સુરતમાં મીઠી ખાડી વિસ્તારના 1200થી વધુ પરિવારો ખાડી પુરની ઝપેટમાં આવ્યા
- ખાડીના પાણીનો ભરાવો થયો છે ત્યાં પાલિકાના આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી- ખાડી ઓવર ફ્લો થતા લિંબાયત મીઠીખાડી, પરવત, પુણા, કુંભારીયા, વિગેરે વિસ્તારમાં દોઢ ફુટથી વધુ પાણી ભરાયા સુરત,તા.17 ઓગષ્ટ 2022,બુધવારસુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા દેમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડી ડેન્જર લેવલે પર વહેતી થઈ છે અને ખાડી કિનારે આવેલા કેટલાક વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે. લિંબાયતમાં મીઠી ખાડી વિસ્તારમાં 1200થી વધુ મકાનમાં રહેતા પરિવારો આ પૂરની ઝપેટમાં આવી જતાં પાલિકાએ આરોગ્ય લક્ષી કામગીરી સાથે ફૂડ પેકેટની કામગીરી શરૂ કરી છે. આ ખાડીના પાણીના કારણે આજે પુણા કુંભારીયા વિસ્તારમાં એક મંદિર સહિતનો વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયું છે. સુરત શહેર અને જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે પણ વરસાદનું જોર વધી રહ્યું હોવાથી સુરતમાંથી પસાર થતી ખાડીઓ બંને કાંઠે વહેતી થઈ છે. લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા મીઠી ખાડી વિસ્તારમાં 1200થી વધુ મકાનોમાં દોઢથી બે ફૂટ પાણીનો ભરાવો થયો છે. પાલિકા તંત્રએ સ્થિતિ પર સતત નજર રાખીને બચાવ કામગીરી માટે ટ્રેકટર, બોટ તૈનાત કરી દીધી છે. અસરગ્રસ્ત લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળે તે માટે ટેન્કરની વ્યવસ્થા કરવા સાથે ફુડ પેકેટનું વિતરણ પણ શરૂ કર્યું છે. ખાડીના પાણીના કારણે આ વિસ્તારના લોકોના આરોગ્ય સામે પ્રશ્નો ઉભા થતાં પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. ભરાયેલા પાણીમાં પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે ફરીને ઓઆરએસ તથા અન્ય સામગ્રીનું વેચાણ કરી રહી છે. આ ઉપરાંત મોબાઈલ ડિસ્પેન્સરી ની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી તથા ખાડીના પુરની સ્થિતિનો તાગ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની તથા ડે. કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ આશિષ નાયક અને ઝોનલ ઓફિસર કામની દોશીએ સ્થળ મુલાકાત કરી હતી. મ્યુનિ. કમિશ્નરે પુરની સ્થિતીમાં કામગીરી માટે આદેશ કર્યા છે.આ ઉપરાંત આજના વરસાદના કારણે પુણા કુંભારીયા વિસ્તારમાં આવેલું મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરક થઈ ગયું છે. કેટલાક રસ્તા પર પણ પાણીનો ભરાવો થતાં વાહન વહવાર પર માઠી અસર પડી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.