જિલ્લામાં લમ્પી વાયરસે વધુ 25 પશુનો ભોગ લીધો - At This Time

જિલ્લામાં લમ્પી વાયરસે વધુ 25 પશુનો ભોગ લીધો


- ભાવનગર જિલ્લામાં 24 કલાકમાં લમ્પી વાયરસના 141 કેસ નોંધાયા - લમ્પી વાયરસના કુલ 747 કેસ, 74 પશુના મૃત્યુથી અરેરાટી : 9 તાલુકાના 119 ગામ અસરગ્રસ્ત : 83,168 પશુનુ રસીકરણ કરાયુભાવનગર : લમ્પી વાયરસના કેસ ભાવનગર જિલ્લામાં દિવસે દિવસે વધી રહ્યા છે તેથી પશુપાલકોની ચિંતા વધી છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં લમ્પી વાયરસના વધુ ૧૪૧ કેસ નોંધાયા હતા અને રપ પશુઓના મૃત્યુ થયા હતાં. લમ્પી વાયરસનો જુદા જુદા ગામમાં પ્રવેશ થઈ રહ્યો છે તેથી પશુપાલન વિભાગે કામગીરી શરૂ કરી છે. પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ હાથ ધરવામાં આવ્યુ છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં લમ્પી વાયરસના વધુ ૧૪૧ કેસ નોંધાયા છે અને રપ પશુના મોત નિપજયા હતાં. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ ૭૪૭ કેસ નોંધાયા છે અને કુલ ૭૪ પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર, ઉમરાળા, પાલિતાણા, સિહોર, વલ્લભીપુર, ઘોઘા, તળાજા સહિતના ૯ તાલુકામાં લમ્પી વાયરસના કેસ નોંધાતા પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ૯ તાલુકામાં ૧૧૯  ગામ અસરગ્રસ્ત છે. જુલાઈ માસની શરૂઆતથી ભાવનગર જિલ્લામાં લમ્પી વાયરસનો પગપેસારો થયો છે. ગાય-બળદ સિવાય અન્ય પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાયા નથી. ગાય-બળદને શરૂઆતમાં તાવ આવે છે અને ત્યારબાદ ફોડકા થાય છે જે લમ્પી વાયરસના લક્ષણો છે. રસીકરણથી આ રોગ સારો થઈ જાય છે તેથી પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ હાથ ધરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં કુલ ૮૩,૧૬૮ ગાય-બળદનુ રસીકરણ કરવામાં આવ્યુ છે તેમ પશુપાલન વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે. જિલ્લામાં રસીકરણ વચ્ચે પણ લમ્પી વાયરસના કેસ વધી રહ્યા છે તેથી પશુપાલકોમાં ગભરાટ વધ્યો છે. લમ્પી વાયરસે અત્યાર સુધીમાં ૭૪ પશુનો ભોગ લઈ લીધો છે તેથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે તંત્રએ લમ્પી વાયરસને અટકાવવા માટે ઝડપી કામગીરી હાથ ધરવી જરૂરી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.