મમતાએ કહ્યું- ડોક્ટરો વિરુદ્ધ એક શબ્દ પણ કહ્યો નથી:તેમને ક્યારેય ધમકી આપી નથી, તેમનો વિરોધ યોગ્ય છે; મારા પર લગાવવામાં આવી રહેલા આરોપ હળાહળ ખોટા છે
બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે વિરોધ કરી રહેલા ડોક્ટરોને ક્યારેય ધમકી આપી નથી. મમતાએ ગુરુવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં મમતાએ લખ્યું છે કે કેટલાક લોકો આરોપ લગાવી રહ્યા છે કે મેં વિરોધ કરી રહેલા ડોક્ટરોને ધમકી આપી છે. આ હળાહળ જુઠ્ઠાણું છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે મમતા બેનર્જીએ 21 દિવસથી હડતાળ પર રહેલા બંગાળના જુનિયર ડોક્ટરોને ધમકી આપી હતી. આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટરનો રેપ- હત્યા મામલે ડોક્ટરો ન્યાયની માંગ કરી રહ્યા છે. તેઓએ હોસ્પિટલમાં કામકાજનું વાતાવરણ અને સુરક્ષા અંગે પગલાં લેવાની પણ માંગ કરી છે. 9 ઓગસ્ટના રોજ મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટરનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. તેના પર રેપની પુષ્ટિ થઈ હતી. 10મી ઓગસ્ટથી ડોક્ટરોએ હડતાળ શરૂ કરી હતી. ટ્રેઈની ડોક્ટરને ન્યાય મળે તે માટે વિદ્યાર્થીઓએ 27 ઓગસ્ટે નબન્ના રેલી યોજી હતી. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું અને ઘણા લોકો ઘાયલ થયા. આ કાર્યવાહીના વિરોધમાં ભાજપે 28મી ઓગસ્ટે બંગાળ બંધનું એલાન આપ્યું હતું. જેમાં ભાજપના નેતાઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, બોમ્બમારો અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મમતાએ કહ્યું- મારા વિરુદ્ધ હળાહળ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે મમતાએ લખ્યું, "મને ખબર પડી છે કે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં મારી વિરુદ્ધ ખોટા સમાચાર ચલાવવામાં આવી રહ્યા છે. આમાં મેં 28 ઓગસ્ટે વિદ્યાર્થીઓ વચ્ચે જે ભાષણ આપ્યું હતું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મે મેડિકલ વિદ્યાર્થીઓ અને તેમના અભિયાન વિરુદ્ધ એક પણ શબ્દ કહ્યો નથી . કેટલાક લોકો મારા પર આવા આક્ષેપો કરી રહ્યા છે. તે ખોટુ છે. હું તેમના આંદોલનને સંપૂર્ણ સમર્થન આપું છું. તેમનું વિરોધ પ્રદર્શન યોગ્ય છે. મેં ભાજપ સામે નિવેદન આપ્યું હતું. મેં તેમની વિરુદ્ધ વાત કરી, કારણ કે કેન્દ્ર સરકારના સમર્થનથી તેઓ રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો અને કાયદો અને વ્યવસ્થાને ડહોંળવાનો પ્રયાસ કરી રહ્યા છે. મેં આની સામે અવાજ ઉઠાવ્યો છે. હું એ પણ સ્પષ્ટ કરું કે મેં મારા ભાષણમાં જે શબ્દ 'ફોન્સ કારા'નો ઉપયોગ કર્યો છે તે શ્રી રામકૃષ્ણ પરમહંસના નિવેદનમાંથી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે ક્યારેક અવાજ ઉઠાવવો પડે છે. જ્યારે ગુનો બને છે ત્યારે તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ. મારા ભાષણનો આ ભાગ પરમહંસના ઉપદેશો વિશે હતો." મમતાએ કહ્યું- જો FIR થશે તો વિદ્યાર્થીઓની કારકિર્દી રોળાઈ જશે
28 ઓગસ્ટે મમતાએ ભાજપના 12 કલાકના 'બંગાળ બંધ' વિરુદ્ધ ભાષણ આપ્યું હતું. કોલકાતામાં તૃણમૂલ છાત્ર પરિષદના સ્થાપના દિવસના કાર્યક્રમને સંબોધન કરતી વખતે મમતાએ ભાજપ પર બંગાળને બદનામ કરવાના પ્રયાસના આરોપ લગાવ્યા હતા. વાંચો મમતાના ભાષણના અંશો જેનાથી વિવાદ થયો... આસામના સીએમ હિમંતાએ કહ્યું- તમે અમને ડરાવવાની હિંમત કેવી રીતે કરી? મમતાના આ નિવેદનને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમના પર નિશાન સાધતાં કહ્યું કે તમારી આસામને ડરાવવાની હિંમત કેવી રીતે થઈ? સરમાએ X પરની પોસ્ટમાં કહ્યું કે દીદી, તમારી આસામને ધમકી આપવાની હિંમત કેવી રીતે થઈ? અમને લાલ આંખ ન બતાવો. તમારી નિષ્ફળતાની રાજનીતિથી ભારતને બાળવાનો પ્રયાસ પણ ન કરો. વિભાજનકારી ભાષા બોલવી તે તમને શોભતું નથી. બીજેપી સાંસદે કહ્યું- મમતાએ ડોક્ટરોને ધમકી આપી
મમતાના નિવેદન પર બીજેપીના રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે મમતાએ શબ્દોના ખેલથી ડોક્ટરોને ધમકી આપી છે. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, "પહેલા આરોપીઓને બચાવ્યા, પછી તપાસને ગેરમાર્ગે દોરવી, પુરાવાનો નાશ કરવો, આંદોલનકારીઓને ધમકી આપી અને હવે મમતા કહી રહ્યા છે કે તે ડોકટરો સામે FIR કરવા માંગતી નથી.જો આમ થશે તો તેમને પાસપોર્ટ અને વિઝા નહીં મળે. મતલબ, શબ્દોની જાળામાં એક પ્રકારની ધમકી આપવામાં આવી રહી છે કે અમે FIR નોંધાવીને તમારી કારકિર્દીને રોળી નાખીશું."
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.