પેટ્રોલપંપ, જીમ, શો-રૂમ સહિત ૧૪ મિલકત સીલ
મારૂતિ સૂઝુકી શો-રૂમ, નાનામવા રોડ પર એન.ડી.ફિટનેસ જીમ, હોલી કિડ્સ સ્કૂલનો ચોથો માળ, આર્શીવાદ-પ્રગતિ સ્કૂલ, હોટેલ નોવાને બંધ કરાવાયા
આગની દૂર્ઘટના બાદ સફાળી જાગી ઉઠેલી મહાપાલિકા દ્વારા ધડાધડ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. નવનિયુક્ત મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા એનઓસી વગર ધમધમતાં સંકુલોને તાત્કાલિક સીલ મારવાનો આદેશ આપ્યાના બીજા જ દિવસે પેટ્રોલપંપ, જીમ, શો-રૂમ સહિત ૧૪ મિલકતોને સીલ લગાવી દેવાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી બાજુ મ્યુનિ.કમિશનર પોતે ફિલ્ડમાં ઉતર્યા હતા અને સ્ટાફ પાસે સજ્જડ કાર્યવાહી કરાવી હતી.
મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૪માં કૂવાડવા રોડ પર ભારત પેટ્રોલ પંપ, આન પેટ્રોલ પંપ, જીઓ પેટ્રોલ પંપ અને હોટેલ નોવા, વોર્ડ નં.૧માં મારૂતિ સુઝીકીનો પરફેક્ટ ઓટો શો-રૂમ, વોર્ડ નં.૧૧માં નાનામવા રોડ પર એન.ડી.ફિટનેસ જીમ, વોર્ડ નં.૮માં હોલી કિડસ સ્કૂલનો ચોથો માળ, વોર્ડ નં.૩માં રેલનગર રોડ પર આવેલી આશીર્વાદ સ્કૂલ, પ્રગતિ સ્કૂલ, વોર્ડ નં.૧૦માં કે-૭ એકેડેમી, વોર્ડ નં.૧૮માં પાલવ સ્કૂલ, જ્ઞાનગંગા સ્કૂલ, વોર્ડ નં.૬માં પેડક રોડ પર અક્ષર પ્લા કોમ્પલેક્સ તેમજ પી એન્ડ બી કિડસ ઝોન પાસે એનઓસી ન હોવાથી સીલ મારી દેવાયું હતું.
મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટી સરળતા માટે ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખા તેમજ ટાઉન પ્લાનિંગ શાખામાં ફરજ બજાવતાં તમામ અધિકારી-કર્મચારીઓની રજા રદ્દ કરી છે અને જો કોઈ અધિકારી કે કર્મચારી રજા પર હોય તો તાત્કાલિક અસરથી હાજર થવા હુકમ ફરમાવ્યો હોવાનું જાહેર કરાયું છે.
મ્યુનિસિપલ કમિશનરે સ્ટાફને એવો સ્પષ્ટ આદેશ પણ આપ્યો હતો કે બાંધકામ વપરાશ (બીયુ) પરમીશન આપ્યા બાદ મનપાનું કામ પૂર્ણ ન થઈ જતું હોવાથી સમયાંતરે સ્થળ ચકાસણી કરીને ખરાઈ કરવાની રહેશે. બીયુ પરવાનગી મળવાપાત્ર હોય તેવા કિસ્સામાં ૧૪ દિવસમાં બાંધકામ વપરાશની પરવાનગી મેળવી રજૂ કરવા જાણ કરવી અને જો તેમ ન કરવામાં આવે તો મિલકતનો ઉપયોગ બંધ કરાવવાનો રહેશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.