રાષ્ટ્રપતિ ચૂંટણી : મુર્મુના સમર્થનમાં કેરળમાં ૧ ધારાસભ્યનું ક્રોસવોટિંગ - At This Time

રાષ્ટ્રપતિ ચૂંટણી : મુર્મુના સમર્થનમાં કેરળમાં ૧ ધારાસભ્યનું ક્રોસવોટિંગ


તિરુવનંતપુરમ, તા.૨૨રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુના ઐતિહાસિક વિજયમાં કેરળમાંથી તેમને મળેલા એક મતનું પણ યોગદાન છે. જોકે, આ વોટને પગલે કેરળના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કેરળની ૧૪૦ સભ્યોની વિધાનસભામાં ભાજપનો એક પણ ધારાસભ્ય નથી છતાં મુર્મુને મળેલા એક મતને ભાજપે ૧૩૯ સમાન ગણાવ્યો છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દેશના અનેક રાજ્યોમાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં ક્રોસવોટિંગ થયું હતું. જોકે, કેરળમાં અનપેક્ષિત રીતે એક વોટ મળતાં ભાજપ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયો છે. કેરળમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (એમકેપી)ના નેતૃત્વમાં શસાક એલડીએફ અને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ યુડીએફે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.રિટર્નિંગ ઓફિસર કવિતા ઉન્નીથને જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન સીક્રેટ બેલટથી થાય છે તેથી કોણે મુર્મુની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું તે કહેવું મુશ્કેલ છે. જોકે, રાજકીય નિષ્ણાતો હવે એવો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે એનડીએનાં ઉમેદવારને આ એક વોટ ભૂલથી અપાયો છે કે ઈરાદાપૂર્વક. બીજીબાજુ ભાજપના કેરળ એકમના પ્રમુખ કે. સુરેન્દ્રને કહ્યું કે મુર્મુને મળેલો એક મત ૧૩૯ મત કરતાં વધુ મહત્વનો છે. આ નકારાત્મક્તા વિરુદ્ધ સકારાત્મક્તાનો વોટ છે. બીજીબાજુ સીપીઆઈ-એમ અને કોંગ્રેસ વાસ્તવિક્તા જાણ્યા વિના એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાનું ટાળી રહ્યા છે. ભાજપે દાવો કર્યો છે કે દ્રૌપદી મુર્મુને ૧૭ સાંસદો અને વિવિધ રાજ્યોના ૧૨૬ ધારાસભ્યોએ પક્ષની લાઈનથી અલગ જઈ મત આપ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.