મહિલા આત્મનિર્ભરતાનું પ્રતીક બન્યો ઝાલાવાડનો સખી મેળો.
નળકાંઠાનાં રાણાગઢ ગામનાં સોનલબેન વેસ્ટમાંથી બેસ્ટ હોમડેકોરેશનની વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બન્યા.
મહિને 15 થી 20 હજારની આવક મેળવે છે,આદિવાસી પઢાર સોનલ સ્વસહાય જૂથની પ્રેરણાત્મક કામગીરી
સુરેન્દ્રનગર મેળાનાં મેદાન ખાતે યોજાયેલ સખી મેળા કમ પ્રદર્શનનો આજે અંતિમ દિવસ હતો. આ મેળામાં મહિલા સ્વસહાય જૂથો દ્વારા નિર્મિત અનેક અવનવી વસ્તુઓ તો જોવા મળી જ સાથે સરકારની સહાયથી આત્મનિર્ભર બનેલી મહિલાઓએ પોતાનાં આત્મવિશ્વાસ અને મહેનતના જોરે કેવી સિધ્ધિઓ મેળવી છે તેની પણ પ્રતિતી થઈ. મેળામાં ભાગ લેનારા 50 જેટલા સ્વસહાય જૂથોનાં સજાવેલા સ્ટોલ્સ મહિલાઓની આત્મનિર્ભરતા તરફની સફરની કહાની બની રહ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લાનાં લિંબડી તાલુકાનાં રાણાગઢ ગામના સોનલબેન પઢાર સમુદાયમાંથી આવે છે. તેઓ જણાવે છે કે અમે સામાન્ય રીતે ખોદકામ સહિતનાં મજૂરી કામ કરી રોજી મેળવીએ છીએ. મારા પિતાની ઈચ્છા હતી કે હું મજૂરી કામમાં ન જોડાતા કોઈ અન્ય વ્યવસાય કરૂ. સોનલબેન વધુ અભ્યાસ તો કરી ન શક્યા. ધોરણ-8 બાદ અભ્યાસ છોડી તેઓ આર્થિક ઉપાર્જનની પ્રવૃતિમાં જોડાઈ ગયા. થોડા સમય બાદ તાલુકાકક્ષાએ ચાલતા મિશન મંગલમનાં સ્ટાફ દ્વારા તેમને આરસેટી અને તેમનાં દ્વારા સ્વરોજગાર માટે અપાતી તાલીમ અંગે માહિતી મળી હતી. તેમણે આરસેટી દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવાની તાલીમ લીધી. ધીરે ધીરે તેઓ નાળિયેરની કાચલીમાંથી હેન્ડીક્રાફ્ટ, તોરણ,ચાકડા, હાર જેવી હોમ ડેકોરેશનની વસ્તુ બનાવતા શીખ્યા અને કામમાં મજા પડવા માંડી, સાથે સારી આવક પણ થવા માંડી. થોડા સમય બાદ ગામની અન્ય બહેનોને પણ આ કામમાં રસ પડ્યો. સોનલબેન ઉમેરે છે કે નિયમિત વેચાણ થતા અમે ગામની 10 જેટલી બહેનોએ મળીને સખી મંડળ ચાલુ કરવાનું વિચાર્યું અને આદિવાસી પઢાર સોનલ સ્વસહાય નામનું જૂથ શરૂ કર્યું. સોનલબેન આગળ વાત કરે છે કે મંડળમાં જોડાયેલ દરેક બહેનને વસ્તુ બનાવવા માટેની તાલીમ આપી અને એમને વસ્તુ બનાવતા શિખવી. આજે એ દરેક બેન રોજનાં 300-400 સુધીની રકમ કમાઈને સ્વમાનભેર જિંદગી જીવી રહ્યા છે. સોનલબેન મહિને રૂ. 15,000-20,000 જેટલી કમાણી આ હસ્તકળાની વસ્તુઓ વેચીને કરે છે. 15-20 જેટલી બહેનો આ જૂથ સાથે સંકળાઈને આર્થિક રીતે સુરક્ષિત બની છે.આ જૂથ સાથે જોડાયેલા અને સખી મેળા માટે સુરેન્દ્રનગર આવેલા ચંદ્રાબેન મજૂરી કામનાં સંઘર્ષને બદલે આ કામનો વિકલ્પ મળ્યો તે માટે આનંદ વ્યક્ત કરતા જણાવે છે કે આજે અમારી પાસે એટલું બધું કામ સે કે અમારે ક્યાંય કામ માંગવા જાવું પડતું નથી. જેમને જરૂર હોય એ આપડા ઘરે લેવા આવે. આજે ઓનલાઇન વેપાર કરી ઓર્ડર પણ લેવી છી. આ જૂથનાં ઉત્પાદનોની માંગ એટલી સારી છે કે અત્યાર સુધી એમણે ક્યારેય વેપારીઓ જોડે ઓર્ડર લખાવવા જવું પડ્યું નથી. પહેલા કાંઈ જ જોયું ન હતું આજે આ વ્યવસાયથી એક નવી દુનિયા જોવાની તક મળી છે એવો રાજીપો વ્યક્ત કરતા સોનલબેન જણાવે છે કે આરસેટીની તાલીમ અને ગ્રામ વિકાસ એજન્સીનાં માર્ગદર્શન વગર તેઓ અહીં સુધી પહોંચી ન શક્યા હોત અને તે માટે તેઓ સરકારશ્રીનાં આભારી છે. આશ્ચર્ય થાય પણ અંતરિયાળ વિસ્તારની આ બહેનો પોતાનાં ઉત્પાદનો માટે ઈ-પેમેન્ટ પણ સ્વીકારે છે અને બેંક મિત્રને ફોન કરીને પેમેન્ટ મળ્યાની ખાતરી પણ કરી લે છે.સખીમંડળને મળતા રિવોલ્વિંગ ફંડ અને બેંકમાંથી લોનનાં ફાયદા વિશે વાત કરતા સોનલબેન જણાવે છે કે અત્યાર સુધી જૂથની બહેનોએ SBIની કઠેચી બ્રાન્ચમાંથી રૂ. 5-6 લાખની સહાય મેળવી છે.બેંકનું વ્યાજ મંડળ ભરે છે અને વ્યાજ સહાય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી આપવામાં આવે છે. સુરેન્દ્રનગર સહિત તમામ જિલ્લામાં યોજાઈ રહેલા સખી મેળા વિશે તેઓ જણાવે છે કે આ મેળાનાં માધ્યમથી તેઓ વધુ લોકો સુધી પહોંચી શક્યા છે અને ઘણાબધા લોકો સમક્ષ પોતાનાં ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તક તેમને મળી છે. જેનાં કારણે તેમને સારા પ્રમાણમાં આવક થઈ છે. પ્રતિ દિવસ તેઓ રૂ. 5000/-નું વેચાણ મેળવી રહ્યા છે. નળકાંઠાનાં અંતરિયાળ વિસ્તારમાંથી આવતી બહેનોએ સ્વબળે શરૂ કરેલ વ્યવસાય માટે આ સખી મેળા એક નવો અને પ્રગતિનાં અન્ય દ્વાર ખોલનારો અનુભવ બની રહેશે તેમાં કોઈ બેમત નથી.
AT THIS TIME NEWS
UMESHBHAI BAVALIYA SURENDRANAGAR
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.