લગ્નની લાલચે પરિણીતા સાથે શરીર સંબંધ બાંધ્યો,સંબંધ તોડતા પુત્રને મારી નાંખવાની ધમકી
- પાલનપુર જકાતનાકા વિસ્તારમાં પતિથી અલગ રહેતી 30 વર્ષની પરિણીતા ચૌટાબજારમાં દેશી દવા વેચતા તન્વીરના સંપર્કમાં આવ્યા બાદ ભેરવાઈ - મદરેસાના બાળકો માટે ફંડ ઉઘરાવવા જતા પરિણીતાને જોઈ મોહી પડેલા તન્વીરે અવારનવાર ફોન કરી બીભત્સ માંગણી કરતા તેની ધરપકડ બાદ મહિલાએ તેની સાથે છેડો ફાડી દીધો હતો સુરત, : સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં પતિથી અલગ રહેતી 30 વર્ષની પરિણીતાને લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધી લીંબાયતના યુવાને સંબંધ નહીં રાખે તો 11 વર્ષના દીકરાને મારી નાંખવાની ધમકી આપતા લીંબાયત પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી યુવાનની ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રની વતની અને સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં વૃદ્ધ માતા અને 11 વર્ષના પુત્ર સાથે પતિથી અલગ રહેતી 30 વર્ષની પરિણીતા શિવાની ( નામ બદલ્યું છે ) બે વર્ષ અગાઉ કામ માટે ચૌટાબજારમાં ગઈ હતી ત્યારે તેનો ભેટો ત્યાં દેશી દવા વેચતા લીંબાયત મારુતિનગરના તન્વીર આલમ સાથે થયો હતો. ત્યાર બાદ તેમનો પરિચય ગાઢ થયો હતો અને બંને એકબીજાને પ્રેમ કરતા હોય તન્વીર શિવાનીને પોતાના ઘરે અવારનવાર લઈ જતો અને લગ્નની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધતો હતો. દરમિયાન, ત્રણ મહિના અગાઉ મદરેસાના બાળકો માટે ફંડ ઉઘરાવવા જતા પરિણીતાને જોઈ મોહી પડેલા તન્વીરે અવારનવાર ફોન કરી બીભત્સ માંગણી કરતા તેની ધરપકડ થઈ હતી.તન્વીર એક મહિનો જેલમાં રહેતા શિવાનીએ તેની સાથે છેડો ફાડી દીધો હતો. એક મહિના અગાઉ તન્વીરે શિવાનીને ફોન કરી મારુતિનગરમાં મળવા બોલાવતા તે ગઈ ત્યારે તન્વીર તેને પોતાના નવા રૂમમાં લઈ ગયો હતો અને મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી ધમકી આપી હતી કે તું મેરે ખિલાફ કીસીકો ફરીયાદ કરેગી તો મે તેરે ઘર પે આકે મર જાઉગા.ગભરાયેલી શિવાનીએ કોઈને વાત કરી નહોતી. જોકે, ચાર દિવસ અગાઉ તે ફરી ચૌટાબજારમાં ગઈ હતી ત્યારે ત્યાં મળેલા તન્વીરે તું મેરે સાથ સંબંધ નહી રખેગી તો તેરે લડકે કો જાનસે માર દુંગા તેવી ધમકી આપતા છેવટે શિવાનીએ માતા સાથે ચર્ચા કર્યા બાદ ગતરોજ લીંબાયત પોલીસ મથકમાં તન્વીર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તન્વીરની ધરપકડ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.