મૂવી રિવ્યૂ- 'શર્માજી કી બેટી':મહિલા સશક્તિકરણની જૂની વાર્તામાં તાહિરાએ ઉમેર્યો મરી-મસાલો, એક્ટરોની શાનદાર એક્ટિંગ - At This Time

મૂવી રિવ્યૂ- ‘શર્માજી કી બેટી’:મહિલા સશક્તિકરણની જૂની વાર્તામાં તાહિરાએ ઉમેર્યો મરી-મસાલો, એક્ટરોની શાનદાર એક્ટિંગ


તાહિરા કશ્યપ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'શર્માજી કી બેટી' એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થઇ ચૂકી છે. મહિલા સશક્તિકરણ અને મહિલાઓ જે પડકારોનો સામનો કરે છે તેના પર પ્રકાશ પાડતી આ ફિલ્મની લેન્થ1 કલાક 55 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે ફિલ્મને 5માંથી 3 સ્ટાર રેટિંગ આપ્યા છે. શું છે ફિલ્મની વાર્તા?
ફિલ્મની વાર્તા સ્વાતિ શર્મા (વંશિકા ટપારિયા)થી શરૂ થાય છે, જે જ્યોતિ શર્મા (સાક્ષી તંવર)ની દીકરી છે. જ્યોતિ શર્મા તેમના મિડલ ક્લાસ જીવનમાં જ રચીપચી રહે છે. તેમના માટે સમય અને પૈસા બંને ખૂબ કિંમતી છે. કારણ કે તેઓ માને છે કે તે બંને ગયા પછી ક્યારે પણ પાછા આવતા નથી. બીજી તરફ કિરણ શર્મા (દિવ્યા દત્તા) છે, જે તેમના પતિ અને પુત્રી ગુરવીન શર્મા (અરિસ્તા મહેતા) સાથે પટિયાલાથી મુંબઈ શિફ્ટ થાય છે. તેમની સપનાની ફ્લાઈટ લંડનની છે, પરંતુ નસીબ તેમને ઘરની બહાર જવા દેતું નથી. તન્વી શર્મા (સૈયામી ખેર) વડોદરાથી મુંબઈની ટીમ માટે રમવા આવી છે. જીવનમાં તેમને ફક્ત જીતવાની અને ખાવાની જ ભૂખ હોય છે. ફિલ્મની આખી વાર્તા આ મહિલાઓની આસપાસ ફરે છે. જ્યોતિના પતિ સુધીર (શરીબ હાશ્મી) જ્યોતિના ગયા પછી ઘરની સંભાળ રાખે છે અને નાઇટ શિફ્ટમાં કામ કરે છે. પોતપોતાની લડાઈ લડતી સ્ત્રીઓની વાર્તા આગળ કયો ટર્ન લે છે? તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે?
એક્ટિંગની વાત કરવામાં આવે તો, સાક્ષી તંવર અને દિવ્યા દત્તા બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ છે. બંનેએ પોત-પોતાના રોલ ખૂબ જ સારી નિભાવ્યા છે. વંશિકા ટપારિયા અને અરિસ્તા મહેતાએ પણ તેમના રોલમાં સારું કામ કર્યું છે. સૈયામી ખેર અને શારીબ હાશ્મી સહિત ફિલ્મના તમામ કલાકારોએ તેમના રોલને ન્યાય આપ્યો છે. ફિલ્મનું ડિરેક્શન કેવું છે?
આ ફિલ્મનું નિર્દેશન તાહિરા કશ્યપ ખુરાનાએ કર્યું છે. તેમણે આ ફિલ્મની વાર્તાને નવી રીતે રજૂ કરવામાં કોઈ કસર છોડી નથી. પરંતુ ફિલ્મમાં વધુ કંઇ આશ્ચર્યજનક નહીં લાગે. વાર્તા અમુક સમયે થોડી ધીમી લાગશે. ફિલ્મની વચ્ચે માતા-પુત્રીના ઈમોશનલ સીન તમને ફિલ્મ સાથે જોડાયેલા રાખશે. એકંદરે ફિલ્મ ધીમી હોવા છતાં ક્લાઈમેક્સ જોઈને તમે ખુશ થઈ જશો. ફિલ્મનું મ્યુઝિક કેવું છે?
વાર્તાને ધ્યાનમાં રાખીને જ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાખવામાં આવ્યું છે. પરંતુ ફિલ્મમાં એવું કોઈ ગીત નથી જે તમને ફરીથી સાંભળવાનું મન થાય. ફાઈનલી, ફિલ્મ જોવી કે નહીં? 'શર્માજી કી બેટી' મહિલા સશક્તિકરણ પર આધારિત ફિલ્મ છે. જૂની વાર્તાને નવી સ્ટાઇલમાં રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો તમે ઘરે બેસીને તમારા પરિવાર સાથે ફિલ્મ જોવા માગતા હો તો તમે આ ફિલ્મ ચોક્કસ જોઈ શકો છો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.