કટારિયા ચોકડીએ આઈકોનિક સહિત 4 ફ્લાયઓવર માટે 185 કરોડ મંજૂર - At This Time

કટારિયા ચોકડીએ આઈકોનિક સહિત 4 ફ્લાયઓવર માટે 185 કરોડ મંજૂર


રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધી નવો બ્રિજ, કોઠારિયા અને લાપાસરી વચ્ચે ખોખડદળ નદી પર પુલ જ્યારે હયાત બ્રિજને પહોળા કરાશે

રાજકોટ શહેરમાં ફરીથી નવા ફ્લાયઓવર બ્રિજના કામોનો ધમધમાટ શરૂ થવાનો છે કારણ કે, રાજ્ય સરકારે અધધધ 185 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી દીધી છે જેને લઈને ઈજનેરો અને અધિકારીઓ દોડતા થયા છે. શહેરના પ્રથમ આઇકોનિક બ્રિજ કટારિયા ચોકડીનો પણ સમાવેશ કરાતાં આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આગળ ધપશે.

રાજકોટના કટારિયા ચોકડીએ કાલાવડ રોડ તેમજ નવો રિંગ રોડ મળે છે અને ત્યાંથી રાજકોટ શહેર અને સ્માર્ટ સિટી જઈ શકાય છે. અત્યારે જ ત્યાં ટ્રાફિક હોય છે અને ભવિષ્યમાં વધુ ટ્રાફિક થશે જેને લઈને ત્યાં ફ્લાયઓવર અને અન્ડરબ્રિજ બનાવવાનો વિચાર કરાયો હતો. મનપા પ્રથમ વખત થ્રી લેયર બ્રિજ બનાવતી હોવાથી સામાન્ય બ્રિજને બદલે શહેરની ઓળખ બને તેવો આઈકોનિક બ્રિજ બનાવવા નિર્ણય લેવાયો હતો.

આ અંગે પ્રાથમિક ડિઝાઈન પણ ચકાસાઈ હતી અને ફાઈલ તૈયાર કરાઈ હતી. જેને હવે મંજૂરી મળતા પ્રથમ ફેઝ માટે જ 165 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાતા હવે ફાઈલ આગળ વધશે. આ ઉપરાંત રૈયા ગામથી રૈયા સ્માર્ટ સિટી સુધી જવા રસ્તામાં આવતા નદી અને વોંકળા પર પણ નવો બ્રિજ મંજૂર થયો છે.

આ જ રીતે કોઠારિયા અને લાપાસરી વચ્ચેથી પસાર થતી ખોખડદળી નદી પર નવો બ્રિજ બનાવાશે. આ ત્રણ નવા કામ ઉપરાંત નવા રિંગ રોડથી સ્માર્ટ સિટી સુધી જતા માર્ગ પર હયાત 3 જૂના બ્રિજને પહોળા કરવાના કામ સહિત 4 પ્રકારના બ્રિજ માટેની ગ્રાન્ટ મંજૂર થતા રાજકોટ શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.