આજથી થોભી જશે મિઝોરમની લાઈફલાઈન:જમીન ગુમાવવાના ડરે ક્રોધિત ખેડૂતો એકમાત્ર હાઈવે બંધ કરે છે - At This Time

આજથી થોભી જશે મિઝોરમની લાઈફલાઈન:જમીન ગુમાવવાના ડરે ક્રોધિત ખેડૂતો એકમાત્ર હાઈવે બંધ કરે છે


મિઝોરમની લાઈફલાઈન, સિલચર-આઈઝોલ હાઈવે આજથી સંપૂર્ણપણે બંધ થવાનો છે. કોલાસિબ જિલ્લાના માલિકોએ બુધવારથી આ હાઈવેનું અનિશ્ચિત મુદ્દત માટે નાકાબંધીનું એલાન કર્યું છે. આ નાકાબંધીનું કારણ જમીન પર માલિકીના હક સાથે જોડાયેલો વિવાદ છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે તેમની જમીનનું કોઈ જ યોગ્ય વળતર આપ્યા વિના સંરક્ષિત વન વિસ્તાર જાહેર કરી છે, જેથી તેમની આજીવિકા જોખમમાં મુકાઈ છે. કોલાસિબ જિલ્લાના જમીનમાલિકોનું કહેવું છે કે તેઓ ઘણા દાયકાઓથી હાઈવેની બાજુમાં આવેલી જમીન પર રહે છે અને દુકાન ચલાવે છે. પણ રાજ્ય સરકારે આ જમીનને વૈરંગટે-સાયરાંગ રોડ સાથે સંરક્ષિત વન વિસ્તાર જાહેર કર્યો, જેથી ખેડૂતોને વળતર મળવાની શકયતા ખતમ થઈ ગઈ. ખેડૂતોનો દાવો છે કે રાજ્ય સરકારે ફોરલેન માર્ગ નિર્માણ માટે કેન્દ્ર સરકાર પાસેથી ભારે વળતર લેવા આ પગલું ભર્યું છે. જીવનરેખા પર સંકટ: નાકાબંધીથી રાજ્યનો 90% પુરવઠો, જેમાં પેટ્રોલિયમ પદાર્થ, અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓ સામેલ છે જે સંપૂર્ણપણે અટકી જશે. આ હાઈવે આસામના સિલચરને મિઝોરમની રાજધાની આઈઝોલ સાથે જોડે છે, જે રાજ્યની જરૂરી વસ્તુઓના વહન માટેનો મુખ્ય માર્ગ છે. ટ્રાન્સપોર્ટરોએ પહેલાથી જ રસ્તાની ખરાબ સ્થિતિને કારણે ત્રણ દિવસ સુધી હડતાલ કરી હતી અને હવે નાકાબંધીએ રાજ્ય સામે નવું જોખમ ઊભું કરી દીધું છે. આ નાકાબંધી જો લાંબી ચાલી તો પેટ્રોલિયમ અને અન્ય જરૂરી વસ્તુઓની ભારે અછત થઈ શકે છે. રાજ્યના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ઉપભોક્તા મંત્રી બી. લાલછન જોવાએ કહ્યું કે સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. જમીનમાલિકો સાથે વાતચીત કરી ઉકેલ લાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. શું છે ખેડૂતોની માગણી?
કોલાસિબના 1786 ખેડૂત અને જમીનમાલિક તેમની જમીનના બદલામાં યોગ્ય વળતરની માગણી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકારે ચર્ચા કર્યા વિના અમારી જમીનને સંરક્ષિત વન ક્ષેત્ર જાહેર કરી દીધી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.