અગ્નિકાંડમાં દોઢ લાખથી વધુ પાનાનું ચાર્જશીટ ફાઈલ : તપાસ હજુ પણ ચાલશે : DCP
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો જીવતા ભૂંજાઇ ગયા હતા. આ બનાવ બાદ રાજકોટ શહેર પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)એ તપાસ કરી બનાવના 60માં દિવસે કોર્ટ સમક્ષ દોઢ લાખથી વધુ પાનાનું ચાર્જશીટ ફાઈલ કર્યું છે. આ અંગે જેના મોનીટરીંગ હેઠળ ટીમે તપાસ કરી તે ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, 15 આરોપી સામે ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ થઈ ગયું છે, પણ આ ગુનામાં તપાસ હજુ પણ ચાલશે. જ્યાં જરૂર જણાય તે મુદ્દે ટીમ તપાસ કરશે.
25 મેની સાંજે રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો (1) ધવલભાઇ ભરતભાઇ ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (6) રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર (7) નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર (8) મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ (9) ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ (10) મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર (11) રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ (12) જયદીપ બાલુભાઈ ચૌધરી (13) રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર (14) ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર (15) ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર (16) મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે.
જેમાં અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ ક્નહેયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે છે. આ 15 સામે આરોપનામું મુકાયું છે. ચાર્જશીટ ફાઈલ કરવા માટે નિયમ મુજબ 90 દિવસ મળે છે. આ સમયગાળા કરતા વહેલા 60 દિવસમાં પોલીસે ચાર્જશીટ તૈયાર કરી છે. કેસની તપાસ લાંબી હતી પણ તે ઝડપી થઈ છે. અનેક સાહેદોના નિવેદનો લેવાયા છે. સાક્ષીઓના નિવેદન લેવાયા છે. અનેક કર્મચારીઓ અધિકારીઓની પણ પૂછપરછ થઈ છે. જેથી તેના કાગળો તૈયાર થયા છે. આ તમામ પુરાવા, નિવેદન પોલીસે ચાર્જશીટના સ્વરૂપમાં કોર્ટને અપાયા છે.
ગઈકાલે કોર્ટમાં એસીપી બી. બી. બસિયા અને તેમની ટીમે જે ચાર્જશીટ ફાઈલ કર્યું તેમાં 15 આરોપી સામે મૂળ 80 પેજનું અને 395 સાહેદોના નિવેદન સાથેનું દોઢ લાખથી વધુ પેજનું ચાર્જશીટ છે. આ અંગે ડીસીપી ક્રાઈમએ જણાવ્યું હતું કે, આરોપીઓ સામે તૈયાર કરેલા સજ્જડ પૂરાવા સાથેની ચાર્જશીટ ત્રણ મોટા થેલામાં ભરી કોર્ટમાં ફાઈલ કર્યું હતું. જેમાં 365 જેટલા સાહેદોના નિવેદન છે. દસ્તાવેજી પૂરાવા મળી દોઢ લાખથી વધુ પેજની ચાર્જશીટ બની છે. હજુ પણ કલમ 173(8) મુજબ તપાસ ચાલશે.
ડીમોલિશનની નોટિસ પછી પણ સ્ટ્રક્ચમાં વધારા થતા ગયા. અધિકારીઓએ ડીમોલિશન ન કર્યું. એ ઉપરાંત કાયદેસર કરવા નેતાઓની ભલામણ થઈ. કોંગ્રેસે આક્ષેપ કરેલો કે, અધિકારીઓને જવાબદાર ઠેરવી જે નેતાઓએ ભલામણ કરી અથવા જેના કહેવાથી ડીમોલિશન ન થયું તેવા નેતાઓ ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય. કોર્પોરેટર નિતીન રામાણીએ ભલામણ કરી હોવાની કબુલાત આપી હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા નિતીન રામાણીનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. આ અંગે ડીસીપી ક્રાઇમએ કહ્યું હતું કે, આ કેસમાં નિતીન રામાણીના નિવેદન બાદ તેના સંદર્ભ અને ભુમિકાની તપાસ કરી હતી પરંતુ કોઇ ગુનાહિત બેદરકારી સ્પષ્ટ થતી નથી. આમ અગ્નિકાંડમાં પોલીસની તપાસ કહે છે ‘કોઈ નેતા જવાબદાર નથી
ડીસીપી ક્રાઇમએ જણાવ્યું કે, આ ગુનામાં આર્થિક વ્યવહાર અંગે તપાસ થશે. ગેમ ઝોનના મુખ્ય સંચાલક પ્રકાશ જૈનનું બનાવ વખતે જ આગમાં જ ભુંજાઈ જવાથી મોત થયું હતું. આ પ્રકાશના આર્થિક વ્યવહારોની તપાસ કરવામાં આવશે. આ તપાસ માટે ખાસ સીએની નિમણુંક થઈ છે. આ કેસમાં જે જે આર્થિક વ્યવહાર સામે આવશે તેના કાગળો સીએ તૈયાર કરશે અને કોર્ટ સમક્ષ પુરાવા રૂપે આ આર્થિક વ્યવહારોને મુકવામાં આવશે.
ગુનામાં ચાર્જશીટ ફાઈલ થાય એટલે મોટા ભાગની તપાસ પૂર્ણ થઈ ગયાનું માની શકાય. અગ્નિકાંડમાં પોલીસે ટીકીટ લાયસન્સ આપ્યું હતું. જેથી જે તે સમયના પીઆઈની પૂછપરછ થઈ હતી. સરકારે પીઆઈ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. જોકે ગુનામાં તપાસ દરમિયાન પોલીસની કોઈ બેદરકારી સામે આવી નથી. આરએમસીના ટીપીઓ સહિતના અધિકારીઓએ ડીમોલિશન ન કર્યું અને ખોટા દસ્તાવેજો તેમજ રેકર્ડ સાથે છેડછાડ કરી. એટલે બેદરકારી સામે આવતા આરોપી બનાવાયા હોવાનું ડીસીપી ક્રાઇમે જણાવ્યું હતું.
ડીસીપી ડો.પાર્થરાજસિંહે જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે, ટીઆરપી ગેમ ઝોનમાં મુખ્યત્વે વેલ્ડીંગ વખતે આગ લાગી હતી. પતરાના આખા સ્ટ્રક્ચરમાં અંદરની તરફ પ્લાસ્ટીકના ફોમ શીટ, પ્લાયવુડ, જેવા ઝડપથી સળગી ઉઠતા મટીરીયલનો ઉપયોગ થયો હતો. જેમાં ફોમશીટનો કુલીંગ વધારવા માટે ઉપયોગ થયો હતો. જેથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. માત્ર 3 થી 4 મિનિટમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગી તે સ્ટ્રક્ચરની અંદર કોઈ પેટ્રોલ- ડિઝલ જેવા જવલનશીલ પ્રવાહીની હાજરી મળી નથી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.