'ફિલ્મો નહીં કરું તો મરી જઈશ':'હું 20થી 22 ફિલ્મો કરવાનો છું એ સાંભળીને અમિત શાહે કાગળ ફેંકી દીધો', સાંસદ સુરેશ ગોપીએ દુ:ખ ઠાલવ્યું - At This Time

‘ફિલ્મો નહીં કરું તો મરી જઈશ’:’હું 20થી 22 ફિલ્મો કરવાનો છું એ સાંભળીને અમિત શાહે કાગળ ફેંકી દીધો’, સાંસદ સુરેશ ગોપીએ દુ:ખ ઠાલવ્યું


કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ બુધવારે સ્પષ્ટપણે કહ્યું કે અભિનય એ તેમનો શોખ છે અને જો તેમને ફિલ્મો કરતા અટકાવવામાં આવશે તો તેઓ જીવી શકશે નહીં. અભિનેતામાંથી રાજનેતા બનેલા ગોપી કેરળના પ્રથમ બીજેપી સાંસદ છે. તેઓ ત્રિશૂર બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. ગોપી પ્રવાસન રાજ્ય મંત્રી પણ છે. તિરુવનંતપુરમમાં કેરળ ફિલ્મ ચેમ્બર ઑફ કોમર્સ ખાતે એક કાર્યક્રમને સંબોધતા ગોપીએ કહ્યું, 'ફિલ્મ એ મારું પેશન છે. જો કોઈ ફિલ્મ નહીં બને તો હું મરી જઈશ. મેં ફિલ્મ ઓટ્ટાકોમ્બનમાં અભિનય કરવાની પરવાનગી માગી છે. મને હજુ સુધી પરવાનગી મળી નથી. પણ હું ઓટ્ટાકોમ્બન 6 સપ્ટેમ્બરથી શરૂ કરી રહ્યો છું." જ્યારે અમિત શાહે કાગળ ફેંક્યો...
રાજ્યમંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું કે 'જ્યારે ગૃહમંત્રી અમિત શાહે મને પૂછ્યું કે કેટલી ફિલ્મો સાઈન કરી છે. ત્યારે મેં જવાબ આપ્યો કે લગભગ 20 થી 22 ફિલ્મોમાં કામ કરવા માટે રાજી થયો છું. આ સાંભળીને અમિત શાહે તે કાગળ ફેંકી દીધો. સુરેશ ગોપીએ કહ્યું કે હું હંમેશાં મારા નેતાઓની વાત માનીશ. પરંતુ ફિલ્મ મારો શોખ છે, જો હું તે નહીં કરું તો હું મરી જઈશ.' રાજ્યકક્ષાના મંત્રી સુરેશ ગોપીએ વધુમાં કહ્યું કે "હું ફિલ્મના શૂટિંગ વખતે મંત્રી તરીકે કામ કરવા માટે મંત્રાલયમાંથી ત્રણ કે ચાર લોકોને લઈ જઈશ. જો બધું બરાબર રહ્યું તો મને સારું લાગશે અને પછી મારી પાસે ત્રિશૂરના લોકો માટે વધુ સમય હશે. મને વ્યક્તિગત રીતે કેબિનેટ બર્થ આપવામાં આવ્યો ન હતો. મારી ખુરશી એ લોકોને ભેટ છે જેમણે ભાજપને પસંદ કર્યો છે." 'મને કેબિનેટમાં કોઈ સ્થાન જોઈતું નથી...'
'ત્રિશૂર માટે કેન્દ્રીય મંત્રી, મોદીની ગેરંટી'ના નારા સાથે ચૂંટણી લડનારા સુરેશ ગોપીને જ્યારે કેબિનેટમાં સામેલ કર્યા ત્યારે તેમણે પોતાના સ્ટેન્ડથી પાર્ટીને અસહજ કરી હતી. કેન્દ્રીય મંત્રાલયમાં જોડાયા બાદ તરત જ ગોપીએ મીડિયાને કહ્યું હતું કે, 'હું સાંસદ તરીકે કામ કરવા માગું છું. મારું વલણ એવું હતું કે મારે કેબિનેટમાં સ્થાન નથી જોઈતું. મેં પાર્ટીને કહ્યું હતું કે મને તેમાં રસ નથી. મને લાગે છે કે મને જલદી રાહત મળશે. ત્રિશૂરના લોકો સારી રીતે જાણે છે. હું સાંસદ તરીકે ખૂબ સારું પ્રદર્શન કરીશ. મારે ફિલ્મોમાં અભિનય કરવો છે. પણ હવે પાર્ટી નિર્ણય લેશે.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.