રખડતા પશુઓ મુદ્દે આણંદ નગરપાલિકા કચેરીમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો - At This Time

રખડતા પશુઓ મુદ્દે આણંદ નગરપાલિકા કચેરીમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો


- તાજેતરમાં ગાયોએ એક મહિલા સહિત બાળકીને અડફેટે લીધી હતી- ઇસ્માઇલનગરના રહેવાસીઓએ આણંદ નગરપાલિકા હાય..હાય...ના નારા લગાવી વિરોધ કર્યોઆણંદ : આણંદ શહેરના ઈસ્માઈલ નગર વિસ્તારમાં ગત રોજ તોફાને ચડેલ બે ગાયોએ એક મહીલા સહિત બાળકીને અડફેટે લીધા હતા. સાથે સાથે અન્ય આઠ જેટલા વ્યક્તિઓને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. રખડતા પશુઓને પાંજરે પુરવાની કામગીરીમાં આળસ દાખવતી પાલિકાના સત્તાધીશો સામે આજે ઈસ્માઈલ નગરના સ્થાનિકોેએ ભારે રોષ ઠાલવ્યો હતો અને નગરપાલિકા સંકુલ ખાતે હલ્લા બોલ કરી આણંદ નગરપાલિકા હાય..હાય... ના નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.મળતી માહિતી મુજબ ગત રોજ આણંદ શહેરના ઈસ્માઈલનગર વિસ્તારની બિસ્મીલ્લા સોસાયટી નજીક તોફાનો ચડેલ બે ગાયોએ આતંક મચાવ્યો હતો. જેમાં તહેવાર ટાણે ખરીદી કરવા નીકળેલ એક ૪૫ વર્ષીય મહિલા તથા ૭ વર્ષની બાળાને ગાયે શીંગડે ભરાવતા બંને ઈજાગ્રસ્ત થયા હતા. સાથે સાથે અન્ય આઠેક જેટલી વ્યક્તિઓ પણ આ વિફરેલી ગાયોથી ઈજાગ્રસ્ત થઈ હતી. છેલ્લા ઘણા સમયથી આણંદ શહેરમાં રખડતી ગાયોનો ત્રાસ બેફામ બન્યો હોય અને અવારનવાર ગાયોની અડફેટે લોકો આવી રહ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો અને આજે ઈજાગ્રસ્ત મહિલા તથા બાળકી સહિતના સ્થાનિકોએ પાલિકા સંકુલ ખાતે હલ્લાબોલ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના વિપક્ષ કાઉન્સીલરોએ પાલિકા સંકુલમાં નગરપાલિકા હાય..હાય..., સેનેટરી વિભાગ હાય.. હાય...ના નારા લગાવી ઉગ્ર રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા સમયથી પાલિકાના સત્તાધીશો દ્વારા રખડતા પશુઓ અંગે આંખ આડા કાન કરાઈ રહ્યા છે ત્યારે ગત સોમવારે પાલિકાની ટીમ દ્વારા માત્ર ચાર રખડતી ગાયોને પાંજરે પૂરી સંતોષ માનવામાં આવી રહ્યા હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો.પશુઓ છે, તે તો ગમે ત્યાં જાય : પાલિકા પ્રમુખ રૂપલબેનરખડતી ગાયો અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવા ગયેલ સ્થાનિકોને મહીલા પાલિકા પ્રમુખ રૂપલબેને જવાબ આપતા પશુ છે, તે તો ગમે ત્યાં જાય તેમ કહી રખડતી ગાયો અંગેનું ઠીકરું પ્રજાજનો ઉપર ફોડયું હતું. લોકો દ્વારા જાહેરમાં ખોરાકનો નિકાલ કરવામાં આવતો હોઈ ગાયો તે ખોરાક ખાવા માટે આમથી તેમ ભટકતી હોવાનું જણાવતા રજાનો માહોલ હોઈ ઢોર પકડો ઝુંબેશની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે તેમ તેમણે બચાવ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.