નડ્ડા અને ખડગેને ચૂંટણીપંચની નોટિસ:કહ્યું- નેતાઓને કહો, ધાર્મિક-સાંપ્રદાયિક નિવેદનો ન કરે, બંધારણને વેચવાની કે ખતમ કરવાની વાત ન કરે - At This Time

નડ્ડા અને ખડગેને ચૂંટણીપંચની નોટિસ:કહ્યું- નેતાઓને કહો, ધાર્મિક-સાંપ્રદાયિક નિવેદનો ન કરે, બંધારણને વેચવાની કે ખતમ કરવાની વાત ન કરે


ચૂંટણીપંચે બુધવારે કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાને નોટિસ પાઠવી છે. કમિશને બંને પક્ષને ભાષણોમાં શિષ્ટાચાર જાળવવા કહ્યું છે. પંચે બંને પક્ષના સ્ટાર પ્રચારકોને ધાર્મિક અને સાંપ્રદાયિક નિવેદનો ન આપવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત ભાજપને એવાં પ્રચાર ભાષણો બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે, જે સમાજને ભાગલા તરફ દોરી શકે છે. ચૂંટણીપંચે કોંગ્રેસને બંધારણને લઈને ખોટાં નિવેદનો ન કરવા જણાવ્યું હતું, જેમ કે ભારતના સંવિધાનને ખતમ કરી શકાય છે કે વેચી શકાય છે. આ સિવાય અગ્નિવીર પર બોલતાં ઇલેક્શન કમિશને કોંગ્રેસને કહ્યું હતું કે તેઓ ડિફેન્સ ફોર્સનું રાજનીતિકરણ ન કરે રાહુલે અગ્નિવીર પર કહ્યું- દેશમાં બે પ્રકારના સૈનિકો છે
ભાજપનું પ્રતિનિધિમંડળ 14 મેના રોજ રાહુલ ગાંધીની સેના પર કરેલી ટિપ્પણી સામે ફરિયાદ કરવા ચૂંટણીપંચ પહોંચ્યું હતું. રાહુલે 13 મેના રોજ રાયબરેલીમાં કહ્યું હતું કે મોદીએ બે પ્રકારના સૈનિકો બનાવ્યા છે. એક ગરીબ, પછાત, આદિવાસી અને દલિતનો પુત્ર છે અને બીજો સમૃદ્ધ પરિવારનો પુત્ર છે. વિદેશમંત્રી એસ. જયશંકર પંચની ઓફિસે પહોંચ્યા અને રાહુલ અને તેમની પાર્ટીના ઘણા નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તેમણે કહ્યું હતું કે આ સૈનિકો પર સીધો પ્રહાર છે. કોંગ્રેસ આને વિવાદનો મુદ્દો બનાવી સૈનિકોને નિરાશ કરવા માગે છે. આ ચૂંટણીનો મામલો નથી, રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. ચીન સામે દેશની સુરક્ષા માટે ભારતીય સેના ગંભીરતાથી પોતાની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરી રહી છે. જયશંકરે કહ્યું- કોંગ્રેસ પહેલાં જ સેના પર સવાલ ઉઠાવી ચૂકી છે
વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે આ પહેલીવાર નથી, જ્યારે કોંગ્રેસે ભારતીય સેના પર પ્રહાર કર્યા હોય. આ પહેલાં પણ જ્યારે આપણા સૈનિકોએ અરુણાચલ પ્રદેશમાં ચીની સૈનિકોને આગળ આવતા અટકાવ્યા હતા અને તેમને ભગાડી દીધા હતા. એ સમયે પણ રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે ભારતીય જવાનોને માર મારવામાં આવ્યો હતો. અમે આ અપમાન જોતા આવ્યા છીએ. આ પહેલાં પણ જ્યારે સૈનિકોએ બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી ત્યારે આ લોકોએ એના પર સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે અમે ઉરીમાં કાર્યવાહી કરી ત્યારે આ લોકોએ એના પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જયશંકરે વધુમાં કહ્યું હતું કે રાજકીય કારણોસર આપણા સૈનિકો પર આ પ્રકારના પ્રહારને દેશ સહન કરશે નહીં. ECએ હેટ સ્પીચ મામલે ભાજપ-કોંગ્રેસને નોટિસ જાહેર કરી હતી
25 એપ્રિલના રોજ ચૂંટણીપંચની પોલ પેનલે કોંગ્રેસ અને ભાજપ દ્વારા એકબીજા સામે કરેલી ફરિયાદોના આધારે બંને પક્ષના પ્રમુખોને નોટિસ પાઠવી હતી. આ નોટિસ આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો પર લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 77 હેઠળ જાહેર કરવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે પંચે સ્ટાર પ્રચારકોને બદલે પાર્ટી-પ્રમુખોને નોટિસ ફટકારી છે. પીએમ નરેન્દ્ર મોદી ભાજપના સ્ટાર પ્રચારક છે અને કોંગ્રેસના રાહુલ ગાંધી. આ સંદર્ભમાં ECએ તેમના ભાષણ માટે પક્ષ-પ્રમુખોને જવાબદાર ઠેરવ્યા છે. પીએમ મોદી અને રાહુલ ગાંધીનાં ભાષણમાં આચારસંહિતા ભંગની ફરિયાદ ચૂંટણીપંચને કરવામાં આવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ નેતાઓ ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે લોકોને વહેંચવાનું અને નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ચૂંટણી સભામાં અપ્રિય ભાષણના મામલામાં ભાજપે ચૂંટણીપંચ (EC) પાસે જવાબ આપવા માટે એક સપ્તાહનો સમય અને કોંગ્રેસે બે સપ્તાહનો સમય માગ્યો હતો. ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ- અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 29 એપ્રિલે ચૂંટણી સભામાં પીએમ મોદી અને રાહુલ ગાંધી વતી નફરતજનક ભાષણ આપવાના મામલે ચૂંટણીપંચને જવાબ આપવાનો હતો. જોકે એનો જવાબ હજુ સુધી આપવામાં આવ્યો નથી. મોદીએ રાજસ્થાનમાં કહ્યું હતું - કોંગ્રેસ તમારી સંપત્તિ વધુ બાળકો ધરાવતા લોકોમાં વહેંચશે રાહુલે કેરળમાં કહ્યું હતું - કોંગ્રેસ સત્તામાં આવશે તો એક જ ઝટકામાં ગરીબી દૂર કરશે ​​​​​​​​​​​​​​ચૂંટણીપંચે બંને પક્ષના પ્રમુખોને જવાબદાર ઠેરવ્યા હતા આ ફરિયાદો મળ્યા પછી ચૂંટણીપંચે પ્રથમ દૃષ્ટિએ પક્ષ-પ્રમુખોને સ્ટાર પ્રચારકોની ફોજ ઊભી કરવા માટે જવાબદાર ઠેરવ્યા છે. કમિશને કહ્યું, "રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોની ક્રિયાઓની જવાબદારી સૌપ્રથમ લેવી જોઈએ, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના કિસ્સામાં. ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકો દ્વારા ચૂંટણી ભાષણોની અસર વધુ ગંભીર છે." જાહેર પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ જાહેર કરાયેલી નોટિસ
ભારતમાં લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણી લડતા ઉમેદવારો માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. 1951માં બનેલા લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમમાં આની વ્યાખ્યા કરવામાં આવી છે. આનો એક ભાગ છે ચૂંટણી આચારસંહિતા. દરેક ઉમેદવારે ચૂંટણી સમયે આનું પાલન કરવાનું રહેશે. જ્યારે પણ આચારસંહિતા ભંગની ફરિયાદ મળે છે ત્યારે ચૂંટણીપંચ પગલાં લે છે. ચૂંટણીપંચે AAP નેતા આતિશીને પણ નોટિસ મોકલી હતી
ચૂંટણીપંચે 5 એપ્રિલે આમ આદમી પાર્ટીનાં નેતા આતિશી સિંહને પણ નોટિસ પાઠવી હતી. આતિશીએ કહ્યું હતું કે તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઓફર મળી હતી અને જો તે આમ નહીં કરે તો તેને જેલમાં મોકલવાની ધમકી આપવામાં આવી હતી. ચૂંટણીપંચને ફરિયાદ કરીને તેની સત્યતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.