‘અમેરિકા વિશે માતાએ કોઈ ટિપ્પણી નથી કરી’:હસીનાના દીકરાનો જવાબ, સેન્ટ માર્ટિન આઇલેન્ડ USને ન આપવાને કારણે સત્તા ગુમાવ્યાનો દાવો થયો હતો
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ જોયે દાવો કર્યો છે કે તેમની માતાએ તેમના રાજીનામા સંબંધિત કોઈ નિવેદન આપ્યું નથી. જોયે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તેમની માતાના નામે એક અખબારમાં જારી કરાયેલું નિવેદન સંપૂર્ણપણે ખોટું અને બનાવટી છે. જોયે કહ્યું, “મેં મમ્મી સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે ઢાકા છોડ્યા પહેલા કે પછી આવું કોઈ નિવેદન આપ્યું નથી. હકીકતમાં, એક અહેવાલ અનુસાર, શેખ હસીનાએ તેમના નજીકના સહયોગીઓ દ્વારા મીડિયાને મોકલેલા સંદેશમાં દાવો કર્યો હતો કે તેમને સત્તા પરથી હટાવવામાં અમેરિકાનો હાથ હતો. અખબારના દાવા મુજબ હસીનાએ કહ્યું હતું કે તે સેન્ટ માર્ટિન આઈલેન્ડ અને બંગાળની ખાડીને અમેરિકન નિયંત્રણમાં આપીને પોતાનું સ્થાન બચાવી શક્યાં હોત. હવે હસીનાના પુત્રએ આ દાવાને ખોટો ગણાવ્યો છે. ટાપુ મેળવવા માટે અમેરિકા પર દબાણ કરવાનો આરોપ
અગાઉ જૂન 2021માં બંગાળી અખબારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા બાંગ્લાદેશ પાસેથી સેન્ટ માર્ટિન ટાપુની માગ કરી રહ્યું છે. તે અહીં મિલિટ્રી બેઝ બનાવવા માગે છે. આ પછી બાંગ્લાદેશ વર્કર્સ પાર્ટીના અધ્યક્ષ રાશિદ ખાન મેનને પણ સંસદમાં કહ્યું કે અમેરિકા સેન્ટ માર્ટિન દ્વીપને હસ્તગત કરવા માગે છે અને તેમના પર ક્વાડનો સભ્ય બનવા માટે દબાણ કરી રહ્યું છે. માત્ર 3 કિમી ચોરસ ટાપુ, આરબ વેપારીઓ દ્વારા સ્થાયી
સેન્ટ માર્ટિન આઇલેન્ડ, જેને લઈને બાંગ્લાદેશની રાજનીતિમાં ખૂબ જ ખળભળાટ મચી ગયો છે, તે માત્ર 3 ચોરસ કિલોમીટરનો ટાપુ છે. મ્યાનમારથી તેનું અંતર માત્ર 5 માઈલ છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, આ ટાપુ 18મી સદીમાં આરબ વેપારીઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેમણે તેનું નામ 'જઝીરા' રાખ્યું. આ પછી બ્રિટિશ સરકારે તેને કબજે કરી લીધો. ત્યારપછી આ ટાપુનું નામ ચટગાંવના ડેપ્યુટી કમિશનરના નામ પરથી સેન્ટ માર્ટિન આઈલેન્ડ રાખવામાં આવ્યું હતું. આ ટાપુને બંગાળી ભાષામાં 'નારિકેલ જિંજીરા' (કોકોનટ આઇલેન્ડ) અથવા દારુચિની દ્વીપ (તજ દ્વીપ) કહેવામાં આવે છે. આ બાંગ્લાદેશનો એકમાત્ર કોરલ ટાપુ છે. પ્રવાસન ઉપરાંત આ ટાપુ વેપાર માટે પણ મહત્વપૂર્ણ છે. આ ટાપુ પર 9 ગામો છે જેમાં લગભગ 3,700 લોકો રહે છે. તેમનો વ્યવસાય માછીમારી, ચોખા અને નારિયેળની ખેતી છે. અહીંના ખેડૂતો તેમની ઉપજ નજીકના દેશ મ્યાનમારના લોકોને વેચે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.