બાળ વિકાસ વિભાગના મંત્રી વડોદરાના હોવા છતાં કુપોષિત બાળકોને સુપોષિત કરવાના અભિયાનમાં દુર્લક્ષ
- ભાજપ ડોક્ટર સેલ દ્વારા બાળકોના મેડિકલ ચેકઅપ કેમ્પમાં કુપોષિત બાળકોની વિગતો બહાર આવતા ભાજપ કારોબારીમાં ગંભીર નોંધ લેવાઈ: દત્તક લીધેલા કુપોષિત બાળકોને કોઈ મળવા જતું નથીવડોદરા,તા.30 જુલાઈ 2022,શનિવારકુપોષિત બાળકોને સુપોષિત બનાવવાના અભિયાનમાં વડોદરામાં દુર્લક્ષ સેવવામાં આવ્યું છે તેવી માહિતી તાજેતરમાં બાળકોના મેડિકલ ચેકઅપ કેમ્પ બાદ બહાર આવી છે ત્યારે રાજ્ય સરકારમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી વડોદરાના હોવા છતાં આ કામગીરીમાં સકારાત્મક કામગીરી થઈ નથી જે અંગેની ગંભીર નોંધ તાજેતરમાં વડોદરા ભારતીય જનતા પાર્ટી ની કારોબારીની મળેલી બેઠકમાં લેવામાં આવી હોવાનું જાણવા મળે છે. વડોદરા ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ દ્વારા બાળકોનો મેડિકલ ચેકઅપ કેમ્પ તારીખ 17 મી એ રાખ્યો હતો તેમાં કુપોષિત બાળકો વધુ હોવાનું જણાઈ આવ્યું હતું જે અંગે શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખના જન્મદિવસ નિમિત્તે વડોદરા ના કુપોષિત બાળકોને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પક્ષના હોદ્દેદારો એ દત્તક લીધા હતા તેને બે વર્ષનો સમય થઈ ગયો છે ત્યારે દત્તક લીધેલા બાળકો ને કોઈ મળવા જતા નથી.પ્રદેશ પ્રમુખ કે શહેર ભાજપ સમિતિ પૌષ્ટિક આહાર ની કીટ આપે ત્યારે તે બાળકોને આપવા જાવ છો બાકી કોઈ કુપોષિત બાળકને મળવા જતા નથી. શહેર ભાજપ પ્રમુખે ડોક્ટર સેલ દ્વારા બાળકોના મેડિકલ ચેકઅપ કેમ્પ નો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે કુપોષિત બાળકોને સુપોષિત કરવાના અભિયાનમાં સકારાત્મક પરિણામ મળ્યા નથી તેમણે એમ પણ ઉમેર્યું હતું કે કોર્પોરેટરો પક્ષના કાર્યક્રમોમાં હાજરી આપે છે પરંતુ કોર્પોરેશનના કાર્યક્રમોમાં જતા નથી આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોર્પોરેટરો અને વોર્ડ કક્ષાના કાર્યકર્તાઓમાં સંકલન નો અભાવ જોવા મળી રહ્યો છે તેને લીધે કોર્પોરેશન અને રાજ્ય સરકારની ગ્રાન્ટનો મનસ્વી રીતે ઉપયોગ થઈ રહ્યો છે જેથી કોર્પોરેટર અને કોર્પોરેટર વચ્ચે તેમ જ વોર્ડના કાર્યકરો ને સાથે રાખી ગ્રાન્ટ અંગે જે અગત્યના પ્રજા લક્ષી કાર્યો હોય તેને પ્રાધાન્ય આપવું જરૂરી છે. વડોદરા કોર્પોરેશન વિશે શહેર પ્રમુખે ચર્ચા કરતા જણાવ્યું કે કોર્પોરેશનમાં સમગ્ર સભા મળે છે તે અગાઉ મહિનાના પહેલા બુધવારે ભાજપ ના કોર્પોરેટરોની એક સંકલન સમિતિ મળશે જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા પણ કરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.