લમ્પી ઇફેક્ટ: ગૌપાલક દ્વારા દૂધના વેચાણ પર અસર: દૂધ પણ ઉકાળીને પીવા અપીલ
વડોદરા,તા.03 ઓગષ્ટ 2022,બુધવારલમ્પિ રોગએ વિષાણુજન્ય રોગ છે. રોગ Capri pox નામના વિષાણુથી થાય છે. હાલ પશુધનમાં ઝડપથી ફેલાઈ રહેલા લમ્પિ રોગના કારણે વડોદરામાં તેની દુધ ઉત્પાદકતાને અસર થઈ છે. ઉપરાંત લોકોએ સ્વાસ્થ્યની ચિંતા કરવા સાથે ગૌપાલકને ત્યાંથી સીધેસીધું દૂધ લેવાનું ઘટાડી દીધું છે અને ડેરી ખાતેના કેન્દ્ર પરથી દૂધ લેવાનો આગ્રહ શરૂ કર્યો છે.રાજ્યભરમાં વકરી રહેલા લમ્પિ રોગમાં સામાન્ય રીતે રોગ જાનવરથી માણસના શરિરમાં ફેલાતો નથી. ઘણા એવા રોગ છે જે જાનવરથી માણસ અને માણસથી જાનવરમાં ફેલાતો હોય છે પરંતુ લમ્પિ રોગ ઝુનોટિક નથી. જેથી તે જાનવરથી મનુષ્ય જાતિમાં ફેલાવવાની શક્યતા રહેતી નથી પરંતુ રોગ જે પશુધનમાં ફેલાય છે તેના દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવુ પડે છે. આણંદની વેટરનરી કોલેજના સહ પ્રધ્યાપક ડોક્ટર બી.સી. પરમારે જણાવ્યું કે, કેટલાક એવા ઝુનોટિક ડીસીસ હોય છે જે મનુષ્યમાં પ્રસરતા તેની માનવજાત પર અસર થતી હોય છે. જેમ કે, જાનવરને ટીબી થયો હોય અને એનું કાચું દૂધ માણસ પીવે તો તેને પણ ટીબી થવાની શક્યતા રહેલી છે. એવી જ રીતે, જાનવરનું માસ ખાવાથી પણ કેટલીક વાર ટીબીનું સંક્રમણ થતું હોય છે. હાલ લમ્પિ રોગ વિશેષ કરીને ગાયમાં જોવા મળે છે અને ગાયનું સીધેસીધું કાચું દૂધ પીવાને બદલે તકેદારીથી એને ગરમ (પેચ્યુરાઇઝ) કર્યા બાદ પીવાનો આગ્રહ રાખવો જોઈએ. ડોક્ટર બી.સી. પરમારે એમ પણ ઉમેર્યું કે, ગાયમાં લમ્પિ રોગ ન થાય તે માટે તેઓને ગોટ પોક્સ નામની વેક્સિન આપવામાં આવતી હોય છે. જે તકેદારીના ભાગરૂપે હાલ આપવામાં આવી રહી છે. પરંતુ જે ગાય સંક્રમિત થઈ ગઈ છે તેનામાં આ રસીનો કોઈ ફાયદો થતો નથી. હાલ આનો કોઈ ચોક્કસ ઉપચાર નથી પરંતુ સારવારના ભાગરૂપે એન્ટિસેપ્ટિક, એન્ટીબાયોટિક જેવી દવાઓ અપાતી હોય છે. રોગમાં અમુક ગાયોને ન્યુમોનિયા પણ થવાની શક્યતા હોય છે. તકેદારીના ભાગરૂપે ગાયને ગોટ પોક્સ રસી આપીને તેનાથી અમૂલ્ય પશુધનને બચાવી શકાય છે. એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે, ગાયનું લોહી ચૂસતા માખી, મચ્છર, જીવજંતુ કે ઇતરડીના માધ્યમથી એક જાનવરમાંથી બીજા જાનવરમાં રોગ ફેલાઈ રહ્યો છે. ગાયનું લોહી ચૂસતા માખી, મચ્છર, જીવજંતુ કે ઇતરડીનું નિયંત્રણ ડેલ્ટામેથ્રીન નામની દવાને પાણી સાથે મિશ્રીત કરીને અને તેનો સ્પ્રે કરીને કરી શકાય છે. જ્યાં ગાયને રાખવામાં આવે છે તેવી જગ્યાઓએ નિયમિત ફોગીંગ કરવા જેવી કાર્યવાહી કરવી હિતાવહ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.