પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી*
*ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ભોળાનાથનું પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી*
*તરણેતર લોકમેળાના બીજા દિવસે પાળિયાદના પૂજય વિસામણ બાપુની જગ્યાના મહંત પ.પૂ. નિર્મળાબાના હસ્તે ધ્વજારોહણ*
સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ભાદરવા સુદ ત્રીજના દિવસથી આરંભાયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા તરણેતરના ભાતીગળ લોકમેળાના બીજા દિવસે ગણેશ ચર્તુથીના પવિત્ર દિને સવારે ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત પ.પૂ. નિર્મળાબા દ્વારા ધ્વજાનું પૂજન-અર્ચન કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મહંત પ.પૂ. નિર્મળાબાએ વર્ષોથી ચાલી આવતી ધ્વજારોહણની પરંપરા અંગે જાણકારી આપી આશિવર્ચન પાઠવ્યા હતા.
ધ્વજારોહણના આ પ્રસંગે ધાર્મિક જગ્યાના સંતો, મહંતો અને સમાજ અગ્રણીશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ આજે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વ વિખ્યાત તરણેતર મેળાની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ પશુ પ્રદર્શનની મુલાકાત લીધા બાદ તરણેતરના ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે મંત્રીશ્રીએ ભોળાનાથનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કરતા પ્રજાજનોની જનસુખાકારીની પ્રાર્થના કરી હતી.
નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ, લિંબડી ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા, ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, દસાડા ધારાસભ્યશ્રી પી.કે.પરમાર સહિતના મહાનુભાવોએ પણ મંત્રીશ્રીની સાથે ભગવાન શિવના દર્શનનો લાભ મેળવ્યો હતો. આજે મેળામાં પધારેલા પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે ૧૦૦ મીટર દોડ તથા ગોળા ફેંકના વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ તકે મોટાભાગે ફિલ્મો તથા વિદેશોમાં જોવા મળતી ફેન્સિંગ (તલવાર સ્પર્ધાને મળતી આવતી રમત)નું પણ રાષ્ટ્રીય સ્તરે વિજેતા ખેલાડીઓએ નિદર્શન કર્યું હતું. જેને ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું.
આ તકે ખેલાડીઓને બિરદાવતા મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, આ ગ્રામીણ ઓલિમ્પિકની સ્પર્ધાઓમાં ભાગ લેનારા તમામને અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૪થી તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ લોકમેળામાં આ પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા યોજવાનું નક્કી કર્યું હતું. એ પછી વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભ જેવી અનેક યોજના અમલી બનાવી, રમત-ગમત માટે ખાસ બજેટ ફાળવી, જિલ્લે-જિલ્લે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ શરૂ કરાવીને રમત-ગમતને પ્રોત્સાહન આપ્યું છે. જેના કારણે ગ્રામીણ ખેલાડીઓને રમત ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે મોટું મંચ મળ્યું છે અને આપણા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેતા થયા છે. આ લોકમેળામાં ગ્રામીણ રમત-ગમત ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના વિવિધ કાર્યક્રમ યોજાય છે અને અનેક લોકો આ મેળામાં મહાલવા આવે છે. વિદેશીઓ પણ આ ભાતીગળ મેળામાં આવીને આપણી લોક સંસ્કૃતિથી પરિચિત થાય છે. તેમણે ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, તાલીમી આઈ.એ.એસ.શ્રી હિરેન બારોટ, ચોટીલા પ્રાંત અધિકારીશ્રી પ્રિયાંક ગળચર, અગ્રણી સર્વશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શંકરભાઈ વેગડ, દિલીપભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ જયેશભાઇ મોરી થાનગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.