ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મણિપુરની હિંસામાં સ્કૂલ-કૉલેજ છૂટી ગઇ, ગામની સુરક્ષામાં 50 હજાર યુવા તહેનાત - At This Time

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મણિપુરની હિંસામાં સ્કૂલ-કૉલેજ છૂટી ગઇ, ગામની સુરક્ષામાં 50 હજાર યુવા તહેનાત


ગત 5 ઓગસ્ટે મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેનસિંહે વિધાનસભામાં દાવો કર્યો હતો કે રાજ્યમાં 3 મે 2023ના રોજ ભડકેલી હિંસા બાદ અત્યાર સુધી માત્ર 5 બાળકોએ જ સ્કૂલ છોડી છે. પરંતુ, તેમણે એ નહીં જણાવ્યું કે હિંસાને કારણે કેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઇ છે? કેટલા યુવાઓએ કોલેજ છોડી છે? 10થી 25 વર્ષનાં કેટલાં બાળકો વિલેજ ગાર્ડ બન્યા? મણિપુર સાક્ષર રાજ્ય છે. અહીંની 80% વસ્તી શિક્ષિત છે. જેમાં મહિલા સાક્ષરતા 70%થી વધુ છે. લોકો અભ્યાસને વધુ મહત્ત્વ આપે છે તેમ છતાં, હિંસા ભડક્યા બાદ આ ઉંમરના હજારો યુવાનો વિલેજ વૉલેન્ટિયર બની ગયા હતા. તેમાંથી અનેક યુવાઓ હજુ પણ સ્કૂલ-કૉલેજ પરત ફરી શક્યા નથી. મેઈતેઇ અને કુકી વિસ્તારમાં તેમની સંખ્યા અંદાજે 50 હજાર છે. ભાસ્કરની ટીમ મેઈતેઇની બહુમતીવાળા ઇમ્ફાલ વેસ્ટના કૌટ્રુક, કાદગંબાંદ, ફાયેંગ અને ઇમ્ફાલ ઇસ્ટના પુખાઓ, સાંતિપુર, ખામેંલોક, નૂંગસમ ગામમાં પહોંચી હતી, જ્યાં ઓછી ઉંમરવાળા વિલેજ વોલેન્ટિયર્સ તહેનાત મળ્યા હતા. વર્ષો પરિવારથી દૂર રહે છે, ઘરમાં થોડા કલાક વિતાવે છે
પશ્ચિમ ઇમ્ફાલના કૌટ્રુક ગામમાં તહેનાત એક 14 વર્ષીય વોલેન્ટિયરે જણાવ્યું કે હું નવમા ધોરણમાં હતો. અત્યારે ગામની સુરક્ષા કરી રહ્યો હોવાથી સ્કૂલ જઇ શકતો નથી. અહીં ગમે ત્યારે હુમલો થતો હોવાથી આ વધુ જરૂરી છે. વિલેજ વોલેન્ટિયર્સના 30 વર્ષના એક લીડરે જણાવ્યું કે હિંસા શરૂ થયા બાદ હજારો યુવા વોલેટિન્યર પોતે જ ગામના રક્ષણ માટે આગળ આવ્યા હતા. તેમને બોર્ડર પર તહેનાત કરાયા છે, જેથી કુકી વિસ્તારમાંથી થતા હુમલા પર 24 કલાક નજર રાખી શકે. હવે જ્યારે 24 કલાક અહીં વીતશે, તો સ્કૂલ કોણ જશે? આમ તો વિલેજ વૉલેન્ટિયર્સની કુલ સંખ્યા બતાવવી મુશ્કેલ છે, પરંતુ તે 20થી 25 હજાર સુધી છે. અમારી ટીમમાં 12થી 18 વર્ષના અનેક યુવકો છે જે ધો.9થી સ્નાતક સુધી ભણી ચૂક્યા છે. પરંતુ હવે તેઓ સ્કૂલ કે કૉલેજ જતા નથી. તેમનાં નામો આજે પણ સ્કૂલમાં નોંધાયેલાં છે અને પરીક્ષા વગર જ પાસ થઇ રહ્યા છે. 40ની ઉંમર સુધી જ વોલેન્ટિયરની તહેનાતી, સ્કૂલનાં બાળકો વધુ
એક 23 વર્ષના વિલેજ વોલેન્ટિયરે જણાવ્યું કે અહીં મહત્તમ સ્કૂલનાં બાળકો છે. પરંતુ, 40ની ઉંમર સુધીના લોકોને જ તહેનાત થવા કહેવામાં આવ્યું છે. અમને સ્કૂલ-ટ્યૂશન ક્લાસમાં જવાની અનુમતિ છે. અમને કહેવાયું છે કે સ્વયંસેવક તરીકે કારકિર્દી ખરાબ ન કરો, પરંતુ અમારી પણ મજબૂરી છે. જો અહીં તહેનાત નહીં થઇએ તો અમારા પરિવારની રક્ષા કોણ કરશે? કેમ્પમાં બાળકોના સ્ટે, જમવાની પણ સુવિધા, અભ્યાસની પણ છૂટ
ઇમ્ફાલ સિટીના એક ફૂટબૉલ ખેલાડી અને બી.એ. થર્ડ સેમેસ્ટરમાં ભણતા 20 વર્ષીય વોલેન્ટિયરે જણાવ્યું કે રાજ્યની સુરક્ષાથી વિશેષ અત્યારે કંઇ જ નથી. હું હિંસાની શરૂઆતથી જ અમારા કેમ્પ પર તહેનાત છું. અહીં જ રહું છું, જમું છું અને સમય મળે ત્યારે અભ્યાસ કરું છું. હું જૂના દિવસો યાદ કરું છું ત્યારે બધું જ હતું. પરંતુ હવે સ્વયંસેવા જ લક્ષ્ય છે. તણાવથી ઝઝૂમતા વૉલેન્ટિયર માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી
કાદગંબાંદના એક ગ્રૂપના લીડરે જણાવ્યું કે અમે એક વર્ષથી એક પ્રકારની જ ડ્યૂટી કરી રહ્યા છીએ. આ જ કારણથી મહત્તમ વૉલેન્ટિયર ડિપ્રેશન, તણાવ, ચિંતા અને ગભરાટ અનુભવે છે. તેમને તણાવમુક્ત કરવા માટે કેમ્પમાં અનેક ફિટનેસ પ્રવૃત્તિ કરાવાય છે. તેમની નૈતિક મદદ માટે કાઉન્સેલિંગ પણ કરાવાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.