વરાછામાં હીરાના ખાતાનું તાળું તોડી અજાણ્યો રૂ.3.24 લાખના હીરા ચોરી ફરાર - At This Time

વરાછામાં હીરાના ખાતાનું તાળું તોડી અજાણ્યો રૂ.3.24 લાખના હીરા ચોરી ફરાર


- ચોરે ખાતાની સામેની લાઈટ બંધ કરી સીસીટીવી કેમેરો પણ ઊંચો કરી અંદર જઈ સીસીટીવીના પ્લગની પીન કાઢી ચોરી કરતા કોઈક જાણભેદુ હોવાની આશંકા સુરત,તા.26 જુલાઈ 2022,મંગળવાર સુરતના વરાછા ઠાકોરદ્વાર સોસાયટીમાં આવેલા હીરાના ખાતાનું તાળું તોડી અજાણ્યો રવિવારની રાતની રજા દરમિયાન રૂ.3.24 લાખના હીરા ચોરી ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના ગારીધારના વેળાદરના વતની અને સુરતમાં મોટા વરાછા સુદામાચોકની પાછળ લિબર્ટી 9 મકાન નં.જે/102 માં રહેતા 42 વર્ષીય મનહરભાઇ શંભુભાઇ ભંડેરી વરાછા ઠાકોરદ્રાર સોસાયટી મકાન નં.28 ના બીજા માળે હીરા જોબવર્કનું ખાતું ધરાવે છે. તેમના ખાતામાં ત્રણ ફોર પી મશીન હોય સવાર અને રાતની પાળીમાં કુલ ચાર કારીગર કામ કરે છે. તે પૈકી ત્રણ ફોર પી મશીન પર કામ કરે છે.જયારે એક કારીગર હીરા ચોંટાડવાનું કામ કરે છે. દિવસ રાત ચાલતા તેમના ખાતામાં અમુક રવિવારે કારીગરો રજા રાખે ત્યારે ખાતું બંધ રહે છે. ગત 24 મી ની રાત્રે કારીગરોએ રજા રાખી હોય મનહરભાઈ સાંજે 7.30 વાગ્યે ખાતું બંધ કરી ઘરે ગયા હતા.સોમવારે સવારે આઠ વાગ્યે તે ખાતા ઉપર આવ્યા ત્યારે દરવાજા પર તાળું નહોતું અને માત્ર આગળો માર્યો હતો. તે સમયે તેમના કારીગરો પણ આવતા તેમણે ખાતામાં જઈ જોયું તો સીસીટીવીની પીન પ્લગમાંથી કાઢેલી હતી. ફોર પી મશીન ઉપર મુકેલી પ્લેટમાં લગાડેલા રૂ.3.24 લાખના 42.36 કેરેટના 753 નંગ હીરા પણ ડાય સાથે નહીં મળતા તેમણે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ફુટેજમાં રાત્રે 1.15 કલાકે 25 થી 30 વર્ષનો અજાણ્યો પાતળા બાંધાનો યુવાન લોખંડનું પાનું લઈ આવ્યો હતો અને ખાતાની સામેની લાઈટ બંધ કરી ત્યાંના સીસીટીવી કેમેરાને ઊંચો કરી ખાતામાં પ્રવેશ્યો હતો. ત્યાં પણ સીસીટીવીના પ્લગની પીન કાઢી તે ચોરી કરી ફરાર થઈ ગયો હતો.ચોરી અંગે મનહરભાઈએ ગતરાત્રે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કોઈ જાણભેદુની સંડોવણીની આશંકાને આધારે વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.