કેબિનેટ મંત્રીશ્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકા પંચાયત ભવનનો ભૂમિપુજન કાર્યક્રમ યોજાયો*
*કેબિનેટ મંત્રીશ્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકા પંચાયત ભવનનો ભૂમિપુજન કાર્યક્રમ યોજાયો*
----------
*અંદાજે રૂ. ૩ કરોડ ૧૦ લાખના ખર્ચે તૈયાર થનાર ભવનમાં હશે મિટિગ રૂમ, કોન્ફરન્સ હોલ, જન સેવા કેન્દ્ર સહિતની અત્યાધુનિક સુવિધાઓ*
----------
*‘આપણો તાલુકો, વાઈબ્રન્ટ તાલુકો’, ઓનલાઈન અરજી સહિતના અપડેશનથી ગ્રામ્ય સ્તરે પણ લોકલક્ષી સુવિધાઓ મળતી થઈ છે*
*: કેબિનેટ મંત્રીશ્રી મૂળુભાઈ બેરા*
----------
*પ્રધાનમંત્રી આવાસયોજનામાં સારી કામગીરી કરનાર કર્મચારીને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા*
----------
*ગીર સોમનાથ,તા.૦૨:* ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળ ખાતે કે.સી.સી. મેદાનની બાજુમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકા પંચાયત ભવનનો ભૂમિપુજન કાર્યક્રમ યોજાયો હતો. અંદાજે રૂ. ૩ કરોડ ૧૦ લાખના ખર્ચે તૈયાર થનાર ભવન મિટિગ રૂમ, કોન્ફરન્સ હોલ, જન સેવા કેન્દ્ર સહિતની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. આ તકે પ્રધાનમંત્રી આવાસયોજનામાં સારી કામગીરી કરનાર કર્મચારીશ્રીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતાં.
આ તકે મંત્રીશ્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતોના માળખાને સંગીન બનાવવા અને જરૂરી માળખાકીય સુવિધાઓ સાથે કાર્યપદ્ધતિ અસરકારક બનાવવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. કચેરીનું મકાન જૂનું જર્જરિત હોય અને નવું મકાન બાંધવું હોય તેવી જિલ્લા તેમજ તાલુકા પંચાયતને અનુદાન મંજુર કરવાની જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ૧૧ માસની મુદતમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે. જેથી તાલુકા પંચાયતના હોદ્દેદારો સહિત ગ્રામજનોને પણ સુવિધાઓ પ્રાપ્ત થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદ્રષ્ટિ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતના વિકાસની ગતિ વધી છે અને ‘આપણો તાલુકો, વાઈબ્રન્ટ તાલુકો’, ઓનલાઈન અરજી સહિતના અપડેશનથી ગ્રામ્ય સ્તરે પણ અનેક જાતની સુવિધાઓ મળતી થઈ છે. આ પ્રમાણે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે.
વેરાવળ ખાતે નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીનું બિલ્ડીંગ કે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો માળ એમ બે માળનું બાંધકામ કરવામાં આવશે. જેનો કુલ બિલ્ટ અપ એરિયા ૧૨૨૫.૦૦ ચો.મી છે. જેમાં પ્રમુખશ્રી, વિવિધ સમિતીના ચેરમેનશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા તાલુકા પંચાયતનાં તમામ વહીવટી સ્ટાફની ચેમ્બરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મિટિગ રૂમ, કોન્ફરન્સ હોલ, જન સેવા કેન્દ્ર, તેમજ આવતા મુલાકાતીઓની બેઠક વ્યવસ્થા માટે અલાયદા વેઈટીંગ રૂમ તેમજ મુલાકાતીઓ માટે વિશાળ પાર્કિંગની અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
ઉપરાંત ગ્રીન બિલ્ડિંગનાં હેતુને આવરી લેવા માટે વોટર હાર્વેસ્ટીંગ,સોલાર રૂફ ટોપ અને ફાઈર ફાઈટીંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. બિલ્ડીંગની ફરતે કમ્પાઉન્ડ વોલ તથા બિલ્ડીંગ આગળ તેમજ પાછળની બાજુ પહોળા આર.સી.સી રસ્તાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. તથા લેન્ડસ્કેપિંગમાં લૉન તથા વૃક્ષો લગાવવાનું આયોજન છે.
આ તકે, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સરમણભાઈ સોલંકીએ શાબ્દિક અભિવાદન કર્યુ હતું. જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા અને સાંસદશ્રી રાજેશભાઈ ચૂડાસમાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી જશાભાઈ બારડ, પૂર્વ બીજ નિગમ ચેરમેન શ્રી રાજશીભાઈ જોટવા, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી, જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પલ્લવીબહેન બારૈયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી એજાજ રાજપૂરા, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, વિક્રમભાઈ પટાટ, માનસિંહભાઈ પરમાર તેમજ તાલુકા પંચાયતના સભ્યો, આગેવાનો અને બહોળી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.