નિર્દયી રીતે શરીરના ટુકડા કરીને આંતરડા બહાર કાઢ્યા:500 લોકોએ ગુનો કબૂલ્યો, 77 વર્ષથી એક્ટ્રેસ એલિઝાબેથની ઘાતકી હત્યાનું રહસ્ય અકબંધ
તે 15 જાન્યુઆરી 1947નો એ દિવસ હતો, સવારના 10 વાગ્યાની આસપાસનો સમય હતો. લોસ એન્જલસમાં રહેતી એક સામાન્ય ગૃહિણી તેની પુત્રી બેરસિંગર સાથે આંટો મારવા નીકળી હતી. શેરીઓ ખાલીખમ હતી અને સન્નાટો હતો. નોર્થટન એવન્યૂ પાસેથી પસાર થતી વખતે તેની નજર રસ્તાના કિનારે ઉગેલા ઘાસમાં પડેલી વિચિત્ર વસ્તુ પર પડી. પ્રથમ નજરે તેણે વિચાર્યું કે એક સફેદ પૂતળું તૂટેલું પડ્યું હશે. જ્યારે તે થોડાં ડગલાં આગળ વધી, ત્યારે તે જોઈને ધ્રૂજી ગઈ. તે પૂતળું નહીં પરંતુ બે ટુકડામાં પડેલી લાશ હતી. શરીર પર કપડાં નહોતાં અને લાશ સફેદ પડી ગઈ હતી. આ ભયાનક દૃશ્ય જોયા બાદ દીકરીએ તરત જ ઓથોરિટીને જાણ કરી. મૃતદેહની હાલત જોઈને લોસ એન્જલસ પોલીસ વિભાગ ચોંકી ગયો હતો. શરીરને કાપી નાખવામાં આવ્યું હતું, ચહેરા પર એક ચીરો કરવામાં આવ્યો હતો અને આંતરડા બહાર કાઢવામાં આવ્યા હતાં. લોસ એન્જલસ હેરાલ્ડ એક્સપ્રેસના રિપોર્ટર એજી અંડરવૂડે મૃતદેહના ફોટોગ્રાફ્સ લીધા હતા. જ્યાંથી મૃતદેહ મળ્યો હતો તેની પાસે હીલ અને ટાયરના નિશાન હતા. નજીકમાં પડેલા કોથળા પર લોહીના ડાઘા પણ હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તેની ઓળખ શરૂ કરી હતી. જ્યારે પોલીસ રેકોર્ડ સાથે ફિંગરપ્રિન્ટ્સ મેચ કરવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે આ લાશ હોલિવૂડ અભિનેત્રી એલિઝાબેથ શોર્ટની છે. એ જ એલિઝાબેથ શોર્ટ, જે હોલિવૂડમાં કારકિર્દી બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી. કેસ સાથે જોડાયેલા દરેક અધિકારી, દરેક જાસૂસ અને પત્રકારને એક જ પ્રશ્ન હતો કે કોઈ સગીર અભિનેત્રીને આટલી નિર્દયતાથી કેમ મારી નાખે, પરંતુ આ પ્રશ્નનો જવાબ ક્યારેય મળી શક્યો નહીં. ઘણી નવલકથાઓ લખાઈ, ઘણી ફિલ્મો અને સિરીઝ બની, પરંતુ 500 લોકોની કબૂલાત છતાં હત્યાનો કેસ ઉકેલી શકાયો નહી. આજે વણકહી વાર્તાના પ્રકરણ 4 માં, આ ભયાનક મર્ડરકેસનું વણઉકેલાયેલ રહસ્ય અને એલિઝાબેથ શોર્ટની વાર્તા વાંચો, જેને ઇતિહાસ બ્લેક ડહલિયાના નામથી ઓળખે છે - એલિઝાબેથ શોર્ટનું શબપરીક્ષણ (ઓટોપ્સી) 16 જાન્યુઆરીએ થયું હતું. તેના માથા, પગની ઘૂંટી, કાંડા અને ગરદન પર ઈજાના નિશાન હોવાનું સામે આવ્યું હતું. જમણું સ્તન કપાયેલું હતું. રિપોર્ટ અનુસાર હત્યા બાદ તેના શરીરને ખાસ ટેકનિકથી કાપવામાં આવ્યું હતું. તેના મૃત્યુ પહેલા તેને ટોર્ચર કરવામાં આવી હતી અને તેના શરીરમાંથી બધું લોહી વહી ગયા બાદ તેને ફેંકી દેવામાં આવી હતી. માર મારવાથી અને ટોર્ચરથી હેમરેજ થવાથી તેનું મૃત્યુ થયું હતું. ડોકટરોને શંકા છે કે તેની પર બળાત્કાર થયો હતો, જોકે શરીરમાં શુક્રાણુના કોઈ નિશાન મળ્યાં નહોતા. એલિઝાબેથ શોર્ટ મર્ડર કેસ બાદ લોસ એન્જલસમાં સનસનાટી મચી ગઈ હતી. મીડિયા હાઉસમાં તેના મૃત્યુની અલગ-અલગ થિયરીઓ આવવા લાગી. પ્રેસે તેને બ્લેક ડહલિયાનું હુલામણું નામ આપ્યું. ડહલિયા એક ફૂલનું નામ છે. એલિઝાબેથની હત્યાના સમાચાર આખા દેશમાં ફેલાઈ જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દરમિયાન, એક વ્યક્તિ પ્રખ્યાત અખબાર એક્ઝામિનરની ઑફિસમાં આવ્યો, જેણે દાવો કર્યો કે તેણે એલિઝાબેથની હત્યા કરી છે. જો કે પોલીસ તપાસ દરમિયાન તેનો દાવો ખોટો સાબિત થયો હતો. હત્યારો પોલીસને હત્યા સંબંધિત પુરાવા મોકલતો રહ્યો
24 જાન્યુઆરીના રોજ, એલિઝાબેથ શોર્ટનું જન્મ પ્રમાણપત્ર, બિઝનેસ કાર્ડ્સ અને ફોટોગ્રાફ્સ ધરાવતું એક શંકાસ્પદ પરબિડીયું એક્ઝામિનરની ઑફિસને મોકલવામાં આવ્યું હતું. જ્યારે તે પરબિડીયું તપાસ માટે મોકલવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ઓળખ ગુપ્ત રાખવા માટે, પરબિડીયું અને તેમાં રહેલા સામાનને પેટ્રોલથી ધોવામાં આવ્યો હતો, એ જ રીતે એલિઝાબેથના શરીર પરથી ફિંગરપ્રિન્ટ ભૂંસી નાખવા માટે પેટ્રોલથી મૃતદેહ ધોવામાં આવ્યો હતો. પોલીસનું માનવું હતું કે પરબિડીયું હત્યારાએ મોકલ્યું હતું. જો કે, પોલીસને તપાસમાં કશું મળી શક્યું નહી. બીજા દિવસે એક્ઝામિનરને બીજું પેકેટ મળ્યું, જેમાં હેન્ડબેગ અને જૂતાં હતાં. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે તે પણ પેટ્રોલથી ધોવામાં આવ્યા હતા, જોકે તેના દ્વારા પણ પોલીસ હત્યારા સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ઘણી વખત એક્ઝામિનરને હાથથી લખેલા પત્રો મળ્યા જેમાં તે વ્યક્તિએ પોતાની જાતને ખૂની તરીકે ઓળખાવી અને પોલીસને મીટિંગનો સમય અને સરનામું આપ્યું, પરંતુ દરેક વખતે આ પત્રો ખોટા અને ગેરમાર્ગે દોરનારા સાબિત થયા. એલિઝાબેથના ખૂનીએ લખેલી સુસાઇડ નોટ...
ફ્લોરિડાના બીચ કેરટેકરને 14 માર્ચે જૂતાની અંદર એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં વ્યક્તિએ એલિઝાબેથ શોર્ટની હત્યા કરવાનો દાવો કર્યો હતો. નોટમાં લખ્યું હતું - 'બ્લેક ડહલિયા (એલિઝાબેથ શોર્ટ)ની હત્યા માટે પોલીસ મારા સુધી પહોંચે તેની મેં રાહ જોઈ, પરંતુ તેઓ મારા સુધી પહોંચ્યા નહીં. હું એક કાયર છું જે બધાની સામે આવી શકતો નથી, તેથી હું આત્મહત્યા કરી રહ્યો છું. હું આમાં મારી મદદ કરી શકતો નથી.' પત્રના અંતે લખવામાં આવ્યું હતું કે, સોરી મેરી. મેરી તે માણસની પત્ની અથવા ગર્લફ્રેન્ડ હોઈ શકે છે. આત્મહત્યા કરનાર વ્યક્તિનો કેટલોક સામાન બીચ પરના પત્ર પાસે પણ મળી આવ્યો હતો, જેમાં એડ્રેસ બુક પણ હતી. તેમાં પ્રખ્યાત બિઝનેસમેન માર્ક હેન્સનનું નામ પણ હતું. માર્ક હેન્સન નાઈટક્લબ અને થિયેટરના માલિક હતા. હેન્સનની ધરપકડથી આ હત્યાકેસને નવી દિશા મળી છે. હેન્સન એલિઝાબેથને ખરેખર ઓળખતો હતો. હેન્સને પોલીસને જણાવ્યું કે એક્ઝામિનરને મોકલવામાં આવેલ પર્સ અને શૂઝ એલિઝાબેથ શોર્ટના છે. દરમિયાન, પૂછપરછ દરમિયાન એલિઝાબેથ શોર્ટના રૂમમેટ અને મિત્ર એન. ટોથે જણાવ્યું હતું કે એક વખત હેન્સને એલિઝાબેથ પાસેથી સેક્સ્યુઅલ ફેવરની માંગણી કરી હતી, પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી.પોલીસે હેન્સનને શંકાસ્પદ માનીને તપાસ શરૂ કરી. ડિટેક્ટિવ ઈટવેલ પણ માનતા હતા કે હેન્સને એલિઝાબેથનો બદલો લેવા માટે તેના મિત્રની હત્યા કરી હતી, જેણે પાછળથી આત્મહત્યા કરી હતી. જો કે, હેન્સન વિરુદ્ધ ક્યારેય કોઈ પુરાવા મળ્યા નથી. આ કેસમાં 150 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, જેના માટે લગભગ 1000 લોકોની ટીમ દિવસ-રાત કામ કરી રહી હતી. તેમ છતાં હત્યારો ક્યારેય મળી શક્યો નથી. લગભગ 500 લોકોએ અલગ-અલગ સમયે એલિઝાબેથની હત્યાની કબૂલાત કરી હતી, પરંતુ પોલીગ્રાફ ટેસ્ટમાં તેમના તમામ દાવા ખોટા હોવાનું જણાયું હતું. એવા ઘણા લોકો હતા જેમના પર હત્યાનો આરોપ હતો, જેઓ એલિઝાબેથના મૃત્યુ સમયે જન્મ્યા પણ નહોતા. વર્ષો પછી ડિટેક્ટીવનો ઘટસ્ફોટ - 'મેં ખૂનીને જોયો હતો'
એલિઝાબેથના કેસમાં સામેલ મૂળ ડિટેક્ટિવ રાલ્ફ એસ્ડેઇલે 2003માં ટાઇમ્સ મેગેઝિનને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેણે એલિઝાબેથ શોર્ટના હત્યારાની પૂછપરછ કરી હતી, પરંતુ પુરાવાના અભાવે તેને છોડી દેવામાં આવ્યો હતો. રાલ્ફના જણાવ્યા અનુસાર, એલિઝાબેથનો મૃતદેહ જે વિસ્તારમાં મળ્યો હતો તેની નજીક સફેદ સેડાન કારમાં એક માણસ જોવા મળ્યો હતો. તે જગ્યાએથી પસાર થતી વખતે એક વ્યક્તિએ તેને ત્યાં રોકીને કારમાંથી બેગનો નિકાલ કરતા જોયો. જે સમયે કાર દેખાઈ ત્યારે કારનો એક દરવાજો ખુલ્લો હતો. જ્યારે તે વ્યક્તિ કારમાંથી ઊતરીને કંઈક કરી રહ્યો હતો. તે વ્યક્તિ નજીકની રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. તેને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પુરાવા ન મળતાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો. કેસ સાથે જોડાયેલા ડિટેક્ટિવએ પિતા પર હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
આ કેસ સાથે સંકળાયેલા પોલીસ વિભાગના ડિટેક્ટિવ સ્ટીવ હોડલે તેના પિતા જ્યોર્જ હોડલ પર એલિઝાબેથ શોર્ટની હત્યાની શંકા વ્યક્ત કરી હતી. તેના પિતા સર્જન હતા જેમના પર અગાઉ અનેક હત્યાઓનો આરોપ હતો, જોકે આરોપો ક્યારેય સાબિત થયા ન હતા. એલિઝાબેથના કેસમાં જ્યોર્જ હોડલનું નામ આવવાનું એક મજબૂત કારણ એ હતું કે ડોકટરો માનતા હતા કે, એલિઝાબેથને જે રીતે કાપવામાં આવી હતી તે માત્ર તબીબી વ્યાવસાયિક માટે જ શક્ય છે. લેખકનો દાવો, 'મેં મારા પિતાને એલિઝાબેથની હત્યા કરતા જોયા છે'
1991માં, જેનિસ નૉટને દાવો કર્યો હતો કે તેણે તેના પિતા જ્યોર્જ નૉટનને 1947માં એલિઝાબેથ શૉર્ટની હત્યા કરતા જોયા હતા જ્યારે તે 10 વર્ષની હતા. દાવા મુજબ, જ્યોર્જે એલિઝાબેથનું શારીરિક શોષણ કર્યા બાદ તેને હથોડી વડે મારી હતી. 1995માં, જેનિસે 'ડેડી વોઝ ધ બ્લેક ડહલિયા કિલર' પુસ્તક પ્રકાશિત કર્યું. જો કે, પુસ્તકમાં વર્ણવેલ ઘટનાઓ વાસ્તવિક ઘટનાઓથી તદ્દન અલગ હતી. એલિઝાબેથ પર વેશ્યાવૃત્તિનો આરોપ હતો
તપાસ દરમિયાન એલિઝાબેથ શોર્ટ પર વેશ્યાવૃત્તિનો આરોપ પણ લાગ્યો હતો. પૂછપરછ દરમિયાન આ કેસ સાથે જોડાયેલા કેટલાક જાસૂસોને ખબર પડી કે એલિઝાબેથ ઘણીવાર અલગ-અલગ લોકો સાથે રહેતી હતી. આ દરમિયાન તે દેહવ્યાપાર પણ કરતી હતી. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેના અનેક મહિલાઓ સાથે સંબંધો હતા. એલિઝાબેથ શોર્ટના બાળપણ પર એક નજર અને હત્યા પહેલાની વાર્તા- શેરબજારમાં કડાકાને કારણે બાળપણ ગરીબીમાં વીત્યું
29 જુલાઈ, 1924ના રોજ એલિઝાબેથ શોર્ટનો જન્મ બોસ્ટનમાં થયો હતો. તેમના પિતા, ક્લિઓ શોર્ટ, યુનાઇટેડ સ્ટેટ નેવીના નાવિક હતા. એલિઝાબેથનું બાળપણ અત્યંત શ્રીમંત પરિવારમાં વીત્યું હતું. જો કે, 1929 ના શેરબજાર ક્રેશને કારણે તેમના પરિવારને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો. તેમનો પરિવાર ગરીબીમાં જીવવા મજબૂર થયો હતો. તેના પિતાના મગજ પર તેની ખરાબ અસર પડી હતી. પિતા ગુમ થયા, પોલીસે તેમને મૃત જાહેર કર્યા
એલિઝાબેથ માત્ર 6 વર્ષની હતી જ્યારે એક દિવસ તેના પિતા અચાનક ગુમ થઈ ગયા. તેની કાર ચાર્લ્સટાઉન બ્રિજ પાસે મળી આવી હતી અને પોલીસે અનુમાન લગાવ્યું હતું કે તેમણે ચાર્લ્સ નદીમાં કૂદીને આત્મહત્યા કરી છે. બાળપણ સંબંધીઓ સાથે વિતાવ્યું
પતિના મૃત્યુના સમાચાર મળતાં જ એલિઝાબેથની માતાએ પુસ્તકોની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું. દરમિયાન, પરિવાર પર બીજી આફત આવી. એલિઝાબેથને અસ્થમાના અનેક અટેક આવ્યા હતા, જેના કારણે 15 વર્ષની ઉંમરે તેમના ફેફસાની સર્જરી થઈ હતી. તેમની વધુને વધુ બગડતી તબિયતને લીધે, એલિઝાબેથને સગાંઓ સાથે રહેવા માટે મિયામી મોકલવામાં આવી. પિતા અચાનક પાછા ફર્યા, માતાની માફી માંગી
1942માં, એલિઝાબેથની માતાને જેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા તે પિતા તરફથી માફી માંગતો પત્ર મળ્યો, પિતાએ કબૂલાત કરી કે તે આર્થિક સંકડામણને કારણે પરેશાન હતો, તેથી તે કેલિફોર્નિયામાં સ્થાયી થયો અને નવું જીવન શરૂ કર્યું. 18 વર્ષની ઉંમરે, એલિઝાબેથને તેના પિતા સાથે રહેવા મોકલવામાં આવી. એલિઝાબેથ, જે ફક્ત 6 વર્ષની હતી ત્યારથી જ તેના પિતા વગર રહેતી હતી, તેને તેના પિતા સાથે એડજસ્ટ થવું મુશ્કેલ લાગ્યું. બંને વચ્ચે રોજ ઝઘડા થતા હતા. આ જ કારણ હતું કે એલિઝાબેથે 1943માં તેના પિતાનું ઘર છોડી દીધું હતું. ફ્લોરિડામાં દારૂ પીવા બદલ ધરપકડ કરવામાં આવી હતી
ખર્ચ પૂરા કરવા માટે, એલિઝાબેથે સામાન્ય નોકરીઓ કરવાનું શરૂ કર્યું. દરમિયાન, તે યુએસ એરફોર્સના ઉચ્ચ વર્ગના વકીલને મળી. થોડા સમય પછી બંને રિલેશનશિપમાં આવ્યા અને લિવ-ઈનમાં રહેવા લાગ્યા. રિપોર્ટ્સ અનુસાર, તે વ્યક્તિ તેને મારતો હતો. વધતા સંઘર્ષને કારણે, એલિઝાબેથ 1943ના મધ્યમાં સાન્ટા બાર્બરામાં શિફ્ટ થઈ. 23 સપ્ટેમ્બર, 1943ના રોજ, એલિઝાબેથ સગીર હોવા છતાં સ્થાનિક બારમાં દારૂ પીતી પકડાઈ હતી. પોલીસે તેને કસ્ટડીમાં લઈ જુવેનાઈલ ઓથોરિટીને સોંપી હતી. થોડા દિવસો પછી, એલિઝાબેથને તેના પરિવાર પાસે પાછી મોકલી દેવામાં આવી. જોકે, તે ત્યાંથી ભાગીને ફ્લોરિડા આવી ગઈ હતી. ફ્લોરિડામાં, એલિઝાબેથ મેજર મેથ્યૂ માઈકલ ગોર્ડન જુનિયરને મળી, જે એક વાયુસેના અધિકારી હતા જેઓ બીજા વિશ્વયુદ્ધનો એક ભાગ હતા. થોડા દિવસો સુધી મળ્યા પછી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. આ દરમિયાન મેજર મેથ્યૂનું પ્લેન ભારતમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. સાજા થવા દરમિયાન, તેણે એલિઝાબેથ શોર્ટને એક પત્ર લખ્યો અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એલિઝાબેથ પણ મેજર મેથ્યૂ સાથે લગ્ન કરવા માગતી હતી, પરંતુ તેમના પ્રસ્તાવને સ્વીકાર્યાના થોડા દિવસો પછી, મેજર મેથ્યુ 10 ઓગસ્ટ 1945ના રોજ અન્ય એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. તેના બોયફ્રેન્ડના મૃત્યુ પછી, એલિઝાબેથ શોર્ટ લોસ એન્જલસ આવી. તેણે સધર્ન કેલિફોર્નિયામાં રહીને વેઈટ્રેસ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન તેણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જો કે, તેની ભૂમિકાઓ એટલી નાની હતી કે તેને કોઈપણ ફિલ્મમાં ક્રેડિટ આપવામાં આવી ન હતી. ફિલ્મોમાં નાનું કામ કર્યા બાદ તે અભિનેત્રી બનવા માંગતી હતી, જેના માટે પ્રયાસો ચાલુ હતા. લોસ એન્જલસમાં તે જ સમય દરમિયાન, એલિઝાબેથ શોર્ટ 25 વર્ષીય સેલ્સમેન રોબર્ટને મળી, જેની સાથે તે રિલેશનશિપમાં આવી. બંને રજાઓ બાદ 9 જાન્યુઆરીએ સાન ડિએગોથી પરત ફરી હતી. રોબર્ટે એલિઝાબેથને લોસ એન્જલસની બિલ્ટમોર હોટેલમાં છોડી દીધી હતી, જ્યાં તે તેની બહેનને મળવાની હતી. તેણે તેના બોયફ્રેન્ડ રોબર્ટને કહ્યું કે તેની બહેન બોસ્ટનથી તેને મળવા આવી છે. રોબર્ટ તેને છોડીને બિલ્ટમોર હોટેલમાં દાખલ થયો. તેણે ત્યાંની લોબીમાંથી ફોન કર્યો હતો. થોડા સમય પછી તે હોટેલમાંથી નીકળી ગઈ અને કોઈએ તેને ફરી જોઈ નહીં. 14 જાન્યુઆરીએ એલિઝાબેથ શોર્ટનો મૃતદેહ હોટલથી થોડે દૂરથી મળી આવ્યો હતો. પોલીસને આ કેસમાં 150 લોકો પર શંકા છે. લગભગ એક હજાર લોકોની ટીમે આ હત્યાનો ઉકેલ લાવવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યા, પરંતુ મૃત્યુનું રહસ્ય 77 વર્ષ પછી પણ વણઉકેલ્યું રહ્યું. એલિઝાબેથ શોર્ટનું મૃત્યુ અમેરિકાના ઈતિહાસમાં સૌથી ઘાતકી હત્યા માનવામાં આવે છે. ટાઈમ મેગેઝીને તેને સૌથી જૂના અને વણઉકેલાયેલા હત્યા કેસોની યાદીમાં સામેલ કર્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.