માતૃભાષા પરત્વેનો પ્રેમ મને મારી અલગ ઓળખ આપી ગયાનો ગર્વ છે.“
રેખા વિનોદ પટેલ( ડેલાવર, યુએસએ)
“માતૃભાષા પરત્વેનો પ્રેમ મને મારી અલગ ઓળખ આપી ગયાનો ગર્વ છે.“
હું ૩૨ વર્ષોથી અમેરિકાના ડેલાવર સ્ટેટમાં રહું છું. બે દીકરીઓની માતા અને હાઉસ વાઈફ છું.
એક સ્ત્રીને પોતાના જીવન વિષે લખવાની વાત એટલે તેની માટે ઉછળકૂદ કરતા ઝરણાંથી શરુ થઈને છેક ધીર ગંભીર મંદ મંથર ગતિએ વહેતી નદીની વાત...
આજે જ્યારે મને મારા જીવન વિષે, મારી સાહિત્યની સફર વિષે કહેવાનો મોકો મળ્યો છે ત્યારે એક વાત અચૂક લખીશ કે આવો પ્રસંગ કોઈ સ્ત્રીના જીવનમાં જ્યારે પણ આવે ત્યારે તેને પોતાની ખુદની એક પહેચાન બન્યાનો અનુભવ ગર્વ આપે છે. લગ્ન પહેલા રેખા નવનીતભાઈ પટેલ અને લગ્ન બાદ રેખા વિનોદ પટેલ તરીકે ઓળખાતી હું ને એક અલગ પહેચાન મળી. માત્ર અને માત્ર લેખન પ્રવૃત્તિને કારણે આજે સહુ સમક્ષ રેખા પટેલ (વિનોદિની) લેખક કે કવિયત્રી તરીકે અલગ ઓળખ મળી.
પતિ વિનોદના સતત સાથ અને સહકારને કારણે બહુ ઝડપી હું લેખનજગતમાં મારું સ્થાન બનાવી રહી છું. જેના કારણે મારું ઉપનામ "વિનોદિની" છે.
સહુ પહેલા હું એક સ્ત્રી છું બસ એજ મારી સાચી ઓળખ અને પછી માતા હોવાનું અભિમાન જે મને હંમેશા મને સચેત રાખે છે. એજ ચિંતનને વિચારોમાં ભરી હું મક્કમપણે આગળ વધી લેખક તરીકે મને વિકસાવી રહી છું. જીવનનો મોટાભાગનો સમય વિદેશમાં વ્યતીત થવા છતાં આધુનિકતાના નામે હજુ સ્વચ્છંદતા અને ઉદ્ધતાઈ નથી આવ્યા એ મારા માતપિતાના આપેલા સંસ્કાર છે.
હું બાળપણથી મારી આજુબાજુ રહેલા સંબધો અને પાત્રોને અનુરૂપ થઈ દોડવામાં માનું છું છતાં મારામાં રહેલી હું ને કાયમ સંતુલિત રાખતી આવી છું, નમવામાં માનું છું નહિ કે હારવામાં. કોઈ ડીમાંડ નથી છતાં અગવડ પણ ગમતી નથી. હું અન્યાય સામે હંમેશા માથું ઉચકતી રહી છું.
ટૂંકમાં ઝરણાની માફક વહેવું ગમે છે છતાં નદીની માફક દરેક વળાંકોને અનુરૂપ થઈને જીવવાનું પસંદ કરું છું પરિણામે અંદર અને બહારથી ખુબ સુખી છું.
ઇન્ડીયા હતી ત્યારે પણ મનથી હું બિન્દાસ હતી, મરજી પ્રમાણે જીવવાનું પસંદ હતું. છતાં લોકો શું કહેશે, એ બીક અને ચિંતામાં ઈચ્છાઓ દબાઈ જતી.
મારી બંને દીકરીઓને સ્વતંત્ર અસ્તિત્વની હંમેશા છૂટ આપી છે. સાથે અભિમાનથી કહી શકું છું કે બંને અમેરિકામાં જન્મવા છતાં અંદરથી મારા આપેલા સંસ્કારોથી લથપથ છે.
કોઈને નડ્યા વિના બિન્દાસ જીવન કેમ જીવાય તે આ દેશે શીખવ્યું. અહી બધા પોતપોતાની મસ્તીમાં જીવે છે. કોણે શું પહેર્યું, શું કર્યું, ક્યા ગયા, જેવા સામાન્ય જીવનમાં ચંચુપાત કરતા પ્રશ્નોના જવાબો આપવા લેવા કોઈ બંધાએલું નથી.
" અડધી જિંદગી વીત્યા પછી બાકી બચેલા સમયને જીવવો છે...મરજી પ્રમાણે. કોઈ દેખાડા વિના, મનદુઃખના ભાર વિના, અહંકાર વિના નિજાનંદ માટે. સાથે મારા પરિવારને નુકશાનકારક ના થાય એ જોવાની જવાબદારી પણ મારીજ.
મરજી પ્રમાણે જીવવાનો અર્થ મોર્ડન કે બોલ્ડ નથી. આજે બોલ્ડનો અર્થ ટૂંકા કપડા, આલ્કોહોલ, સિગારેટનાં કશ અને ટૂંકા કપડાં, બિન્દાસપણે ઉચ્ચારતા અભદ્ર શબ્દો ગણવામાં આવે. જે મારી ડીક્ષનરી બહારના છે. આજે અમેરિકાના ૩૨ વર્ષના વસવાટ પછી પણ આ અર્થમાં હું મોડર્ન નથી બની. હા આજે મારા અંગત વિચારો અને ખુશી માટે જે વિચારું છું તેને અમલમાં મુકવાનો પુરતો પ્રયત્ન કરું એટલી મોર્ડન ખરી.
મારો જન્મ ગુજરાતના ખેડા જીલ્લામાં આવેલા નાનકડાં ગામ વાલવોડમાં થયો હતો. મા દરેકને વહાલી હોય પરંતુ મને પપ્પા માટે વિશેષ લાગણી હતી. હું ત્યારે પણ કહેતી અને આજે પણ કહું છું મારા પપ્પા મારો પહેલો પ્રેમ હતા. હું સંયુક્ત કુટુંબમાં ઉછરી હતી. આથી મને બધાનો પ્રેમ ભરપુર મળ્યો હતો. મારું બાળપણ મસ્તીથી છલોછલ વીત્યું હતું જેના કારણે આજે પણ સ્વભાવમાં તરવરાટ સચવાએલો રહ્યો છે.
ભણતર સાથે ગણતર સારું મળે એ માટે ગામ વાલવોડ છોડી પાંચ કિલોમીટર દુર ભાદરણમાં રહેવા આવ્યા.
નાનપણથી હું જેટલી સંવેદનશીલ હતી તેટલીજ વાચાળ હતી. નેતૃત્વ ઘરાવતું મારું વ્યક્તિત્વ હતું, કોઈના તાબા હેઠળ કશું પણ કામ કરવું અઘરું લાગતું , છતાં લાગણીશીલ હોવાને કારણે મિત્ર વર્તુળ ઘણું હતું. મારા માતાપિતાના અમારી ઉપરના વિશ્વાસના કારણે અમારો સર્વાંગી વિકાસ થઇ શક્યો હતો.
વીસ વર્ષની ઉંમરે લગ્ન થઇ ગયા પછી અમેરિકા આવી. હું અને વિનોદ જાણે સાથે ઉગ્યા, આજે બંને વટવૃક્ષ બની કુટુંબમાં છાંયડો આપી રહ્યા છીએ તેનો આનંદ છે.
લેખનની શરૂવાત ૨૦૧૨માં ફેસબુક દ્વારા થઇ હતી. ૨૦૧૩માં પહેલી નવલિકા "ખરો ગૃહ પ્રવેશ" ચિત્રલેખાના દિવાળી અંકમાં પબ્લીશ થયા પછી આગળ વધવાનું ધ્યેય અને જોમ વધ્યું.
અમેરિકા વિશેની "અમેરિકાની આજ કાલ” નામની કોલમ “ફીલિંગ્સ" મેગેઝીનમાં બે વર્ષ સુધી પબ્લીશ થઇ. ત્યારબાદ ગુજરાતી મેગેઝીન "અભિયાનમાં" વીકલી કોલમ " અમેરિકાના ખત ખબર " બે વર્ષ પબ્લીશ થઈ હતી. હવે ફ્લીલાન્સ રાઈટર તરીકે લખું છું.
અમેરિકામાં ન્યુ જર્સી સ્થિત "ગુજરાત દર્પણ" અને એટલાન્ટાના "રાષ્ટ્ર દર્પણ" માં વર્ષોથી મંથલી કોલમ આપું છું. જેમાં જીવન વિશેના મારા લેખો " જીવનના રંગ અનેક" ખુબ વખાણાય છે જેનો આનંદ છે. હું લાગણીનું માણસ છું, વિચારોનાં પ્રત્યાધાત સ્વરૂપે મારું લખાણ હંમેશા હકારાત્મક રહ્યું છે. લખાણ અને લેખક એ સમાજનું મહત્વનું અંગ છે. તેમના દ્વારા પીરસાતુ સાહીત્ય ઓછાવત્તા અંશે પડધો અચૂક પાડે છે. આજ કારણે હું નેગેટીવ લખાણોથી દુર રહેવા પ્રયત્ન કરું છું.
કાવ્ય, ગઝલ , લેખ, વાર્તાઓ, પ્રવાસવર્ણનો સાથે નવલકથા લખું છું. ટુંકમા દરેક પ્રકારના સાહીત્યને કલમમાં પરોવી રાખ્યાં છે. મારી ટુંકીવાર્તાઓને ‘ચિત્રલેખા,અભિયાન, ફીલિંગ્સ , જેવા મેગેઝીનમાં તથા ઘણા સમાચારપત્રોમાં સ્થાન મળ્યું છે.
ભારત અને અમેરિકાના વિવિધ મેગેઝીનોમાં મારૂ લખાણ અવારનવાર પબ્લીશ થાય છે.
ફેમીલી સાથે ખુબ સુંદર સમય વ્યતીત કરતા રહી મળતા વધારાના સમયનો સદુપયોગ એટલે મારા પબ્લીશ થયેલા ૯ પુસ્તકો.
ગુર્જર પ્રકાશન માંથી ટૂંકી વાર્તાઓનું પુસ્તક " ટહુકાનો આકાર", રૂપ એજ અભિશાપ,
પાર્શ્વ પબ્લીકેશન- પાંચ પુસ્તકો, લીટલ ડ્રીમ્સ, તડકાનાં ફૂલ, એકાંતે ઝળક્યું મન, અમેરિકાની ક્ષિતિજે અને નોવેલ 'લાગણીઓનો ચક્રવાત"
ડિવાઈન પબ્લીકેશન માંથી નવલકથા" ધુમ્મસનાં ફૂલ અને નવલિકા સંગ્રહ " અજાણ્યો હમસફર".
હવે " બંધ ડ્રોવર” બે ડાયરીમાં સચવાઈને પડેલી અધુરી પ્રેમ કહાની. બીજું પુસ્તક લેખ-" જીવનના રંગ અનેક"
ત્રીજું નવલકથા - " ૩ ડેઝ ટુ અમેરિકા" બોર્ડર પાર કરી ઈલીગલ આવતા યુવાનોની કાળજું કંપાવતી અને સાહસભરી ગાથા. એમ ત્રણ પુસ્તકો તૈયાર થઇ રહ્યા છે.
દિવ્યભાસ્કર ઓન લાઈન ઉપર માર્ચ પહેલીથી શરૂ થઈ રહેલી લઘુ નવલકથા “ બંધ ડ્રોવર” માટે ખુબ ઉત્સાહિત છું. કારણ આજ સુધીમાં પ્રેમના અનેક લખાણોમાં આ સાવ અલગ રીતે લખાયેલી અદ્દભુત પ્રેમ કથા છે જે વાંચકોને અવશ્ય જકડી રાખશે.
બસ હવે કેટલું લખીશ એનો ખ્યાલ નથી. કારણ આટલાથી મને સંતોષ છે. ખુબ ઓછા સમયમાં સાવ અજાણી ડગર ઉપર મઝાની સફર ખેડતા ફક્ત અને ફક્ત આનંદ મળ્યો છે.
અમારા ફેમિલીમાં કોઈ પણ સાહિત્યના માર્ગે નહોતું છતાં, છતાં વાંચનનો શોખ અને સોશ્યલ મીડિયાનું પ્લેટફોર્મ મને મારી અલગ ઓળખાણ અપાવી ગયું. એક પછી એક કેટલાય ન્યુઝ પેપરમાં આ વિષેની નોંધ લેવાઈ. મારા લેખનને સ્થાન મળ્યું. મારો સમય પસાર કરવાનો શોખ મારી ઓળખ બની ગયો.
ગુજરાતી ભાષાને વાણી અને વર્તનમાં જીવંત રાખવી એજ મારું ધ્યેય છે અને તેજ કારણે મારું આગવું અસ્તિત્વ ઉભરી રહ્યું છે તેનું ગૌરવ છે. અમેરિકામાં હાઉસ વાઈફ તરીકેના મારા સુખી જીવન સાથે આજુબાજુ ઘટતી ઘટનાઓને વણી લઇને સત્ય કે કાલ્પનિક ચિત્રો દ્વારા ઉદ્ભવતી વાર્તાઓ, લેખો દ્વારા સમાજમાં હકારાત્મક વિચારો ફેલાવવાને હું કલમ દ્વારા પૂર્ણ કરી રહી છું જેનો મને આનંદ છે..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.