લો, જોઈ લો વંદે ભારત સ્લીપર ટ્રેન; VIDEO:3 મહિનામાં લોન્ચ થશે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું- ભાડું રાજધાની જેટલું હશે - At This Time

લો, જોઈ લો વંદે ભારત સ્લીપર ટ્રેન; VIDEO:3 મહિનામાં લોન્ચ થશે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું- ભાડું રાજધાની જેટલું હશે


કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે (1 સપ્ટેમ્બર) વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રથમ મોડલની ઝલક બતાવી. તેઓ બેંગલુરુમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)ની ફેક્ટરીમાં ટ્રેનનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. તેમણે કહ્યું કે, વંદે ભારત સ્લીપર ટ્રેન આગામી 3 મહિનામાં એટલે કે ડિસેમ્બર સુધીમાં શરૂ થશે. કોચનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તે થોડા દિવસોમાં BEML ફેક્ટરીમાંથી બહાર આવશે. ટ્રેનનું પરીક્ષણ આગામી 2 મહિના સુધી ચાલુ રહેશે. આ પછી મુસાફરો માટે ટ્રેન શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રીએ કહ્યું કે, વંદે ભારત સ્લીપર ટ્રેનને 800થી 1200KMનું અંતર કાપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. મુસાફરો લગભગ રાત્રે 10 વાગ્યે તેમાં સવાર થશે અને સવારે તેમના ગંતવ્ય સ્થાને પહોંચશે. આ ટ્રેન મધ્યમ વર્ગ માટે બનાવવામાં આવી છે. તેનું ભાડું રાજધાની જેટલું જ હશે. વંદે ભારત સ્લીપર ટ્રેનની તસવીરો... રેલવે મંત્રીએ કહ્યું- વિશ્વની શ્રેષ્ઠ ટ્રેનોમાં ગણાશે
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ટ્રેનમાં કપલર મિકેનિઝમની નવી ટેક્નોલોજી લાવવામાં આવી છે. તેનાથી ટ્રેનનું વજન ઘટે છે અને તેની તાકાત વધે છે. કપ્લર એ ભાગ છે જે બે કોચને જોડે છે. તે ઓસ્ટેનિટિક સ્ટીલનું બનેલું છે. રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, ટ્રેન બનાવતી વખતે વજન સંતુલન અને સ્થિરતાને ધ્યાનમાં રાખવામાં આવી છે. વ્હીલ અને ટ્રેક વચ્ચેના યાંત્રિક ભાગને ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેનાથી ટ્રેનની અંદર વાઇબ્રેશન અને અવાજ ઓછો થશે. અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો હતો કે, વંદે ભારત સ્લીપર ટ્રેનની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ ટ્રેનોમાં થશે. ટ્રેનના કોચ અને ટોયલેટને અપગ્રેડ કરવામાં આવ્યા છે. ટ્રેનમાં અનેક સેફ્ટી ફીચર્સ છે. મેન્ટેનન્સ સ્ટાફ માટે અલગ કેબિન બનાવવામાં આવી છે. લાંબા અંતરની મુસાફરીનો સમય ઘટાડવાની અપેક્ષા
વંદે ભારત સ્લીપર ટ્રેનની શરૂઆત સાથે ભારતીય રેલવેનો હેતુ લાંબા અંતરની મુસાફરીનો સમય ઘટાડવાનો છે. ખાસ કરીને દિલ્હી-મુંબઈ અને દિલ્હી-કોલકાતા જેવા લાંબા રૂટ પર મુસાફરોને ઘણી સગવડ મળશે. જો કે આ ટ્રેન કયા રૂટ પર દોડશે તે હજુ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.