મહેસાણા નગરપાલિકા દ્વારા ખારી નદીનો ગંદવાડ ઉલેચવાનું શરૃ કરાયું
મહેસાણા,
તા.13મહેસાણા શહેરના છેવાડા પર આવેલી ખારી નદી હાલમાં ગંદકીના
ઉકરડા જેવી બની ગઈ છે. શહેરભરનો ગંદવાડ ખારી નદીમાં ઠલવાતો રહ્યો છે. જેની સફાઈ
કરવા માટે આજથી મહેસાણા પાલિકા દ્વારા શ્રીગણેશ કરવામાં આવ્યાં હતા. સાંજ સુધીમાં
પાલિકાના સ્ટાફે બે જેસીબી મશીન મારફતે પંદરેક જેટલાં ટ્રેક્ટર જેટલી ગંદકી દૂર
કરવામાં આવી હોવાનું વર્તુળોએ જણાવ્યું હતુ.
મહેસાણા શહેરના સીમાડા પરથી પસાર થતી ખારી નદી ગંદકીના અને
જળકુંભી વેલ-જંગલી વેલ ઊગી નીકળવાના લીધે ગંદવાડ સંગ્રહતી નદી બની ગઈ છે. વરસોથી આ
ખારી નદીમાં શહેર આખાનો ગંદવાડ ઠાલવવામાં આવે છે. નદીમાં પાણી જંગલી વેલના લીધે
શોષાઈ ગયા છે. દરમિયાનમાં મહેસાણા નગરપાલિકા દ્વારા આજથી સેનેટરી શાખા, બાંધકામ શાખાના
સ્ટાફ દ્વારા ખારી નદીની સફાઈની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો. ઢળતી સાંજ
સુધીમાં પાલિકાની ટીમ દ્વારા બે જેસીબી મશીન મારફતે પંદરેક જેટલાં ટ્રેક્ટર ભરીને
કચરો બહાર કાઢવામાં આવ્યો હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતુ. પાલિકા દ્વારા સ્થાનિક સાંઈબાબા મંદિર તરફની
ખારી નદીથી સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું હતુ. જે સફાઈની કામગીરી શરૃ રાખીને
સંપૂર્ણ ખારી નદીના ગંદવાડને ઉલેચવામાં આવનાર હોવાનું બાંધકામ શાખાના ઈજનેર જતીન
પટેલે જણાવ્યું હતુ. તેમના જણાવ્યા મુજબ ખારી નદીની સફાઈની કામગીરી તબક્કાવાર
કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.