રણછોડનગરમાં 22 વર્ષીય યુવતીનો આપઘાત
શહેરના રણછોડનગર શેરી નં.12માં 15 નંબરની સ્કૂલ પાછળ રહેતી સોનલ ધીરૂભાઈ જાગાણી નામની 22 વર્ષીય યુવતીએ પોતાની ઘરે વહેલી સવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની વિગત મુજબ સોનલના પિતા સહિતના સભ્યો સવારે 6-45 વાગ્યા આસપાસ ઉઠયા હતા. ઉઠીને સોનલના રૂમનો દરવાજો ખખડાવતા તેણે ખોલ્યો ન હતો.
જેથી કંઈક અજુગતુ થયાનું લાગતા રૂમનો દરવાજો તોડી જોતા ચુંદડી પંખા સાથે બાંધી સોનલ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. દેકારો મચી જતા આસપાસના લોકો દોડી આવેલા સોનલને ગળાફાંસો ખાધેલી હાલતમાંથી નીચે ઉતારી કોઈએ 108માં જાણ કરતા એમ્બ્યુલન્સ સાથે આવેલી ટીમના ઈએમટી ડોકટરે સોનલને તપાસી ત્યાં જ મૃત જાહેર કરી હતી. બનાવની જાણ બી ડીવીઝન પોલીસને કરાતા હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ઝાલા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો.
પરીવારની પૂછપરછમાં જે વિગતો સામે આવી તે અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સોનલ પોતાના ઘરેથી જ ઈમીટેશનનું કામ કરતી હતી. તે બે બહેન અને 1 ભાઈમાં વચેટ હતી. તેના પિતા ધીરૂભાઈ નિવૃત છે. સોનલને ચારેક મહિનાથી માથાનો દુ:ખાવો થતો હતો. દવા કરાવી હતી પણ કોઈ ફેર પડયો નહોતો. માથાના દુ:ખાવાથી કંટાળી આપઘાત કરી લીધો હતો. આ પ્રાથમીક તારણની હકીકત જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીના આપઘાતથી પરીવારમાં ગમગીની છવાઈ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.