USમાં ચૂંટણી કરતાં બાઇડનના સ્વાસ્થ્યની ચર્ચા:રાષ્ટ્રપતિના મગજના ટેસ્ટની માગ થતાં વ્હાઇટ હાઉસને પત્ર જાહેર કરવો પડ્યો, વ્હાઇટ હાઉસમાં બીમારી છુપાવવાનો ઇતિહાસ
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો ધમધમાટ છે, પરંતુ આ ચૂંટણીની ચર્ચા કરતા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના સ્વાસ્થયની વધુ ચર્ચા થઇ રહી છે. રાષ્ટ્રપતિ પદની ડિબેટમાં વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડનનું પ્રદર્શન એટલું સારું નહોતું. તે તેમના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પ કરતા નબળા દેખાયા. હવે બાઇડનની પોતાની પાર્ટીના નેતાઓ આ અંગે તેમના રાજીનામાની માગ કરી રહ્યા છે. સાથે જ ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવા પણ કહી રહ્યા છે. દરમિયાન, એક માગ એ પણ આવી કે બાઇડનનો કોગ્નિટિવ ટેસ્ટ કરાવીને તેનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવે. કોગ્નિટિવ ટેસ્ટને સામાન્ય શબ્દોમાં સમજીએ તો આ એક સોચ-સમજની કસોટી છે, જેમાં મગજના કાર્યો જેવા કે વિચારવું, શીખવું, યાદ રાખવું અને ભાષાનો ઉપયોગનો સમાવેશ થાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન 81 વર્ષના થઈ ગયા છે. છેલ્લા કેટલાક સમયથી તેમની શારીરિક અને માનસિક શક્તિ અંગે સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ 27 જૂને યોજાયેલી રાષ્ટ્રપતિની ડિબેટ બાદ આ ચર્ચાએ વેગ પકડ્યો હતો કે શું બાઇડને કોગ્નિટિવ ટેસ્ટ કરાવવો જોઈએ. હકીકતમાં, ડિબેટ દરમિયાન રાષ્ટ્રપતિ ઘણી વખત મૂંઝવણમાં દેખાયા, ત્યાં સુધી કે તેમના ચહેરા પર કોઈ હાવભાવ પણ ન હતા. તેમના હાથ-પગ બરાબર હલનચલન ન કરી શકતા હોવાનો મુદ્દો પણ ઘણી વખત ઉઠ્યો. હવે વિપક્ષી પાર્ટીએ તેમના કોગ્નિટિવ ટેસ્ટની સત્તાવાર માગ કરી છે. શું કહ્યું રાષ્ટ્રપતિએ જો કે, પત્રના જવાબમાં બાઇડને ટેસ્ટ કરાવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. એનબીસી ન્યૂઝ અનુસાર, તેમણે કહ્યું કે હું દરરોજ કોગ્નિટિવ ટેસ્ટમાંથી પસાર થઉ છું. હું દરેક કામમાં ટેસ્ટ આપું છું. રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી પછીથી બાઇડનની કોઈ નિયમિત મેડિકલ તપાસ થઇ નથી, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. આ વાતનો ખુલાસો ખુદ વ્હાઇટ હાઉસ સેક્રેટરીએ કર્યો હતો. શું છે કોગ્નિટિવ ટેસ્ટ, જેની વાત થઈ રહી છે એક ખાસ વાત એ છે કે બાઇડનની તરફેણમાં ઉભા રહેલા લોકો પણ તેમના ટેસ્ટની માગ કરી રહ્યા છે જેથી સવાલ ઉઠાવનારા લોકોના મોં શાંત થઈ જાય. તો શું છે એ ટેસ્ટ જે અમેરિકન રાષ્ટ્રપતિને પદ માટે યોગ્ય જાહેર કરી શકે, અથવા તેના પર પ્રશ્નો ઉભા કરી શકે? આ સોચ-સમજની કસોટી છે, જેમાં મગજના કાર્યો જેવા કે વિચારવું, શીખવું, યાદ રાખવું અને ભાષાનો ઉપયોગ શામેલ છે. જો આ બાબતો યોગ્ય ન હોય તો તેને કોગ્નિટિવ ક્ષતિ અથવા અપંગતા ગણવામાં આવશે. ક્યારે થાય છે આ ટેસ્ટ જે લોકો ડિમેન્શિયાની ફરિયાદ કરે છે, અથવા જેમને આવા લક્ષણો હોય છે જેમ કે તેઓ વારંવાર ભૂલી જાય છે, અથવા યોગ્ય રીતે નિર્ણય લેવામાં અસમર્થ હોય છે, તેમને પણ ડૉક્ટરો આ ટેસ્ટ કરાવવાનું કહે છે. આ મોટાભાગે વૃદ્ધ દર્દીઓ હોય છે. કોગ્નિટિવ સમસ્યાઓ 60 પછી વધે છે, અને 75 પછી ભય સૌથી વધુ હોય છે. આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો બાઇડન રિસ્ક ગ્રુપમાં છે. જો કે, તેમણે આવો કોઈ ટેસ્ટ કરાવવા અને તપાસ રિપોર્ટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. વ્હાઇટ હાઉસના મેડિકલ યુનિટે જારી કર્યો પત્ર
બાઇડનની તપાસનો મુદ્દો એટલો ખેંચાઈ ગયો કે વ્હાઇટ હાઉસના ડૉક્ટરે આ વિશે વાત કરવી પડી. સોમવારે જારી કરાયેલા પત્રમાં તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિનો નિયમિત મેડિકલ ટેસ્ટ થાય છે અને તેમાં ન્યુરોલોજીકલ નિષ્ણાતો પણ હોય છે, જે તપાસ કરે છે કે અમેરિકન નેતામાં ડિમેન્શિયા અથવા પાર્કિન્સન જેવા લક્ષણો છે કે કેમ. મેડિકલ યુનિટના પત્ર મુજબ બાઇડન એકદમ સ્વસ્થ છે. વ્હાઇટ હાઉસમાં બીમારીઓ છુપાવવાનો ઇતિહાસ
ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સા સામે આવ્યા છે, જ્યારે પદ પર રહેવા માટે રાષ્ટ્રપતિ જીવલેણ રોગોને છુપાવતા રહ્યા. બે ટર્મ પૂરી કરનાર ગ્રોવર ક્લેવલેન્ડે પોતાની બીમારી છુપાવવા માટે તમામ હદો વટાવી દીધી હતી. મોઢાના કેન્સરના ત્રીજા સ્ટેજમાં તેમણે જહાજમાં સર્જરી કરાવી અને બહાનું એવું બનાવવામાં આવ્યું કે તેઓ રજા પર છે. દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે સર્જરી થઈ રહી હતી ત્યારે તબીબોના હાથ ધ્રૂજવાનો ખતરો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ બગડી શકી હોત, પરંતુ જોખમ ઉઠાવવામાં આવ્યું. તે સમયે, ક્લેવલેન્ડ સ્વસ્થ થઇને પરત ફર્યા પરંતુ ટૂંક સમયમાં તેમનું મૃત્યુ થયું. એવું માનવામાં આવે છે કે આ દરિયાઈ સર્જરીનું પરિણામ હતું, જેના કારણે કેન્સરનો ઈલાજ થઈ શક્યો ન હતો. સામાન્ય લોકોને આ અંગેની જાણકારી ખૂબ મોડેથી મળી. રાષ્ટ્રપતિઓની બીમારી છુપાવવાની આદત પર અમેરિકન ઈતિહાસકાર મેથ્યુ એલ્જિયોએ પુસ્તક પણ લખ્યું હતું. 'ધ પ્રેસિડેન્ટ ઈઝ અ સિક મેન' નામના પુસ્તકમાં શારીરિક અને માનસિક બીમારીઓનો ઉલ્લેખ છે, જેની અસર દેશ પર પણ પડી હતી. રૂઝવેલ્ટે એટેકને કહ્યું અપચો સતત ત્રણ ટર્મ સુધી રાષ્ટ્રપતિ રહી ચૂકેલા ફ્રેન્કલિન રૂઝવેલ્ટનો કિસ્સો અન્ય તમામ કરતા અલગ છે. 40 વર્ષની ઉંમરે રૂઝવેલ્ટને પોલિયો થયો, જેના કારણે તેમના બંને પગ નકામા થઈ ગયા. આ તે સમય હતો જ્યારે પોલિયોને કારણે લાખો લોકોના જીવ જતા હતા અને જેઓ બચતા તેઓ વિકલાંગ બની જતા. જ્યારે રૂઝવેલ્ટે પ્રથમ ટર્મ માટે દાવેદારી કરી ત્યારે તેઓ વ્હીલચેરમાં હતા. અમેરિકનો પાસે આ વિશે ચોક્કસ માહિતી નહોતી. આ ટીવી કે આવા ઉગ્ર પ્રચારનો જમાનો ન હતો, તેથી ગુપ્તતા રાખવી ખાસ મુશ્કેલ ન હતી. વ્હાઇટ હાઉસ પહોંચ્યા પછી, તે ઘણી બીમારીઓથી પીડાતા રહ્યા, પરંતુ કોઈને તેના વિશે કોઈ માહિતી નહોતી. ત્યાં સુધી કે જ્યારે રૂઝવેલ્ટને પ્રથમ હૃદયરોગનો હુમલો આવ્યો અને મીડિયાએ સવાલ કર્યા તો કહેવામાં આવ્યું કે તેમને પાચનની સમસ્યા થઇ રહી છે. રૂઝવેલ્ટ સહિત અમેરિકન રાજકારણ વિશે વાત કરતું પુસ્તક વ્હિસલસ્ટોપમાં પણ આ વિશે ખુલ્લેઆમ લખવામાં આવ્યું છે. વુડ્રો વિલ્સન અનેક ગંભીર બીમારીઓની સાથે વ્હાઇટ હાઉસ પહોંચ્યા. તે બેવડી દ્રષ્ટિના દર્દી હતા અને બે વખત હાર્ટ એટેક પણ આવ્યો હતો. તેમના શરીરની જમણી બાજુ બરાબર કામ કરતી ન હતી. તે કાગળો વાંચવા અને સહી કરવામાં પણ ઘણો સમય લેતા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.