રાજકોટમાં સહકાર રાજયમંત્રીની અધ્યક્ષતામાં “સહકારથી સમૃદ્ધિ” અંગેની સમીક્ષા બેઠક યોજાઈ.
રાજકોટ શહેર તા.૨૬/૭/૨૦૨૪ ના રોજ રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આજે રાજકોટમાં "સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠક" યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ અને મોરબી જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ, સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને સંબોધતા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશના સહકારી માળખાને પારદર્શક અને સશક્ત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૬ જુલાઈ ૨૦૨૧ના રોજ અલગથી જ કેન્દ્રીય સહકારિતા મંત્રાલય બનાવ્યું હતું અને અમિતભાઈ શાહને દેશના પ્રથમ સહકારિતા મંત્રી બનાવ્યા હતા. એ પછી અમિતભાઈએ સહકારી માળખાને મજબૂત અને પારદર્શી બનાવવા ૫૪ જેટલા ઈનિશિએટિવ્સ લીધા છે અને તાલુકા સ્તર સુધી પહોંચાડ્યા છે. મંત્રીએ કહ્યું હતું કે, પેક્સ (પ્રાયમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટી પ્રાથમિક ખેત ધીરાણ સોસાયટી) માટે મોડેલ બાયલોઝ સ્વીકારવામાં આવ્યા છે. પેક્સને કમ્પ્યુટરાઈઝ કરાઈ છે, તેમજ પેક્સ માટે નવા ૧૭ આયામો ઉમેરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પેક્સના માધ્યમથી ખેત જણસીઓની નિકાસ પણ થઈ શકશે અને નિકાસથી મળતો ભાવવધારાનો નફો ખેતમંડળીને વહેંચાશે અને ખેડૂતો વધુ સમૃદ્ધ થશે. આમ પેક્સના માધ્યમથી ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ તકે મંત્રીએ ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં "સહકારથી સમૃદ્ધિ"ના અનુભવો પણ વહેંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "સહકારથી સમૃદ્ધિ"ની પહેલથી અનેક મંડળીઓ અને સરવાળે ખેડૂતો, ગામ લોકો સમૃદ્ધ થઈ રહ્યા છે. આ તકે તેમણે માઈક્રો એ.ટી.એમ. ના ફાયદા ઉદાહરણ સાથે સમજાવ્યા હતા અને કહ્યું હતું કે, તેનાથી સ્થાનિક યુવાનોને રોજગારી મળશે. આ બેઠકમાં સહકાર સચિવ સંદીપકુમારે કહ્યું હતું કે, "સહકારથી સમૃદ્ધિ" અંતર્ગત બે મહત્ત્વનાં પગલાં ભરવામાં આવ્યાં છે. જેમાં જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓ એકબીજાને મદદ કરે, જેનાથી તમામ સંસ્થાઓનો વિકાસ થાય અને મજબૂત બને. જે અંતર્ગત તમામ સહકારી સંસ્થાના સભાસદો, કોન્ટ્રાક્ટર્સ, વેપારીઓ, સહાભાગીઓના નાણાકીય વ્યવહારો સહકારી બેન્ક થકી થાય. જ્યારે બીજું છે, પેક્સનું સશક્તિકરણ. પેક્સ ૧૭ જેટલી આર્થિક પ્રવૃત્તિઓ કરી શકે તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના પ્રારંભે જેતપુરના ધારાસભ્ય તથા આર.ડી.સી. બેન્કના ચેરમેન જયેશભાઈ રાદડીયાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી આર.ડી.સી. બેન્કની પ્રગતિનો અહેવાલ આપ્યો હતો. ગુજરાત રાજ્ય સહકારી બેન્કના ચેરમેન અજય પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જ્યારે રાજકોટ જિલ્લા સહકારી બેન્કના વાઈસ ચેરમેન મગન વળાવીયાએ આભારવિધિ કરી હતી. આ બેઠકમાં ધારાસભ્યો ડૉ.દર્શિતાબહેન શાહ, દુર્લભજીભાઈ દેથરિયા, અગ્રણી અલ્પેશ ઢોલરિયા, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના શામળજી પટેલ, રાજકોટ જિલ્લા સહકારી બેન્કના જનરલ મેનેજર વી.એમ.સખીયા, જિલ્લા તથા તાલુકાની સહકારી મંડળીઓ, સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.