામી છે કે કેમ તેની તપાસ કરી હતી. આ ટીમ તપાસમાં મળેલા મુદ્દાના આધારે પોલીસને રિપોર્ટ સોંપશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.