રાજ્યની 53 હજાર આંગણવાડીઓમાં 3.15 લાખથી વધુ વૃક્ષોનું 'એક પેડ માં કે નામ' અભિયાનમાં વાવેતર કરાશે - At This Time

રાજ્યની 53 હજાર આંગણવાડીઓમાં 3.15 લાખથી વધુ વૃક્ષોનું ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં વાવેતર કરાશે


*રાજ્યની 53 હજાર આંગણવાડીઓમાં 3.15 લાખથી વધુ વૃક્ષોનું 'એક પેડ માં કે નામ' અભિયાનમાં વાવેતર કરાશે*
--------------
*આંગણવાડીના ભૂલકાઓમાં નાનપણથી જ પર્યાવરણ જતન-વૃક્ષ ઉછેર અને માવજતના સંસ્કાર સિંચન માટે મુખ્યમંત્રીશ્રી ની પ્રેરણાથી અભિનવ પ્રયોગ
--------------
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની આંગણવાડીમાં બાળકો સાથે વૃક્ષ વાવીને રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો*
--------------
*મહિલા-બાળ કલ્યાણ મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ*
--------------
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 'એક પેડ માં કે નામ' અભિયાન અન્વયે રાજ્યભરની 53,065 આંગણવાડીઓમાં વૃક્ષારોપણના અભિનવ પ્રયોગનો ગાંધીનગર થી આંગણવાડીના બાળકો સાથે વૃક્ષ વાવીને પ્રારંભ કરાવ્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસે દેશવાસીઓને પર્યાવરણ જતન-સંવર્ધનથી અને ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા 'એક પેડ માં કે નામ' વૃક્ષ વાવેતર અને ઉછેરના અભિયાનનું આહવાન કર્યું છે.

દરેક વ્યક્તિ પોતાની માંની સ્મૃતિમાં કે માતાની સાથે મળીને એક વૃક્ષ વાવે અને ધરતી માતાની પર્યાવરણીય રક્ષા કરે તેમજ ગ્રીન કવર વધારે તેવો આશય વડાપ્રધાનશ્રીએ આ અભિયાનમાં રાખેલો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના પર્યાવરણપ્રિય વિચારને સાકાર કરવા ગુજરાતમાં આ અભિયાન અન્વયે આગામી સપ્ટેમ્બર-2024 સુધીમાં 12.20 કરોડ અને માર્ચ-2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

એટલું જ નહિ, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની આંગણવાડીઓના ભૂલકા-બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ જતન તેમજ વૃક્ષપ્રેમ અને વૃક્ષોના ઉછેર, સંવર્ધનની આદત કેળવાય તેવો પર્યાવરણ જતનલક્ષી પ્રેરક અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર મહિલા અને બાળ કલ્યાણ વિભાગને રાજ્યની 53,065 આંગણવાડીમાં આ 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત મોટાપાયે વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી હતી.

તદનુસાર , આ રાજ્યવ્યાપી અભિયાન નો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ગાંધીનગરમાં સેક્ટર-3Aન્યૂની આંગણવાડીમાં બાળકો સાથે વૃક્ષારોપણ કરીને કરાવ્યો હતો.

આ અભિયાનમાં સમગ્ર રાજ્યની આંગણવાડીઓમાં કુલ મળીને 3.15 લાખથી વધુ વૃક્ષો 'એક પેડ માં કે નામ' અંતર્ગત વાવવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આંગણવાડીના ભૂલકાઓ સાથે સ્નેહસભર વાર્તાલાપ કર્યો હતો. તેમને ફળ-છોડ ના રોપાઓનું વિતરણ પણ કર્યું હતું અને ટેક હોમ રાશનમાંથી બનાવેલી વાનગીઓનું નિર્દશન નિહાળ્યું હતું.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન, તેમજ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સહિત વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી મેયરશ્રી અને મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, અગ્રણીઓ તથા સેક્ટરના વસાહતીઓ અને મહિલા બાળ કલ્યાણ સચિવશ્રી નિરાલા, કમિશનર શ્રી રણજીત કુમાર, નિયામક શ્રીમતી કુમુદ બેન તેમજ શહેર-જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
--------------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.