અમારા વિસ્તારમાં રિક્ષા ચલાવવી નહી કહી રિક્ષાચાલક પર 10 શખ્સોનો છરીથી હુમલો - At This Time

અમારા વિસ્તારમાં રિક્ષા ચલાવવી નહી કહી રિક્ષાચાલક પર 10 શખ્સોનો છરીથી હુમલો


શહેરમાં લુખ્ખાઓ બે-લગામ થયા છે જાણે કે પોલીસનો કોઈ ભય જ ન રહ્યો હોય તેમ છરી, ધોકા, પાઈપથી છાશવારે હુમલા કરી દેતા હોય છે. ત્યારે આજે સવારે ઈન્દીરાસર્કલ પાસે રિક્ષા ચલાવવા મામલે રિક્ષાચાલક પર પિતા-પુત્ર સહિત 10 શખ્સોએ હુમલો કરી છરીના બે ઘા ઝીંકી દેતા રિક્ષાચાલકને લોહીલોહાણ હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા યુનિ. પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા બાલાભાઈ દેવાભાઈ બોરીયા (ઉ.28) રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે સવારે 10 વાગ્યે પોતે રિક્ષા લઈ ઈન્દીરા સર્કલ પાસે મુસાફરોની રાહ જોઈ ઉભા હતા ત્યારે ધસી આવેલા રિક્ષા ચાલક સુમીત ગોહીલે અમારા વિસ્તારમાં કેમ રિક્ષા ચલાવે છે કહી ઝઘડો કર્યો હતો.
બાદમાં આરોપીએ ફોન કરતા તેના પિતા નિતીન ગોહીલ અને અન્ય આઠેક શખ્સો ધસી આવ્યા હતા અને મારામારી કરી રિક્ષાચાલકને છરીના બે ઘા ઝીંકી દેતા હાથમાં અને પડખામાં ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં આરોપીઓ હુમલો કરી નાસી છુટયા હતા. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને લોહીલોહાણ હાલતમાં સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે જાણ થતા યુનિ.પોલીસ મથકના પીઆઈ એમ.જી.વસાવા સહિતનો સ્ટાફ હોસ્પીટલે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તનું નિવેદન નોંધી આરોપીઓ સામે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં ઈજાગ્રસ્તે જણાવ્યું હતું કે પંદર દિવસ પહેલા પણ આરોપી સુમીતે આકાશવાણી ચોકમાં તેઓ રિક્ષા લઈને જતા હતા ત્યારે પાછળથી વારંવાર હોર્ન વગાડી બાદમાં પેસેન્જર ભરવા મામલે ઝઘડો કર્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.