EDITOR’S VIEW: બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે…:મોદીએ CJIના ઘરે ગણેશની પૂજા કરી ને વિપક્ષોએ વિવાદ ઊભો કર્યો, મરાઠી લૂકથી રાજકારણ ગરમાયું, PMએ એક કાંકરે અનેક પંખી માર્યા?
નમસ્કાર, આજે એડિયર્સ વ્યૂમાં ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડના ઘરે મોદીએ ગણેશ ભક્તિ કરી જે વિપક્ષો માટે જ વિઘ્ન બની ગઈ તેની વાત... નરેન્દ્રભાઈ વિપક્ષોને ક્યારે, કેવા ઝટકા આપે તે કળી શકાય તેવું હોતું નથી. 2015માં કાબુલથી પાછા ફરતા હતા ત્યારે પ્લેન અચાનક લાહોર તરફ વળી ગયું હતું. મોદી પાકિસ્તાન પહોંચી ગયા હતા ને વિપક્ષોને આંચકો આપ્યો હતો. આ વખતે પણ વિપક્ષોને વધુ એક આંચકો આપ્યો છે. વાત જાણે એમ છે કે, મંગળવારની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડના ઘરે પહોંચી ગયા હતા. CJIના ઘરે ગણપતિનું સ્થાપન છે ત્યાં નરેન્દ્રભાઈએ આરતી ઉતારી હતી. નોંધવા જેવી વાત એ છે કે, નરેન્દ્રભાઈએ આરતી ઉતારી ત્યારે મહારાષ્ટ્ર સ્ટાઈલ ટોપી પહેરી હતી. બધાને ખ્યાલ હશે જ કે, નજીકના દિવસોમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. મોદીએ એક કાંકરે અનેક પંખી માર્યા!! નરેન્દ્રભાઈ CJIના ઘરે પહોંચ્યા ને ગણેશજીની આરતી ઉતારી એ પ્રસંગની તસવીરો અને વીડિયો નરેન્દ્રભાઈએ જ ટ્વિટ કર્યો છે. એટલે વિપક્ષો વધારે ભડક્યા છે. અત્યારે કોંગ્રેસ,ઠાકરેની શિવસેના, સુપ્રીમના કેટલાક વકીલો આ ઘટનાને વખોડી રહ્યા છે. ભારતના રાજકારણમાં એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શું કાર્યપાલિકા અને ન્યાયપાલિકાના વડા આ રીતે મળી શકે? નરેન્દ્રભાઈએ CJIના ઘરે જઈ, મહારાષ્ટ્રીયન સ્ટાઈલ ટોપી પહેરીને ગણેશજીની પૂજા કરી. તેમણે આવું કરીને એક કાંકરે અનેક પંખી માર્યા છે અને ઘણાને એટલે જ પેટમાં દુ:ખાવો ઉપડ્યો છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે, CJI ચંદ્રચૂડ બે મહિનામાં નિવૃત્ત થવાના છે. પ્રશાંત ભૂષણે કહ્યું, ન્યાયતંત્ર માટે આ ખૂબ જ ખરાબ સંકેત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી ગણાતા સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે પીટીઆઈને જણાવ્યું કે, CJI ચંદ્રચૂડના ઘરે પોતાનો ખાનગી ધાર્મિક મહોત્સવ છે અને તેમાં હાજર રહેવા માટે વડાપ્રધાન મોદીને મંજૂરી આપી તે ચોંકાવનારું છે. ન્યાયતંત્ર માટે આ ખૂબ જ ખરાબ સંકેત છે. નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની અને સરકાર બંધારણના માળખામાં રહીને કામ કરે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી ન્યાયતંત્રને સોંપવામાં આવી છે. તેથી જ કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે અંતર જાળવવું પડે છે. ભૂષણનો રેકોર્ડ એવો છે કે તેને પીએમ મોદીનું કામ ક્યારેય પસંદ નથી આવ્યું. હવે જ્યારે મોદી CJIના ઘરે પહોંચી ગયા છે, CJI પણ હવે તેમના માટે આદરણીય નથી રહ્યા. નોંધવા જેવી વાત એ છે કે, સર્વોચ્ચ અદાલતે એક વખત પ્રશાંત ભૂષણને ન્યાયતંત્ર વિરુદ્ધ બે ટ્વીટ કરવા બદલ અદાલતના તિરસ્કાર હેઠળ દોષિત ઠેરવીને 1 રૂપિયાનો દંડ કર્યો હતો. એક સવાલ એ પણ ઊભો થઈ શકે છે કે સુપ્રીમ કોર્ટે તેમના પર માત્ર એક રૂપિયાનો દંડ શા માટે કર્યો? શું સામાન્ય વ્યક્તિ સાથે પણ આવું જ થાય છે? સુપ્રીમ કોર્ટે ત્યારે કહ્યું હતું કે 15 સપ્ટેમ્બર સુધીમાં 1 રૂપિયાનો દંડ જમા નહીં કરાવાય તો ત્રણ મહિનાની જેલ અને ત્રણ વર્ષ માટે કાયદાની પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ લાગી શકે છે. સંજય રાઉતે કહ્યું- શું CJI અમને ન્યાય અપાવી શકશે, અમને હવે શંકા છે પીએમ મોદી CJIના ઘરે ગયા બાદ વિપક્ષોના કાન સરવા થઈ ગયા છે. ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે CJI ચંદ્રચૂડ મહારાષ્ટ્ર સરકારના કેસ (ઉદ્ધવ અને શિંદે જૂથ વચ્ચે શિવના પક્ષના નામ-પ્રતિક વિવાદ)ની સુનાવણી કરી રહ્યા છે. મોદી સાથેના તેમના મૈત્રીપૂર્ણ સંબંધો જોઈને અમને ન્યાય મળશે કે કેમ તે અંગે શંકા છે. જો બંધારણના રક્ષક રાજકારણીઓને મળે તો લોકોના મનમાં શંકા પેદા કરી શકે છે. મહારાષ્ટ્રમાં અમારા કેસની સુનાવણી CJI ચંદ્રચૂડ સમક્ષ ચાલી રહી છે. તેથી અમને ન્યાય મળશે કે કેમ તેની શંકા છે. પીએમ મોદી, કેન્દ્ર સરકાર આ કેસમાં અન્ય પક્ષકારો છે. ચીફ જસ્ટિસે આ કેસથી હવે દૂર રહેવું જોઈએ. આ બાબતમાં તેના સામા પક્ષ સાથેના સંબંધો ખુલ્લેઆમ દેખાઈ રહ્યા છે. ત્રણ વર્ષથી તારીખ પે તારીખ મળે છે. મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર સરકાર ચાલી રહી છે. એનસીપી અને શિવસેના જેવી પાર્ટીઓને જે રીતે તોડવામાં આવી તે ખોટું છે. પીએમ મોદી પોતે ગેરકાયદેસર સરકારને બચાવવામાં રસ લઈ રહ્યા છે. સંજય રાઉતે ટ્વિટ પણ કર્યું કે... સંવિધાન કે ઘર કો આગ લગી ઘર કે ચિરાગ સે... 1- ઈવીએમને ક્લિન ચીટ 2- મહારાષ્ટ્રમાં ચાલી રહેલી બંધારણ વિરોધી સરકારની સુનાવણી પર છેલ્લા 3 વર્ષથી તારીખ પે તારીખ. 3- બંગાળ રેપ કેસમાં સુમોટો હસ્તક્ષેપ પણ મહારાષ્ટ્ર રેપકાંડનો ઉલ્લેખ નહીં. 4- દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના જામીન પર તારીખ પે તારીખ. આ બધું કેમ થઈ રહ્યું છે? ક્રોનોલોજી સમજો... ભારત માતા કી જય! શિંદે જૂથને 'અસલી શિવસેના' જાહેર કરવાનો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને પાર્ટીના અન્ય 39 ધારાસભ્યોએ જૂન 2022માં ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો હતો. શિંદેએ ભાજપ સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી અને પોતે મુખ્યમંત્રી બન્યા. શિંદેએ શિવસેના પર પણ પોતાનો દાવો કર્યો હતો. ઉદ્ધવ જૂથનો આરોપ છે કે શિંદેએ ગેરબંધારણીય રીતે સત્તા કબજે કરી હતી. બંને પક્ષોએ એકબીજાના તમામ 54 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી 34 અરજીઓ દાખલ કરી હતી. 16 ફેબ્રુઆરી 2023ના દિવસે ચૂંટણી પંચે શિંદે જૂથનો વાસ્તવિક શિવસેના તરીકે સ્વીકાર કર્યો. શિંદે જૂથને શિવસેનાના નામ અને પ્રતીક (ધનુષ અને તીર)નો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ઉદ્ધવ જૂથે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ કેસ ત્રણ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સંબિત પાત્રાએ કહ્યું, મનમોહનસિંઘ ઈફતાર પાર્ટી રાખતા તો તેમાં પણ CJI આવતા જ વિપક્ષી નેતાઓની ટીકા પર ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, 'વિપક્ષ શું ઈચ્છે છે? વડાપ્રધાન અને CJIએ એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઈએ? શું તેઓને એકબીજા પ્રત્યે સદ્ભાવના ન હોવી જોઈએ? કામ દરમિયાન અલગ વ્યવહાર હોય અને કામ પૂરું કર્યા પછી અલગ વ્યવહાર હોય, આ જ તો લોકશાહીની સુંદરતા છે. PM CJIને મળ્યા તેની સામે વિપક્ષને વાંધો છે. પરંતુ જ્યારે રાહુલ ગાંધી ઈલ્હાન ઉમરને મળે છે ત્યારે તેમને કોઈ વાંધો નથી? પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ ઈફ્તાર પાર્ટીઓ યોજતા હતા. ત્યારે CJI તેમાં હાજર રહેતા હતા. એ કોઈને નહોતું દેખાતું? સંબિત પાત્રાએ જે ઈલ્હાન ઉમરનો ઉલ્લેખ કર્યો છે તે હકીકતમાં સોમાલિયન-અમેરિકન રાજકારણી છે. અમેરિકી સંસદમાં અને યુએસ કોંગ્રેસમાં પહોંચનારી પ્રથમ બે મુસ્લિમ મહિલા ધારાશાસ્ત્રીઓમાંની તે એક છે. ઇલ્હાન ઉમરે ઘણી વખત ભારત વિરોધી વલણ અપનાવ્યું છે. તેણે પીઓકેને પાકિસ્તાનનો હિસ્સો જાહેર કર્યો છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ 10 સપ્ટેમ્બરે તેમને મળ્યા હતા, ત્યારે કેમ કોઈએ વાંધો ન લીધો? એવો સવાલ સંબિત પાત્રાએ કર્યો છે. બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે CJI અને વડાપ્રધાન મળી ન શકે વિશ્લેષકોએ જે એનાલિસિસ કર્યું તેમાં એવું કહ્યું કે, જે લોકો મોદી અને ચંદ્રચૂડની મુલાકાતને ભારતીય લોકશાહી માટે ખતરો માને છે તેમને એ ખબર નથી કે સંવિધાનમાં શું લખ્યું છે. બંધારણમાં ક્યાંય એવું નથી કહેવાયું કે કાર્યપાલિકા અને ન્યાયતંત્રના વડા એકબીજાને મળી શકે નહીં. હકીકતે કોઈપણ સ્વસ્થ લોકશાહી માટે સત્તાનું વિભાજન (સેપ્રેશન ઓફ પાવર) અને સત્તાનો સહકાર (કો-ઓપરેશન ઓફ પાવર) બંનેને અલગ દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. લોકશાહીના આ બે સ્તંભો વચ્ચે એટલું અંતર ન હોવું જોઈએ કે તેમની વચ્ચે દીવાલ બની જાય. બીજી એક વાત.. જો આ બંને છુપાઈને મળ્યા હોત અને તેમની મીટિંગ છૂપાવી હોત તો લોકશાહી માટે ખતરો બની શકે, તે સમજાઈ શકે તેવી વાત છે. પરંતુ અહીં પીએમ મોદી પોતે ટ્વિટ કરીને સામેથી માહિતી આપી છે. ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે. સમજવા જેવી વાત એ છે કે જો બંને ઈચ્છતા હોત તો આ મુલાકાત છુપી રીતે થઈ શકી હોત અને કોઈને ખબર પણ ન પડત. CJI ચંદ્રચૂડે મોદી સરકારને લાલ આંખ બતાવી છે CJI ચંદ્રચૂડે મોદી સરકાર વિરુદ્ધ ઘણા મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે જે ન્યાયિક સ્વતંત્રતા અને સરકારી નીતિઓ પરના તેમના દ્રષ્ટિકોણને વ્યક્ત કરે છે. ઉપરાંત તેમણે ગણી મહત્વની ટિપ્પણીઓ પણ કરેલી છે. છેલ્લે, CJIના ઘરેથી મોદીનું મિશન મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર પોશાક પહેર્યો, મહારાષ્ટ્રીયન ટોપી પહેરી અને મહારાષ્ટ્રીયનોના આરાધ્ય દેવ ગણેશજીની પૂજા કરી. વડાપ્રધાને મરાઠીમાં ટ્વિટ કરીને જાણકારી આપી. ચીફ જસ્ટીસ ચંદ્રચૂડ પણ મહારાષ્ટ્રીયન છે. काही समज़ले का? સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ.... (રિસર્ચ : યશપાલ બક્ષી )
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.