નકામી વસ્તુનો ઉપયોગ કરી યુવાન બનાવે છે બાઇક, જીપ - At This Time

નકામી વસ્તુનો ઉપયોગ કરી યુવાન બનાવે છે બાઇક, જીપ


બાળકોને તાલીમ આપવા આઈડિયા રૂમ શરૂ કર્યો, વાહન દૈનિક 35 કિમી ચાલે

ઘર, ઓફિસપ કારખાનામાં રહેલી નકામી ચીજવસ્તુઓ સૌ કોઈ ફેંકી દેતા હોય છે, પરંતુ રાજકોટના યુવાને રોજબરોજ, લોખંડના ભંગારમાંથી નકામી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી જીપ, બાઇક જાતે બનાવ્યા છે. પેટ્રોલ- ડીઝલની મદદથી આ વાહન દૈનિક 35 કિમી સુધી ચાલે છે. ઓટોમોબાઇલનું હબ ગણાતું રાજકોટ વાહન બનાવવામાં પણ આત્મનિર્ભર બને વિદ્યાર્થીઓ અને યુવાનોને તાલીમ આપી શકાય એ માટે રાજકોટના યુવાન યુવરાજસિંહ ચુડાસમાએ આઈડિયા રૂમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અત્યાર સુધી200થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા યુવરાજસિંહ ચુડાસમા જણાવે છે કે, હાલ એમને ખુદની ફેક્ટરી છે. ત્યાં આ સાધનો બનાવવામાં આવે છે. અત્યાર સુધીમાં એમને અનેક ફ્રેમ, નાઈટ લેમ્પ, ઘડિયાળ, 2 બાઇક અને 1 જીપ બનાવી છે. આ વાહનના એન્જિન પણ ખુદ એમને જ બનાવ્યા છે. યુવરાજસિંહે પીટીસી, બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ એમને ટેક્નિકલ ક્ષેત્રમાં પહેલીથી જ રસ છે આથી આ ક્ષેત્રમાં તેઓ આગળ વધ્યા. આ સિવાય તેઓ યુવાનોને પ્રેક્ટિકલ તાલીમ પણ આપે છે. માટે તેઓ વિદ્યાર્થીઓને સાયન્સ ફેરમાં ભાગ લેવા માટે તેમજ વાહન બનાવવા માટે તમામ પ્રકારના સાધનો આપે છે અને મદદ કરે છે. પરિણામ એ આવ્યું કે નાના ધોરણનો વિદ્યાર્થી પણ અત્યારથી જ પોતાની રીતે વાહનના એન્જિન બનાવતા શીખી ગયા છે એ સિવાય પોતાની સાઇકલમાં પણ તેઓ નવા નવા પ્રયોગો કરે છે. જે જીપ બનાવી છે એ 3 ફૂટ લાંબી છે. જ્યારે બાઈકની લંબાઈ 2 ફૂટ છે. જીપમાં ગિયર, ક્લચ બ્રેક વગેરે ફિટ કર્યા છે અને જે મોટી જીપ આવે એનું આ નાનું મોડલ-વર્ઝન હોવાનું યુવાન જણાવે છે.

આ અંગે વધુમાં તેઓ જણાવે છે કે, રાજકોટ એ ઓટોમોબાઈલનું હબ છે. અહીં સાઇકલથી લઈને પ્લેનના સાધનો બને છે જે વિશ્વભરમાં નિકાસ થાય છે.આ પ્રકારની બાઇક વાહન અને જીપ બનાવી વાહન બનાવવામાં પણ આવનારી પેઢીને તેઓ આત્મનિર્ભર બનાવવા માગે છે એટલે હાલ આ ક્ષેત્રમાં તેઓ આગળ વધી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.