વીંછિયા અને ધોરાજીમાં આશાવર્કર બહેનો પેન્ડિંગ માગણીઓ મામલે આકરાપાણીએ - At This Time

વીંછિયા અને ધોરાજીમાં આશાવર્કર બહેનો પેન્ડિંગ માગણીઓ મામલે આકરાપાણીએ


નાયબ મામલતદારને આવેદન પાઠવી પગાર વધારા સહિતના પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરી

વીંછિયા તાલુકાના આશા વર્કર બહેનો અને આશા ફેસિલીટેટર બહેનો વીંછિયા તાલુકા સેવાસદન સ્થિત મામલતદાર કચેરીએ એકઠા થયા હતા. પરંતુ મામલતદાર સરકારી મીટીંગમાં ઉપસ્થિત હોઈ તમામ બહેનોએ નાયબ મામલતદાર રઘુવિરસિંહ પઢિયારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જે આવેદનપત્રમાં કરાયેલી રજૂઆત મુજબ વર્ષ 2005થી જોડાયેલા આશા બહેનોને કમસે કમ લઘુતમ વેતન જેટલો પગાર વધારો કરવો, ફીક્સ પગારદાર બનાવી કાયમી કરવા, ફરજનો ફીક્સ સમય નક્કી કરવામાં આવે સહિતની માગણીઓ મુદ્દે આક્રમક રજૂઆત કરવામાં આવી હતી અને વધુમાં જણાવ્યું હતું કે,સરકાર દ્વારા પ્રજાની આરોગ્યલક્ષી દરેક યોજનાની કામગીરીને સુપેરે પાર પાડવામાં મહત્વનો ભાગ ભજવતા આશાવર્કર અને ફેસિલીટેટર બહેનોને મહેનતના પ્રમાણમાં માત્ર નજીવી રકમ ચૂકવવામાં આવે છે. તેની જગ્યાએ અન્ય રાજ્યોની જેમ કમસે કમ લઘુતમ વેતન ચુકવવામાં આવે,ઈન્સેન્ટિવના ચુકવણા સમયસર કરવામાં આવે એવી વ્યથા ઠાલવી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયનના તમામ આશા બહેનોએ એક સુરે ઉપરોક્ત તમામ માંગણીઓ ઉપર યોગ્ય કરવા માગણી કરવામાં આવી હતી. બીજી તરફ ધોરાજીમાં પણ આશા બહેનોએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી તેઓના પગાર વધારા સહિતના પ્રશ્નો અધ્ધરતાલ લટકી રહ્યા છે. સરકાર દ્વારા તેઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકારના જીઆરમાં લખાયેલા નિયમ કરતા વધુ કલાકોનું કામ તેઓ પાસેથી લેવાય છે. પગાર વધારો કર્મચારીઓને કાયમી કરવા સહિતના પ્રશ્નો હલ કરવાની લાંબા સમયની માગણીનો કોઇ જ ઉકેલ લવાતો નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.