દંપતિના મતભેદનો સુખદ અંત લાવી પરિવારને ફરી એક કરતું ગઢડા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર - At This Time

દંપતિના મતભેદનો સુખદ અંત લાવી પરિવારને ફરી એક કરતું ગઢડા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર


બોટાદ મહિલા અને બાળ અધિકારીશ્રી આઈ.આઈ.મન્સૂરી તેમજ ગઢડા પોલીસ સ્ટેશનના વડા પી.આઇ.શ્રી મયુરધ્વજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યરત ગઢડા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર દ્વારા વધુ એક વૈવાહિક જીવન તુટતાં બચાવાયું છે. જેમાં ગઢડા મહિલા સહાયતા કેન્દ્ર ખાતે અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી કે, તેના પ્રેમલગ્નના અઢી વર્ષ થયા છે પરંતુ મતભેદ અને ઝઘડાના કારણે તેમના વૈવાહિક જીવનનો અંત આવે તેમ હતો અને તેમને 2 વર્ષની દીકરી પણ છે જે તેમના સાસરીયા પક્ષ પાસે છે. અરજદાર તેમની બાળકીને તેમની પાસે રાખવા માંગતા હોવાથી ગઢડા પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરમાં અરજી દાખલ કરવા માટે આવ્યાં હતાં. અરજદારનું કહેવું હતુ કે, શરૂઆતમાં બધું વ્યવસ્થિત ચાલતું હતું પણ બાળકીના જન્મ બાદ ખર્ચા વધતા તથા કુટુંબની જવાબદારીઓ આવતા ઝઘડાઓ થવા લાગ્યા હતા. જેથી કંટાળીને અરજદાર પિયર જતા રહ્યા હતા.

આ તકે મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા અરજદારના પતિને બોલાવી તાત્કાલિક ધોરણે અરજદારને તેમની દીકરી અપાવવામાં આવી હતી. વધુમાં ગઢડા પોલીસ સ્ટેશનના પી. આઈ. શ્રી જાડેજા દ્વારા કાઉન્સિલિંગ કરી અરજદાર અને તેના પતિને સ્ત્રીઓના કાયદા, બાળ કસ્ટડી અને લગ્ન બાદની જવાબદારી વિશે સમજાવવામાં આવ્યાં હતાં. ગઢડા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર નીતાબેન ભેડા અને ગોરલબેન સોલંકીના પ્રયત્નો તથા સેન્ટરના કાઉન્સિલિંગ દ્વારા અરજદાર અને તેના પતિને યોગ્ય સલાહ સૂચન આપી, બાળકના ભવિષ્ય બાબતે ઉજાગર કરી, કુટુંબની જવાબદારી વિશે સમજાવીને બંને વ્યક્તિ આગળનું ભવિષ્ય પોતાની બાળકી તેમજ માતા-પિતાને સાથે રાખી સુખેથી જીવે તે રીતે સમાધાન કરાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.