સંસદમાં મનમોહન સિંહની એ શાયરી:સુષમાજી હસવાનું રોકી ના શક્યાં, પ્રેસ-કોન્ફરન્સ કરનાર છેલ્લા PM; VIDEOમાં ડો. સિંહના 9 કિસ્સા
હજારો જવાબોં સે અચ્છી હૈ મેરી ખામોશી... 27 ઓગસ્ટ 2012ના રોજ સંસદમાં આ શેર કહેનાર મનમોહન હંમેશ માટે ખામોશ થઈ ગયા. ભૂતપૂર્વ વડાપ્રધાન પદ્મ વિભૂષણ ડૉ. મનમોહન સિંહે 26 ડિસેમ્બરે દિલ્હી એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. હંમેશાં વાદળી પાઘડી પહેરતા મનમોહને 22 મે, 2004ના રોજ ભારતના 14મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમને એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર કહેવામાં આવ્યા, પરંતુ મનમોહને માત્ર 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો. એટલું જ નહિ, પણ ફરી સરકારમાં પાછા ફર્યા. કુશળ અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહ જ્યારે રાજકારણી બન્યા ત્યારે તેમના વ્યક્તિત્વનાં ઘણાં અદૃશ્ય પાસાં સામે આવ્યાં. નીચે વાંચો અને જુઓ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ સાથે સંબંધિત ખાસ પળો. તમે તેમનો વીડિયો જોવા માટે ઉપરની ઈમેજ પર ક્લિક કરી શકો છો. 23 માર્ચ, 2011: સુષમા સ્વરાજ સાથે સંસદમાં શેર-શાયરીથી રમઝટ બોલાવી લોકસભામાં વોટના બદલામાં ચલણી નોટોનો મુદ્દો ચર્ચામાં હતો. તત્કાલીન વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ વિપક્ષના સવાલોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન વિપક્ષનાં નેતા સુષમાએ તેમના પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું - તું ઈધર ઉધર કી ન બાત કર, યે બતા કે કારવાં ક્યોં લૂટા, મુઝે રહજનો સે ગિલા નહીં, તેરી રહબરી કા સવાલ હૈ। આના જવાબમાં મનમોહન સિંહે કહ્યું હતું - માના કે તેરી દીદ કે કાબિલ નહીં હૂં મૈં, તુ મેરા શોક તો દેખ, મેરા ઈંતજાર તો દેખ.’ મનમોહન સિંહના આ જવાબ પર શાસક પક્ષે લાંબા સમય સુધી ટેબલ થપથપાવ્યું, જ્યારે વિપક્ષ મૌન રહ્યો હતો. 27 ઓગસ્ટ 2012: સંસદની બહાર કહ્યું- હજારો જવાબો કરતાં મારું મૌન સારું... સંસદનું સત્ર ચાલી રહ્યું હતું. મનમોહન સરકાર પર કોલ બ્લોક ફાળવણીમાં ભ્રષ્ટાચારનો આરોપ હતો. ત્યારે મનમોહન સિંહે કહ્યું હતું કે કોલ બ્લોક ફાળવણી અંગે CAGના રિપોર્ટમાં કરવામાં આવેલી ગેરરીતિઓના આરોપો તથ્યો પર આધારિત નથી અને સંપૂર્ણ પાયાવિહોણા છે. લોકસભામાં પોતાનું નિવેદન આપ્યા બાદ તેમણે સંસદ ભવન બહાર મીડિયાને પણ નિવેદન આપ્યું હતું. તેમના 'મૌન' પર તેમને ટોણો મારનારાઓને જવાબ આપતાં તેમણે આ શેર સંભળાવ્યો, ‘હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને સવાલોં કી આબરૂ રખી’. 27 સપ્ટેમ્બર 2013: યુએસ પ્રમુખ બરાક ઓબામા સાથે મુલાકાત વર્ષ 2010 ટોરોન્ટોમાં જી-20 સમિટ હતી, જેમાં ઓબામાએ તેમની દ્વિપક્ષીય બેઠક પહેલાં મનમોહન સિંહની પ્રશંસા કરી હતી. ઓબામાએ કહ્યું હતું- હું તમને કહી શકું છું કે અહીં G-20માં જ્યારે વડાપ્રધાન બોલે છે ત્યારે લોકો સાંભળે છે. આ એટલા માટે છે, કારણ કે તેમને આર્થિક બાબતોની ઊંડી જાણકારી છે. વિશ્વ શક્તિ તરીકે ભારતના ઉદભવને બારીકાઈથી જાણે છે.. આ પછી 27 સપ્ટેમ્બર 2013ના રોજ મનમોહન સિંહ અને તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં મળ્યા હતા. આ અંગે બરાક ઓબામાએ કહ્યું હતું - વડાપ્રધાન સિંહ તમામ ક્ષેત્રોમાં ઉત્તમ ભાગીદાર છે. જ્યારે બરાક ઓબામાએ તેમના રાજકીય પ્રવાસ પર પુસ્તક 'એ પ્રોમિસ્ડ લેન્ડ' લખ્યું હતું, એમાં તેમણે નવેમ્બર 2010માં તેમની ભારત મુલાકાતનો લગભગ 1400 શબ્દોમાં ઉલ્લેખ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન હતા. ઓબામાએ લખ્યું હતું - મનમોહન સિંહ એક વયોવૃદ્ધ શીખ નેતા હતા, જેમનો રાષ્ટ્રીય રાજકીય આધાર નહોતો. તેમને આવા નેતાથી તેના 40 વર્ષીય પુત્ર રાહુલ માટે કોઈ રાજકીય ખતરો દેખાતો નહોતો, કારણ કે એ સમયે તેઓ તેમને મોટી ભૂમિકા માટે તૈયાર કરી રહ્યા હતા. સપ્ટેમ્બર 2013: મનમોહન સિંહે પૂછ્યું- મારે રાજીનામું આપવું જોઈએ? જુલાઈ 2013માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો કોઈપણ કેસમાં કોર્ટ દ્વારા તેઓ દોષિત ઠરશે તો સાંસદો અને ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવામાં આવશે. કોર્ટના આ નિર્ણયને પલટાવવા માટે તત્કાલીન યુપીએ-2.0 સરકાર વટહુકમ લાવી હતી. ત્યારે વિપક્ષી પાર્ટી ભાજપે સરકાર પર ભ્રષ્ટાચારીઓને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો હતો. તમામ હોબાળો વચ્ચે કોંગ્રેસે 27 સપ્ટેમ્બરે દિલ્હીની પ્રેસ ક્લબમાં વટહુકમની સારી બાજુ પર પ્રકાશ પાડવા માટે પ્રેસ-કોન્ફરન્સ બોલાવી હતી. કોંગ્રેસના તત્કાલીન મહાસચિવ રાહુલ ગાંધી ત્યાં આવ્યા ત્યારે અજય માકન પ્રેસ-કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ પછી મીડિયા સાથે વાત કરતાં રાહુલે કહ્યું હતું કે તેમણે આ વટહુકમનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મારા મતે આ વટહુકમ બકવાસ છે. એને ફાડીને ફેંકી દેવો જોઈએ. એ સમયે આયોજનપંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ અહલુવાલિયા કહે છે કે આ ઘટના સમયે મનમોહન સિંહ અમેરિકામાં હતા. તેઓ રાહુલના નિવેદનથી ખૂબ નારાજ થયા હતા. અહલુવાલિયા તેમના પુસ્તક 'બેકસ્ટેજઃ ધ સ્ટોરી બિહાઈન્ડ ઈન્ડિયાઝ હાઈ ગ્રોથ ઈયર્સ'માં લખે છે કે મનમોહન સિંહે મને પૂછ્યું હતું કે શું મારે રાજીનામું આપવું જોઈએ. આના પર મેં જવાબ આપ્યો કે મને નથી લાગતું કે આ મુદ્દે રાજીનામું આપવું યોગ્ય રહેશે. બાદમાં રાહુલ ગાંધીએ મનમોહન સિંહને પત્ર પણ લખીને વટહુકમ પર પોતાનું સ્ટેન્ડ આપ્યું હતું. આ પછી ઓક્ટોબર, 2013માં એ વટહુકમ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. 3 જાન્યુઆરી 2014: પીએમ તરીકે છેલ્લી પ્રેસ-કોન્ફરન્સ મનમોહન સિંહે 2014માં એક પ્રેસ-કોન્ફરન્સમાં અમેરિકા સાથે પરમાણુ કરારની જાહેરાત કરી હતી. ભારતીય વડાપ્રધાનની આ છેલ્લી પ્રેસ-કોન્ફરન્સ હતી. આ દરમિયાન તેમની સામે 100થી વધુ પત્રકારો અને સંપાદકો બેઠા હતા. યુપીએ સરકાર ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલી હતી અને તમામ પ્રશ્નો તેની સાથે જોડાયેલા હતા. એ પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન સિંહે 62 અનસ્ક્રિપ્ટેડ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારે મનમોહન સિંહે પોતાની ટીકાને લઈને કહ્યું હતું કે તેમને 'નબળા વડાપ્રધાન' કહેવામાં આવ્યા છે, પરંતુ 'ઈતિહાસ મીડિયા કરતાં તેમના પ્રત્યે વધુ ઉદાર રહેશે.' 17 મે 2014: વડાપ્રધાન તરીકે છેલ્લું સંબોધન 2014ની લોકસભા ચૂંટણીમાં યુપીએની હાર બાદ ડૉ.મનમોહન સિંહે વડાપ્રધાન તરીકે છેલ્લી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું- મને જે પણ મળ્યું છે તેએઆ દેશ પાસેથી જ મળ્યું છે... પોતાના સંબોધનમાં તેમણે કહ્યું- 10 વર્ષ પહેલાં આ જવાબદારી સંભાળતી વખતે મેં મારી તમામ મહેનત સાથે કામ કરવાનો અને સત્યના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું હતું. આજે, જ્યારે પદ છોડવાનો સમય આવ્યો છે ત્યારે મને સમજાયું છે કે ભગવાનના અંતિમ નિર્ણય પહેલાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારોનાં કામનો ન્યાય જનતાની અદાલત દ્વારા કરવામાં આવે છે. મેં ઘણીવાર કહ્યું છે એમ, મારું જાહેર જીવન એક ખુલ્લું પુસ્તક છે. મેં હંમેશાં મારી ક્ષમતા મુજબ આપણા મહાન રાષ્ટ્રની સેવા કરવાનો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાન પદ છોડ્યા પછી પણ તમારા પ્રેમ અને લાગણીની યાદ મારા મનમાં તાજી રહેશે. મને જે મળ્યું છે S આ દેશ પાસેથી જ મળ્યું છે. જે દેશે વિભાજનને કારણે બેઘર બનેલા એક બાળકને આટલા ઊંચા પદ પર પહોંચાડી દીધું. આ એક એવું ઋણ છે, જે હું ક્યારેય ચૂકવી શકું નહીં. આ એક એવું સન્માન પણ છે, જેના પર મને હંમેશાં ગર્વ રહેશે. 18 ડિસેમ્બર, 2018: મનમોહન સિંહે કહ્યું- એક્સિડેન્ટલ ફાઈનાન્સ મિનિસ્ટર પણ હતો 18 ડિસેમ્બર, 2018ના રોજ તેમના પુસ્તક ચેન્જિંગ ઈન્ડિયાના વિમોચન સમયે મનમોહન સિંહે કહ્યું હતું કે લોકો મને એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર કહેતા હતા, પરંતુ હું એક્સિડેન્ટલ ફાઇનાન્સ મિનિસ્ટર પણ હતો. મીડિયા સાથે વાત કરતાં તેમણે નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી બનવાની વાત પણ શેર કરી. 19 સપ્ટેમ્બર 2023: વ્હીલ ચેર પર બેસીને સંસદમાં પહોંચ્યા. મનમોહન સિંહ 19 સપ્ટેમ્બર 2023ના રોજ વ્હીલ ચેર પર સાંસદ તરીકે રાજ્યસભા પહોંચ્યા હતા. આ પહેલાં 7 ઓગસ્ટ, 2023ના રોજ તેઓ વ્હીલચેર પર સંસદની કાર્યવાહીમાં પણ હાજર રહ્યા હતા. 8 ફેબ્રુઆરી, 2024ના રોજ પીએમ મોદીએ કહ્યું હતું - થોડા દિવસો પહેલાં વોટિંગની તક હતી. જીત સત્તાધારી પક્ષની જ થશે એ તેઓ જાણતા હતા. ઘણો ફરક હતો, પરંતુ મનમોહન સિંહજી વ્હીલચેરમાં આવ્યા અને મતદાન કર્યું. એક સાંસદ પોતાની જવાબદારીઓ પ્રત્યે કેટલા સાવચેત છે એનું તેઓ ઉદાહરણ છે. સવાલ એ નથી કે તેઓ કોને સત્તા આપવા આવ્યા. હું માનું છું કે તેઓ લોકશાહીને મજબૂત કરવા આવ્યા હતા. 17 ઓક્ટોબર 2022: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં મતદાન કરવા પહોંચ્યા. કોંગ્રેસ-પ્રમુખની ચૂંટણી 17 ઓક્ટોબર 2022ના રોજ યોજાઈ હતી. 90 વર્ષીય મનમોહન સિંહ ચૂંટણીમાં પોતાનો વોટ આપવા કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. આ દરમિયાન ગેટમાં પ્રવેશતી વખતે તેમને ઠોકર વાગી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.