બોટાદના લાઠીદડ ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા લોક ભાગીદારી થકી સફાઈ અભિયાન કરાયું - At This Time

બોટાદના લાઠીદડ ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા લોક ભાગીદારી થકી સફાઈ અભિયાન કરાયું


(ચેતન ચૌહાણ દ્વારા)
“સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે સમગ્ર રાજ્યમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. બોટાદના લાઠીદડ ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા લોક ભાગીદારી થકી ગામની આજુબાજુ કચરાના ઢગલાઓ, નદીની સફાઈ તેમજ જાહેર રસ્તાઓ અને પાણીના સ્રોતોની સફાઈ કરવામાં આવી હતી. તેમજ ગામની માર્કેટમાં દુકાનદારોને કચરો કચરાપેટીમાં નાખવા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગેની નોટિસ બજાવવામાં આવી હતી. સાથોસાથ પ્રવાહી અને સૂકા કચરાના વ્યવસ્થાપન અન્વયે સામુહિક સોકપિટના કામનું ખાતર્મૂહુત કરવામાં આવ્યું હતું.બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાના માર્ગદર્શન મુજબ જિલ્લામાં સ્વચ્છ વાતાવરણ બનાવવા, સ્વચ્છતાના મહત્વને ઉજાગર કરવા તેમજ યોગ્ય કચરાના વ્યવસ્થાપન વિશે જાગૃતિ લાવવાના હેતુને સિદ્ધ કરવા અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં લાઠીદડ ગામની આસપાસ કચરાના ઢગલા સાફ કરવામાં આવ્યા. ગ્રામજનો માટે સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરવા નદીના કિનારા અને જાહેર રસ્તાઓની સફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. ગામના બજારમાં, દુકાનદારોને નિયત કચરાપેટીમાં જ કચરાનો નિકાલ કરવાની સૂચના આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી, એસ.બી.એમ. અને એસ.બી.એમ. ગ્રામ્યના કર્મયોગીઓ, યુવક મંડળો અને ધાર્મિક મંડળોના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.જ્યાં સ્વચ્છતા ત્યાં આરોગ્ય અને આરોગ્ય ત્યાં પ્રગતિ સ્વચ્છતા માટે આપણે સૌ નાગરિકોએ સાથે મળીને કાર્ય કરવું જરૂરી છે. વહીવટી તંત્ર સ્વચ્છતા પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવીને કામગીરી કરી રહ્યું છે ત્યારે દેશના નાગરિક તરીકે આપણે પણ તેમા સહભાગી બનવું એટલું જ જરૂરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.